CMએ કહ્યું સતત તમામ કલેક્ટરોના સંપર્કમાં છું,રાહત કમિશ્નરના મતે બપોર બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે

0


અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો ધાકોર ગયા બાદ સપ્ટેમ્બરના મધ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. થરાદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં છે. ઘરવખરી સહિતની ચીજો પલળી જતાં ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 158 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં 10 ઈંચ, મેંદરડામાં 5 ઈંચ, ભાભરમાં 4.5 ઈંચ, રાધનપુર, દિયોદર, મહેસાણામાં 3.75 ઈંચ, હળવદ અને ડીસામાં 3 ઈંચ સહિત રાજ્યના 26થી વધુ તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. 

270 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને જણાવ્યા પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો સાથે સતત સંકલનમાં છું.હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 11900 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સલામત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. 270 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.રાહત કમિશનર આલોક પાંડેએ મીડિયાને નિવેદન આપતાં કહ્યું હતું કે, બપોરે 4 વાગ્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડ્યો છે. વડોદરામાં એરફોર્સની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.ફૂડ પેકેટ અને શેલ્ટર હોમની વ્યવસ્થા કરાઈ છે. વડોદરા, નર્મદા અને ભરૂચમાં હજુ જળસ્તર વધુ છે.

વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા 12 વ્યક્તિને રેસ્ક્યૂ કરાયા

તે ઉપરાંત કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા 12 વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે.ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન ના ભરી શકવાના બાદ આર્મીની બોટ મંગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી છે.ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ

ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર આજની સ્થિતિએ રાજ્યમાં મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં 3,34,080 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે. જે કુલ જળસંગ્રહ શક્તિના 100ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય 206 જળ પરિયોજનાઓમાં 4,98,312 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે. જે કુલ જળસંગ્રહ શક્તિના 89.29 ટકા જેટલો નોંધાયો છે.

28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યભરના કુલ 28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 75.67 ટકા, મધ્ય ગુજરાતના 17  જળાશયોમાં 92.11 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 95.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.53 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 78.77 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27  જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW