5 મહિલા સહિત 20 પત્તાપ્રેમી ઝબ્બે

– ભાવનગરમાં મોડી રાત્રે અલગ-અલગ 4 સ્થળે પોલીસના દરોડા
– શિવનગરમાં માતા-પુત્ર જુગારનો અખાડો ચલાવતા હતા, મોતીતળાવ વિસ્તારમાં બે સ્થળે અને રૂવાપરી રોડ પર સ્ટીલકાસ્ટ પાસે જુગારની બાજી મંડાઈ
ભાવનગર : ભાવનગરમાં શ્રાવણ માસ પહેલા જ જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ એલસીબી, ઘોઘારોડ અને બોરતળાવ પોલીસે મધરાત્રે પાડેલા જુદા-જુદા દરોડામાં પાંચ મહિલા સહિત ૨૦ પત્તાપ્રેમીને દબોચી લીધા હતા.
શહેરના ભરતનગર, ભોળાનાથના મંદિર પાસે, શિવનગર-ર, મકાન નં.૮૭માં રહેતા સરોજબેન ધનજીભાઈ વાજા અને તેનો દિકરો અજય ધનજીભાઈ વાજા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાણી જુગારનો અડ્ડો ચલાવી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબી-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મધરાત્રિના સમયે દરોડો પાડી રૂમમાં તીનપત્તીનો જુગાર રમી ચાર શખ્સ અજય ધનજીભાઈ વાજા, વિજયસિંહ જુવાનસિંહ ગોહિલ, હરપાલ મનુભાઈ ડોડિયા, અરૂણ મનજીભાઈ મકવાણા ઉપરાંત સરોજબેન ધનજીભાઈ વાજા, ડિમ્પલબેન અશોકભાઈ સોલંકી, રમીલાબેન સૂર્યદેવ કારેલિયા, બીંકલબા શિવભદ્રસિંહ પરમાર અને જાગૃતિબેન હસુભાઈ વાઘેલા સહિતના નવ જુગારીને રૂા.૨,૪૩,૧૦૦ની રોકડ, શેતરંજી સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી પાડી તમામ વિરૂધ્ધ ભરતનગર પોલીસમાં જુગારધારાની કલમ ૪, ૫ મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.
જુગાર અંગેના બીજા એક દરોડામાં શહેરના મોતીતળાવ, રામાપીરના મંદિર પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે મધરાત્રિના સમયે હાથકાપનો જુગાર રમી રહેલા મહેમુદ હનીફભાઈ રાઠોડ, મયુદીના નાસીરભાઈ થીમ, વિપુલ નટુભાઈ દલસાણિયા અને વિશાલ રાજુભાઈ રાઠોડ નામના ચાર શખ્સની બોરતળાવ પોલીસે રોકડ, ગંજીપાના સાથે ધરપકડ કરી હતી. ત્રીજા દરોડામાં મોતીતળાવ, વીઆઈપીની બાજુમાં સ્ટ્રીટલાઈટના અજવાળે મોડી રાત્રિના અરસામાં હાથકાપનો જુગાર રમી રહેલા લખન નટુભાલ દલસાણિયા, તૌફિક ઈકબાલભાઈ લોહિયા, સુનિલ ભરતભાઈ ચૌહાણ નામના ત્રણ શખ્સને બોરતળાવ પોલીસે પકડી પાડી બન્ને બનાવ અંગે અલગ-અલગ બે ગુના દાખલ કર્યા હતા.
ચોથા બનાવમાં શહેરના રૂવાપરી રોડ, સ્ટીલકાસ્ટ કંપનીના મુખ્ય ગેટની સામે આવેલ મફતનગરમાં મોડી રાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે હારજીતનો જુગાર રમી રહેલા રાકેશ રાજુભાઈ ડાભી, રોહિત રમણિકભાઈ ચુડાસમા, અજય ચંદુભાઈ ગોહેલ અને વિપુલ હિંમતભાઈ ચુડાસમા નામના ચાર શખ્સને ઘોઘારોડ પોલીસે રોકડ, ત્રણ મોબાઈલ ફોન સાથે ઝબ્બે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.