04/05/2024

ચોરીની આશંકાએ અશક્ત વ્યક્તિને દંડા વડે બેરહેમીપૂર્વક માર માર્યો : વિડિયો વાયરલ થતાં ફરિયાદ

0

Updated: Mar 30th, 2024


Viral Video Vadodara :વડોદરા શહેરના માંજલપુરમાં ચોરીની આશંકાએ ઉંમરલાયક શખ્સને લાકડી વડે જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં માર મારનાર અજાણ્યા ઇસમ સામે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જે શખ્સને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે, તે માનસિક અસ્વસ્થ હાલતમાં હોવાનું જણાઇ આવે છે. ઉપરોક્ત મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે માર મારનાર અજાણ્યા શખ્સની વધુ શોધખોળ હાથ ધરી છે. સોશિયલ મીડિયા વર્તુળોમાં એક વિડીયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક હાથમાં દંડા વડે જમીન પર બેઠેલા શખ્સને માર મારી રહ્યો છે. જમીન પર બેઠેલો શખ્સ મારનો પ્રતિકાર કરી શકે તેવી સ્થિતીમાં નથી. તે બુમો પાડતા પાડતા માર સહન કરી રહ્યો છે. ઘટના સમયે ટોળું વળીને લોકો તમાશો જોયા કરે છે. પરંતુ કોઇ વચ્ચે પડીને ચીસો પાડીને માર સહન કરતા શખ્સને બચાવવા આગળ આવતું નથી. ઘટનાએ લોકોની કઠોરતા ઉજાગર કરી છે.

ઉપરોક્ત ઘટનાના સંદર્ભે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં હેમંત પટેલ જણાવે છે કે, ગત સાંજે તેઓ કંપનીમાંથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે 6 વાગ્યે તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા સર્કલથી તેઓ પસાર થઇ રહ્યા હતા. સર્કલ ફરતે ફુવારા અને સબમર્સિબલ પંપ લગાડવામાં આવ્યો છે. એક અજાણ્યો પુરૂષ તેના વાયરો ખેંચતો હોવાથી લોકો એકત્ર થઇ ગયા હતા. તે પૈકી એક શખ્સ હાથમાં દંડો લઇને તેને મારતો હતો. જેથી આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં તેમણે જાણ કરી હતી. દંડા વડે મારનો ભોગ બનનારક શખ્સનું નામ પુછતા તેણે કંઇ કહ્યું ન હતુ. તેની સ્થિતી માનસિક અસ્વસ્થ જેવી જણાતી હતી. આખરે ઉપરોક્ત મામલે માર મારનાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો વાયરલ થતા વિવિધ પ્રકારની કોમેન્ટ્સ જોવા મળી રહી છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે, કોઇપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો ન જોઇએ. ચોર પકડાયો હોય તો પોલીસને જાણ કરી તેને સોંપી દેવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *