MSUને મિની JNU ગણાવનારા નવા વિજિલન્સ ઓફિસરના વિરોધમાં વિદ્યાર્થીઓનો મોરચો

Updated: Aug 11th, 2023
વડોદરા,તા.11 ઓગસ્ટ 2023,શુક્રવાર
એમ.એસ.યુનિવર્સિટીને મિની જેએનયુ તરીકે ઓળખાવનાર યુનિવર્સિટીના નવા વિજિલન્સ ઓફિસરને પહેલા જ દિવસથી ભારે વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે.
વિજિલન્સ ઓફિસર એસ કે વાળાના નિવેદન બાદ આજે વિદ્યાર્થી સંગઠન વીવીએસ તેમજ એજીએસયુનો એક મોરચો યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યો હતો. ભારે સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ એમએસયુને જેએનયુ સાથે સરખાવનાર વિજિલન્સ ઓફિસર એસ કે વાળાનો વિરોધ કર્યો હતો અને તેમના રાજીનામાની માંગણી કરી હતી.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીની સિક્યુરિટી સંભાળતી કંપની બદલાયા બાદ વિજિલન્સ ઓફિસર તરીકે પૂર્વ પોલીસ અધિકારી પી.પી.કાનાનીએ રાજીનામુ આપ્યુ હતુ. તેમની જગ્યાએ નવા વિજિલન્સ ઓફિસર તરીકે પૂર્વ પોલીસ અધિકારી એસ કે વાળાએ ગઈકાલે પી.પી.કાનાની પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.
આ દરમિયાન પી.પી.કાનાની અને એસ.કે.વાળા વચ્ચે થયેલી વાતચીતનો એક વિડિયો વાયરલ થયો છે. જેમાં પી.પી.કાનાની નવા વિજિલન્સ ઓફિસરને કહે છે કે, અહીંયા 365 દિવસ વિદ્યાર્થી સંગઠનો સક્રિય છે ત્યારે એસ.કે.વાળા જવાબ આપે છે કે, આ તો જેએનયુ છે…મિની જેએનયુ..એ પછી આ વિડિયો ક્લિપ યુનિવર્સિટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી.
વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કે, એમએસયુની સરખામણી જેએનયુ સાથે કરીને વિજિલન્સ ઓફિસર એવુ દર્શાવી રહ્યા છે કે, અહીંના વિદ્યાર્થીઓ દેશવિરોધી તત્વો છે. હકીકત એ છે કે, એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હોય કે કર્મચારીઓ પણ દરેક વ્યક્તિ દેશભક્ત છે. એમ.એસ.યુનિવર્સિટીનુ અપમાન કરવા બદલ વિજિલન્સ ઓફિસરે માફી માંગવી જોઈએ અથવા રાજીનામુ આપી દેવુ જોઈએ.