03/05/2024

ચૂંટણીનો રોચક કિસ્સો, ગુજરાતના ઉમેદવારે પ્રચારમાં ગાડીઓનો ખડકલો ઉતારી દીધો છતાં હાર થઇ હતી

0

Updated: Mar 30th, 2024


આમરણ પંથકમાં ચૂંટણી પ્રચારનો રોચક ઇતિહાસ : જામનગરની બેઠક જીતવા માટે સ્વતંત્ર પક્ષનાં ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં નવી નકોર ગાડીઓનો ખડકલો ઉતારી દીધો હતો છતાં હાર થઇ

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીનાં બ્યુગલ વાગી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચારનાં ભુંગળા શરૂ થવામાં છે. ત્યારે જામનગર જિલ્લાની લોકસભાની બેઠક પર ચૂંટણી લડતા ઉમેદવારોનો એક સમય એવો હતો. અહીંનો આમરણ ચોવીસી વિસ્તાર જે ઉમેદવાર તરફી મતદાન કરે તેનો વિજય નિશ્ચિત મનાતો હતો. મોરબી તાલુકામાં સમાવિષ્ટ પ્રવર્તમાન આમરણ ગામનો એ સમયે જોડિયા તાલુકામાં સમાવેશ થયો હતો. તેથી જામનગર જિલ્લાની લોકસભાની બેઠક લડતા ઉમેદવારો અહીં પ્રચાર માટે મતદારોને આકર્ષવા અવનવી રીત રસમો અજમાવતા હતા. 

1971માં ભારત – પાકિસ્તાન વચ્ચે થયેલ યુધ્ધ પહેલાં યોજાયેલ સામાન્ય લોકસભા ચૂંટણીની યાદ તાજી કરતા સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે, તે સમયે જામનગર બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે દોલતસિંહજી જાડેજા (દોલતબાપા) અને સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે ઉદ્યોગપતિ જગુભાઇ દોશી વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ જામ્યો હતો. આમરણ ગામનાં પાદરમાં યોજાયેલ. કોંગ્રેસ પક્ષની સભામાં ઉમેદવાર દોલતસિંહજી જાડેજાએ હેલિકોપ્ટરમાં આવી પહોંચી સભા સંબોધી હતી. તે પહેલા જામસાહેબ શત્રૂશલ્યસિંહજીના લાલ રંગના ચાર્ટર પ્લેન દ્વારા ગામના આકાશ પર ત્રણ ચક્કર લગાવી જમીન પર પ્રચાર પત્રિકાઓ ફેંકી હતી.

આમરણ સહિત ચોવીસી પંથકની જનતાએ સૌ પ્રથમ વાર હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેનના દર્શન કર્યા હતા. આ ચૂંટણી જંગમાં સ્વતંત્ર પક્ષના ઉદ્યોગપતિ ઉમેદવાર જગુભાઇ દોશીએ ટીકડી બંધ નવી નક્કરો ગાડીઓનો ખડકલો ચૂંટણી  પ્રચાર મેદાનમાં ઉતાર્યો હતો. તેમ છતાં’ય પરાજ્ય થયો હતો. કોંગ્રેસના દોલતબાપાનો જંગી બહુમતીથી વિજ્ય થયો હતો. તે સમયે આમરણ ચોવીસી પંથકનો રાજકીય દબદબો હતો. કહેવાતું કે ચોવીસી પંથક જે તરફ ઢળે તે ઉમેદવારનો વિજય નિશ્ચિત મનાતો હતો. 

અંતમાં બુઝુર્ગોએ ચિંતા સાથે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બધા પક્ષોએ આજે લોકશાહીના પર્વ ચૂંટણીને શામદામ દંડ ભેદની નીતિ રીતિ અપનાવી જ્ઞાાતિવાદી આધારીત રાજકારણ ખેલીને પ્રજાને અદ્યોગતિ તરફ ધકેલી દીધી છે. પ્રજાના બહુમતથી ચૂંટાઇને બાદમાં પક્ષપલ્ટો કરી પ્રજાદ્રોહ કરનારા સેવકો સામે જનતાએ જાગૃત થવાનો સમય હવે પાકી ગયો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *