VIDEO : સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કરીને તોડવાનો કર્યો પ્રયાસ, એક વ્યક્તિની પોલીસે કરી અટકાયત

0

સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટની ઉંચી પ્રતિમા નીચે આવેલા ભીંતચિત્રમાં હનુમાનજીને નીલકંઠવર્ણીને પ્રણામ કરતા બતાવ્યાનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. આજે સાળંગપુરમાં એક વ્યક્તિએ આ વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર લગાવ્યા બાદ કેટલાક ચિત્રોને ખંડિત કર્યા છે. જો કે પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા આ શખ્સની પૂછપરછ કરાઈ છે. હાલ પોલીસે બેરિકેટ લગાવીને વિસ્તારને કોર્ડન કર્યો છે. તો ઘટનાની જાણ થતા DySP મંદિરે પહોંચ્યા છે. પ્રાથમિક તપાસમાં ચારણકી ગામના હર્ષદ ગઢવીએ કલર લગાવ્યા હોવાનો આરોપ છે. ગુજરાત સમાચાર લોકોને શાંતિ અને સંયમ રાખવાની અપીલ કરે છે.

આ પહેલા નૌતમ સ્વામીએ નિવેદન આપ્યુ હતું

આ પહેલા નૌતમ સ્વામીએ આ વિવાદિત ભીંતચિત્રો પર કહ્યું હતું કે આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.

શા માટે થયો વિવાદ?

હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજી સહજાનંદ સ્વામીની સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં નજરે પડી રહ્યા છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નિલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠેલા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે બે હાથ જોડીને નિલકંઠવર્ણીને નમસ્કાર કરતા હોય તેવું દર્શાવાયું છે. આ ચિત્રો પરથી જ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કરાયો છે. ભક્તોની લાગણી દુભાઈ હોવાનો પણ આરોપ લગાવાયો છે. આ પ્રકારના ભીંતચિત્રો બનાવવા પાછળનો શું ઉદ્દેશ્ય છે તેવા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

લોકોએ જાગૃત થવાની જરુર : મોરારી બાપુ

સાળંગપુર ધામમાં હનુમાન દાદાના અપમાન મામલે કથાકાર મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે લોકો કેવા કેવા કપટ કરી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની એટલી સરસ મૂર્તિ મોટી મૂર્તિ છે. અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, સેવા કરતા દેખાય છે. ત્યારે હવે વિચારો. સમાજે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું ન હતું. હવે તમે બોલો.

સ્વામીઓ પાસે શું પૂરાવા છેઃ હર્ષદ ભારતી બાપુ

આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતો પર પ્રહાર કર્યા છે. મહંત હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે કયા શાસ્ત્રનું પ્રમાણ છે. આ સિવાય તેમણે સંત સમાજને મેદાને ઉતરવાની અપીલ કરી છે. 

હનુમાન દાદાનું અપમાન રાક્ષસ જ કરેઃ કબરાઉ ધામના બાપુ

કબરાઉધામના બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. મણિધર બાપુએ ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન. કેટલાક લોકોએ મા અંજનિનું અપમાન કર્યુ છે. 

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW