03/05/2024

શહેરના 9500 દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મતદારોનો હોમ-ટુ-હોમ સર્વે

0

Updated: Mar 31st, 2024

– મતદાન મથક પર જઈને મતદાન કરવા ઈચ્છો છો કે ઘરેથી પોસ્ટલ બેલેટ મારફત ? 

– 490 જેટલા બી.એલ.ઓ. સર્વેમાં જોડાયા : 85 વર્ષથી વધુ વય હોય તેવા વરિષ્ઠ મતદારો અને 40 ટકાથી વધુ દિવ્યાંગ હોય તેવા મતદારોને મળશે આ સુવિધા 

ભાવનગર : શહેરમાં ૪૦ ટકાથી વધુ દિવ્યાંગ હોય તેવા મતદારો અને જેમની વય ૮૫ વર્ષ કરતા વધુ હોય તેવા સિનિયર સિટીઝન્સ મતદારો લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન મથક પર જઈને મતદાન કરવા ઈચ્છે છે કે ઘરેથી પોસ્ટલ બેલેટ (પી.બી.) મારફત મતદાન કરવા માગે છે ? તેવી પૃચ્છા સાથે બૂથ લેવલ ઓફિસર્સ (બી.એલ.ઓ.) આ દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ મતદારોની ઘરે ઘરે જઈને મુલાકાત કરી સર્વે કરી રહ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકતંત્રનું મહાપર્વ એટલે ચૂંટણી અને ચૂંટણીમાં મતદારો સહભાગી થાય અને લોકશાહીનું આ મહાપર્વ ઉજવે તે હેતુથી ચૂંટણી પંચ સતત કાર્યરત છે અને સતત મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા પ્રયાસરત રહે છે. આ વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી પંચે ૪૦ ટકાથી વધુ દિવ્યાંગ હોય તેવા પી.ડબલ્યુ.ડી. મતદારો અને ૮૫ વર્ષ કરતા વધુ વય હોય તેવા સિનિયર સિટીઝન્સ મતદારો માટે વિશેષ સુવિધા પ્રદાન કરી છે. જે અંતર્ગત આ બંને વર્ગના મતદારો મતદાન મથક સુધી મતદાન કરવા ન આવી શકે તેમ હોય તો તેઓ ઘરેથી પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.  

 ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિભાગમાં અંદાજે ૫૦૦૦ જેટલા પી.ડબલ્યુ.ડી. મતદારો અને ૮૫ વર્ષ કરતા વધુ ઉમરના સિનિયર સિટીઝન્સ મતદારો છે. તો ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિભાગમાં આ બંને વર્ગના મતદારોની સંખ્યા અંદાજે ૪૫૦૦ થવા જાય છે. આ બન્ને વર્ગના મતદારોને મળવા માટે ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ બન્ને વિધાનસભા મત વિભાગના કુલ મળીને ૪૯૦ જેટલા બી.એલ.ઓ. હાલમાં હોમ-ટુ-હોમ મુલાકાત કરી રહ્યા છે. પી.ડબલ્યુ.ડી. મતદારોમાંથી જે મતદારો ૪૦ ટકાથી વધુ દિવ્યાંગ હોય તેમને જ ઘરેથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા મળનાર છે. આ માટેનું નિયત ફોર્મ ભરવાની સાથે તેમણે આવશ્યક ડોક્યુમેન્ટ અને ૪૦ ટકાથી વધારે દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. 

 હાલ ૯૫૦૦ મતદારોનો ૪૯૦ બી.એલ.ઓ. સર્વે કરી રહ્યા છે અને હોમ-ટુ-હોમ વીઝિટ કરી રહ્યા છે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *