04/05/2024

‘ગુજરાતમાં ઉમેદવારો ગુનાઈત ઈતિહાસની વિગતો ગુજરાતીમાં પ્રસિદ્ધ કરે..’ ચૂંટણીપંચનો હુકમ

0

Updated: Mar 30th, 2024


Lok Sabha Elections 2024 | લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડતા વિવિધ પાર્ટીના ઉમેદવારોની ગુનાહિત ઈતિહાસની વિગતો તેમજ શિક્ષણ, સંપત્તિ જેવી બાબતો ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ  થવી જોઈએ તેવી માહિતી અધિકાર ગુજરાત પહેલ નામની સંસ્થાની રજૂઆતને અંતે ભારતના ચૂંટણી પંચે ઉમેદવારોની વિગતો ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવાનો આદેશ કર્યો છે.

આ સંસ્થાએ જણાવ્યું છે કે સર્વોચ્ચ અદાલતનો ફેબ્રુઆરી ૨૦૨૨નો એક આદેશ ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મતદારો પાસે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, સંપત્તિ અને ગુનાહિત ઇતિહાસ સહિતની જરૂરી માહિતી હોવી જરૂરી છે તેથી પ્રત્યેક ઉમેદવારે તેમના પરના ગુનાની વિગતો અખબારો અને સોશ્યલ મીડિયા તેમજ વેબસાઇટ પર મુકવી જોઇએ. ચૂંટણી પંચે આ માટે સી- ૨ અને સી-૭ ફોર્મ બહાર પાડ્યું છે. 

ચૂંટણી પંચે વિગતવાર ગાઇડલાઈન આપી છે છતાં એવું ધ્યાનમાં આવ્યું છે કે રાજકીય પક્ષો એ બાબતને ગંભીરતાથી લેતા નથી. વર્ષ ૨૦૨૨માં થયેલી ચૂંટણી દરમ્યાન પ્રસિદ્ધ કરેલા ફોર્મની નકલ મેળવીને તેનો અભ્યાસ કરતાં ઘણી ક્ષતિઓ બહાર આવી હતી. આ અંગે સંસ્થાએ ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું છે. 

અભ્યાસમાં જણાવ્યું હતું કે કેટલાક ઉમેદવારોની ગુનાઈત ઇતિહાસની વિગતો પ્રસિદ્ધ થઈ ન હતી. ગુનાઈત ઈતિહાસની વિગતો માત્ર અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરાઈ હતી અને આવી વિગતો એક કે બે વાર છપાવી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટે ત્રણ વખત છપાવવાનું કહ્યું છે.

આવી ક્ષતિઓ દૂર કરવા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે અને આરટીઆઈમાં મળેલા પુરાવા પણ જોડવામાં આવ્યા છે. તાજેતરમાં રાજકીય પક્ષોએ તેમના લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાંથી કોઈનો ગુનાહિત ઈતિહાસ હોઈ શકે છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આદેશનો ભંગ કર્યો હોવાની ફરિયાદ દાખલ કર્યા પછી રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને કચેરીએ તમામ પક્ષોને ગુજરાતી ભાષામાં ગુનાઈત ઇતિહાસની વિગતો પ્રસિદ્ધ કરવા જણાવ્યું છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *