04/05/2024

મહુવામાં યુવતીના આપઘાત કેસમાં શખ્સને 10 વર્ષની કેદ

0

Updated: Mar 31st, 2024

– ત્રણેક વર્ષ પૂર્વે પરિણીત શખ્સે ધાક ધમકી આપી યુવતી સાથે પરાણે પ્રેમસબંધ બાંધેલો

– દંડના 1.30 લાખમાંથી મૃતક યુવતીના પરિવારને 1 લાખનું વળતર આપવા કોર્ટનો હુકમ

મહુવા : મહુવામાં ત્રણેક વર્ષ પૂર્વે પરિણીત શખ્સે ધાક ધમકી આપી યુવતીને પરાણે પ્રેમસબંધમાં ફસાવી આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા કરતા યુવતીએ એસિડ પી જીવાદોરી ટૂંકાવી દીધી હતી. આ ચકચારી કેસમાં મહુવા કોર્ટે આરોપીને ૧૦ વર્ષ કેદની સજા અને ૧.૩૦ લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ પૈકી એક લાખ રૂપિયા મૃતક યુવતીના પરિવાર (ફરિયાદી)ને ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના બારપરા વિસ્તારમાં રહેતો બે સંતાનનો પિતા સાગર મગનભાઈ ગોહિલ નામના શખ્સે ત્રણ વર્ષ પૂર્વે એક અપરિણીત યુવાનને બળજબરીથી પ્રેમસબંધમાં ફસાવી મોબાઈલ ફોન પર મેસેજ કરવા દબાણ કરી ત્રાસ આપી તેણીના પરિવારને પણ જાનથી મારી નાંખવા ધમકી આપતો હતો. શખ્સના રોજબરોજનો ત્રાસ યુવતીથી સહન ન થતાં તેણીએ પોતાના ઘરે એસિડ ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. 

આ બનાવ અંગે મૃતકના ભાઈએ સાગર મનગભાઈ ગોહિલ નામના શખ્સ સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૬, ૫૦૬ (ર) મુજબનો ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ મહુવાના એડીશનલ સેસન્સ જજ ડી.સી. ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતાં આ કેસમાં કાયદા વિભાગ દ્વારા ખાસ નિમણૂક કરાયેલા જિલ્લા સરકારી વકીલ સ્પે. પી.પી. મનોજભાઈ જોષી અને ફરિયાદી પક્ષેે રોકાયેલા એડવોકેટ કે.એસ. ગઢાધરાની ધારદાર દલીલો, ૩૭ દસ્તાવેજી પુરાવા, ૨૨ મૌખીક પુરાવા (સાક્ષીઓ)ને ધ્યાનમાં લઈ વિદ્વાન ન્યાયમૂર્તિ ડી.સી. ત્રિવેદીએ દુષ્પ્રેરણાના ગુનામાં સાગર ગોહિલને કસુરવાન ઠેરવી આઈપીસી ૩૦૬ના ગુનાના કામે ૧૦ વર્ષ કેદ અને રૂા.૧,૨૦,૦૦૦નો દંડ તેમજ આઈપીસી ૫૦૬ (ર)ના ગુનામાં ત્રણ વર્ષ કેદ, રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. દંડની કુલ રકમ રૂા.૧,૩૦,૦૦૦માંથી ફરિયાદીને રૂા.૧.૨૦ લાખની રકમનું વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો. આ ચુકાદામાં કોર્ટે સમાજમાં આવા જધન્ય ગુનાઓ બનતા અટકે અને ગુના આચરતા પહેલા આરોપીઓમાં કાયદાનો ડર બેઠે તેમજ સમાજમાં કાયદાનું અસ્તિત્વ રહે તેવી મહત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *