24/04/2024

ગુજરાતમાં અહીં 200 વર્ષથી હોળી નથી ઉજવાઈ! રાજ્યમાં ક્યાં કેવી રીતે મનાવાય છે આ પર્વ, જાણો

0

image : Pixabay 


Holi and Dhuleti Celebration in Gujarat | હોળી અને ધૂળેટી એવા તહેવારો છે જેની દેશભર અને દુનિયાભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. આ તહેવાર એવો છે જેમાં લોકો આનંદ, ઉત્સાહ અને ઉમંગના રંગે રંગાઈને એકબીજાને રંગો લગાવે છે, નાચે છે, ગાય છે, આનંદ કરે છે. ખાસ વાત એવી છે કે, દુનિયામાં જેમ વિવિધ નામ અને પરંપરા સાથે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે તેમ ગુજરાતમાં પણ વિવિધ રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુજરાતમાં હોળી અને ધૂળેટીની ઉજવણીમાં એટલું બધું વૈવિષ્ય છે કે જે દુનિયાભરના લોકોને અહીંયા હોળી ઉજવવા માટે આકર્ષે છે. રાજ્યના વિવિધ પ્રાંતમાં ક્યાંક હોળીના અંગારા ઉપર ચાલવાની પરંપરા છે તો ક્યાંક હોળીના દિવસે વરઘોડો કાઢીને નાચગાન કરવાની પરંપરા છે તો સાઉથ ગુજરાતમાં આદિવાસી સમુદાય દ્વારા લોકનૃત્યો કરવાની પરંપરા છે. કચ્છમાં તો પોતાના વિવિધ પ્રાંતમાં હોળીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં એક ગામ  એવું પણ છે જયાં હોળીના દિવસે હોળી પ્રગટાવવાની પરંપરા જ નથી. ત્યાં હોળીની ઉજવણી જ થતી નથી. આવા અવનવા રંગોથી રંગાયેલી ગુજરાતની હોળી પરંપરા ઉપર એક નજર કરીએ.

વેરાવળમાં ભૈરવદાદાની ૩૦ ફૂટ ઊંચી પ્રતિમા બનાવાય છે

વેરાવળમાં ખાસ કરીને પ્રભાસપાટણમાં રામરાખ ચોક અને પાટચખલા ખાતે વિશેષ રીતે હોળી ઉજવવામાં આવે છે. અહીંયા ભોઈ સમુદાયના લોકો દ્વારા પથ્થર, વાંસ અને માટીની મદદથી ભૈરવદાદાની વિશાળ પ્રતિમા બનાવવામાં આવે છે. આ પ્રતિમા તૈયાર થયા પછી ચળકતા કાગળો, ફૂલહાર અને શણગાર સામગ્રી દ્વારા આ પ્રતિમાને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વરઘોડો કાઢીને તેને ચોકમાં લાવવામાં આવે છે. લોકો તેની પૂજા કરે છે, માનતા માગે છે અને માનતા પૂરી થઈ હોય તે ભેટ અને ચડાવો ચડાવે છે. પૂળેટીના દિવસે મધ્યાન સુધી આ પ્રતિમા રાખવામાં આવે છે ત્યારેબાદ તેનું વિસર્જન કરી દેવામાં આવે છે. દર વર્ષે ૧૫થી ૩૦ ફૂટ સુધી ઉંચી પ્રતિમા બનાવવાની અને તેનું વિસર્જન કરવાની પરંપરા છે.

ગાંધીનગરના પાલેજમાં અંગારા ઉપર ચાલવાની પરંપરા

ગાંધીનગરના પાલેજ ગામે હોળીની અનોખી આસ્થા સંકળાયેલી છે. અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે. તેમની સમક્ષ હોળી પ્રગટાવીને તેની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા લોકોહોળીના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલતા હોય છે. અહીંયા નાના  બાળકોથી માંડીને મોટેરાઓ સુધી તમામ લોકો હોળીના અંગારા ઉપર ચાલતા હોય છે. દાયકાઓથી આ પરંપરા ચાલી આવી છે. આ પરંપરા દરમિયાન ક્યારેય કોઈને ઈજા થયાની કે પછી દાઝી જવાની ઘટના બની નથી. પાલેજની આ અનોખી હોળી જોવા માટે દેશ-વિદેશમાંથી લોકો ઉમટી પડે છે. અહીંયા જે હોળી પ્રગટાવાય છે તેની જ્વાળાઓ ૧૦૦ ફૂટ ઉંચે સુધી જતી હોય છે. અહીંયા હોળીનો વિશેષ મેળો પણ ભરાય છે જેમાં ભાગ લેવા અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

સિદ્ધપુરમાં સૂર્યના કિરણોથી હોળી પ્રગટાવાય છે

સિદ્ધપુરમાં રાજા સિદ્ધરાજ જયસિંહના સમયથી કાચ દ્વારા સૂર્યના કિરણોને છાણા ઉપર ઝીલીને અગ્નિ પ્રગટાવવાની પરંપરા ચાલે છે. છેલ્લા 110 વર્ષથી અહીંયાના જોષીઓની ખડકીમાં બિલોરી કાચ દ્વારા છાણા ઉપર અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ તેને વાજતે ગાજતે શહેરની વિવિધ શેરીઓ, પોળ અને સોસાયટીઓમાં લઇ જવામાં આવે છે અને તેના દ્વારા હોળી પ્રગટાવાય છે. પિતાંબર પહેરીને કેટલાક યુવાનો દ્વારા સવારમાં સૂર્યના કિરણો થકી છાણા પ્રગટાવવામાં આવે છે. તેને સંધ્યાકાળ સુધી ચાલુ રખાય છે. સાંજે બાળકો અને યુવાનો ઢોલનગારા સાથે નીકળે છે અને છાણાના અંગારા દ્વારા જ હોળી પ્રગટાવવામાં આવે છે. જો વાદળછાયુ વાતાવરણ હોય તો અરણીના લાકડામાં રૂ મૂકીને તેને ધસીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે. 

વિસનગરમાં ખાસડા યુદ્ધ દ્વારા ધૂળેટીની ઉજવણી કરાય છે

વિસનગર એવું શહેર છે જ્યાં હોળી-ધૂળેટીની ઉજવણીની અનોખી પરંપરા છે. ગુજરાત જયારે મુંબઈની સાથે જોડાયેલું હતું ત્યારથી આ અનોખી પરંપરા છે. અહીંયા શહેરના લોકો દ્વારા મંડીબજાર ખાતે મોટી સંખ્યામાં યુદ્ધ કરવામાં આવે છે. શહેરના લોકો મંડી બજારમાં ભેગા થાય છે. વિવિધ સમુદાયના લોકો દ્વારા વિવિધ ટુકડીઓ પાડીને ખાસડા યુદ્ધ કરવામાં આવે છે. એકબીજાને જૂતા મારવામાં આવે છે. આ ઉપરાંત શાકભાજી પણ ફેંકીને મારવામાં આવે છે. મંડીમાં વચ્ચે ખજૂરની માટલી મૂકવામાં આવે છે. જે ટુકડી આ ખાસડા યુદ્ધ જીતે છે તેને ખજૂરની માટલી અપાય છે. તેઓ ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવે છે અને લોકોને વહેચેં છે. આ ખાસડા યુદ્ધ બે સદીથી વધારે જૂની પરંપરા પ્રમાણે ઉજવાય છે. લોકો માને છે કે જેને ખાસડા વાગે છે અથવા તો શાકભાજી વાગે છે તેનું આખું વર્ષ સરસ પસાર થાય છે. તેના કારણે મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં ભાગ લેતા હોય છે. 

અરવલ્લીના બાઠીવાડામાં ધૂળેટીએ હોળી પ્રગટાવાય છે

સામાન્ય રીતે દેશભરમાં હોળીના દિવસ એટલે ક્ષગણસુદ પૂનમના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે પણ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં કંઈક જુદી જ પરંપરા છે. અહીંયા ધૂળેટીના દિવસે સવારે હોળી પ્રગટાવવામાં આવે છે. મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામમાં બાર મુવાડાના લોકો હોળી ઉજવવા માટે ગામમાં ભેગા થાય છે. અહીંયા દિવાળી કરતા પણ હોળી વધારે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. અહીંયા સ્થાનિક પરંપરા પ્રમાણે મહિલાઓ દ્વારા હાથમાં લાકડીઓ લઈને પરંપરાગત નાચગાન સાથે સરઘસ કાઢવામાં આવે છે. તે પહેલાં હોળીની ખાદ્ય તૈયાર કરીને તેમાં માટીના ચાર લાડુ પધરાવવામાં  આવે છે. ધૂળેટીના દિવસે વરઘોડો નાચતોગાતો હોળીના સ્થળ સુધી આવે છે. પરંપરાગત રીતે લાકડીઓ હોળીની આસપાસ ગોઠવવામાં આવે છે. ત્યારબાદ હોલિકાદહન કરવામાં આવે છે. હોલિકાદહન થયા બાદ બારે મુવાડાના લોકો પોતાના સમુદાય પાસે મે જાય છે અને બધા ઢોલે રમે છે.

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં આદિવાસીઓ પારંપરિક વાજિંત્રો સાથે હોળીબાઈના ગીતો ગાય છે

હોળીની ઉજવણી આદિવાસીઓ દ્વારા પણ પરંપરાગત અને વિવિધ રીતે કરવામાં આવે છે. આદિવાસી સમુદાયોમાં હોળીનો તહેવાર સૌથી મોટી ઉજવણી હોય છે. વિવિધ શહેરો અને રાજ્યોમાં મજૂરી કે કામગીરી માટે જતા લોકો હોળીએ પોતાના વતન આવે છે. તેઓ અહીંયા આ તહેવાર દરમિયાન નાચે છે, પારંપરિક ગીતો ગાય છે, પારંપરિક નૃત્યો કરે છે. દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં વસતા આદિવાસીઓ દ્વારા ઢોલ, તાસક, મંજીરા, કાંહળી અને તારપું તથા પાવી જેવા પારંપરિક વાજિંત્રો સાથે હોળીબાઈના ગીતો ગાવામાં આવે છે. આ ઉપરાંત લોકો એકબીજાની કમરે હાથ નાખીને ગોળકાર કરીને વિવિધ ગીતો ગાતા ગાતા નૃત્ય કરતા હોય છે. આ દિવસોમાં અહીંયા ખજૂરની માગ ખૂબ જ વધારે હોય છે. અહીંયા હોળીદેવીને પ્રસન્ન કરવા માટે ખજૂર ધરાવાય છે અને પછી પ્રસાદ તરીકે વહેંચાય છે. તે ઉપરાંત રંગોની છોળો ઉડાડીને ધૂળેટી પણ ઉજવાય છે.

ગામના ઘરોમાં આગ લાગતા હોળી પ્રગટાવાતી નથી

ગુજરાતનું એક એવું પણ ગામ છે જેમાં હોળીની ઉજવણી જ કરવામાં આવતી નથી. બનાસકાંઠાના રામસણ ગામે લોકો દ્વારા હોળીની ખૂબ જ સાદાઈથી ઉજવણી થાય છે. અહીંયા છેલ્લાં ૨૧૦ વર્ષથી હોળી પ્રગટાવવામાં આવી જ નથી. અહીંયા માન્યતા એવી છે કે, અહીંયા બે સદી પહેલાં એક વખત ત હોળી પ્રગટાવવામાં આવી હતી. તે દરમિયાન ગામના કેટલાક મકાનોમાં અચાનક આગ લાગી ગઈ હતી. લોકોમાં માન્યતા છે કે, તે સમયે ગામના રાજા દ્વારા સાધુસંતોનું અપમાન કરાયું હતું. સાધુઓએ રાજાને શાપ આપ્યો હતો કે, હોળીના દિવસે ગામમાં આગ લાગશે. તેને પગલે હોળી પ્રગટાવવામાં લોકોને ભય લાગે છે. આ પટના બાદ ફરીથી ગામના લોકો દ્વારા એક- બે વખત પ્રયાસ કરાયા પણ દર વખતે ગામના કેટલાક ઘરો બળી જતા હતા. તેના કારયો ગામના લોકો દ્વારા હોળી પ્રગટાવવાનું બંધ કરી દેવાયું. અહીંયા ૨૦૦ વર્ષથી હોળી ઉજવાતી નથી. તેઓ માત્ર ભેગા થાય છે, વિવિધ રમત રમે છે અને છૂટા પડે છે. બીજી કોઈ વિશેષ ઉજવણી કરવામાં આવતી નથી.

ગીર પંથકમાં ગધેડા ઉપર બેસાડી ‘રા’ નો વરઘોડો નીકળે છે

ગુજરાતનું ગીર પંથક પણ ખાસડા દ્વારા હોળી તી ઉજવે છે પણ તેનો ઉપયોગ અલગ રીતે કરાય છે. અહીંયા ‘રા’નો વરઘોડો કાઢવામાં આવે છે. જે વ્યક્તિ ‘રા’ બને છે તેને ગયેડા ઉપર બેસાડાય છે. તેના ગળામાં ખાસડાનો હાર પહેરાવવામાં આવે છે. તેને ના અને ફાટેલાં કપડાં પહેરાવવામાં આવે છે. તલાલા, ગીર પંથકના કેટલાક ગામોમાં આ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે, ‘રા’ બનનારી વ્યક્તિ નિઃસંતાન હોય તો ખાસડ તેના પુરે સંતાનપ્રાપ્તી થાય છે. લોકો દ્વારા ઢોલ, વગાડીને વરઘોડો નીકળે છે જેમાં લોકો જોડાય છે અને તેના દુખણા લે છે. આ ઉપરાંત ગોઠ ઉઘરાવવામાં આવે છે. આ એક પ્રકારનો ફાળો છે જેનો ઉપયોગ ચકલાના ચણ અને ગાયોના થાસ માટે કરવામાં આવે છે. આ રીતે જીવદાયના અને ઉત્સાહના અલગ રંગ સાથે ઉજવણી કરવામાં આવે છે.

અંજારમાં ઈસાકડીનો વરઘોડો કાઢવાની પરંપરા

કચ્છના અંજારમાં બે સદીથી વધારે જૂની પરંપરાથી હોળી અને પૂળેટીની અનોખી ઉજવણી કરવામાં આવે છે. તેમાં ઈસાકચંદ્ર ઉર્ફે ઈસાકડા અને ઈસાકડીના લગ્ન કરવાની અનોખી પરંપરા છે. શહેરીજનો દ્વારા મંડપમાં ઈસાકની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ એકબીજાને મીઠાઈ ખવડાવીને વધામણા કરવામાં આવે છે. ત્યારબાદ બાદ યુવાનો દ્વારા હોળીના દિવસથી વરષોડ કાઢવામાં આવે છે. અબીલ-ગુલાલની છોળો ઊઠે છે. સંગીતના તાલે નાચગાન થાય છે. આ ઉપરાંત તલવારબાજી અને પટ્ટાબાજીના પણ યુવાનો દ્વારા ખેલ કરવામાં આવે છે. પૂળેટીના દિવસે ઈસાક અને ઈસાકડીના લગ્ન સંપન્ન કરવામાં આવે છે અને રંગોથી ઉજવણી કરવામાં આવે છે. એક વાહનમાં ઈસાક અને ઈસાકડી ગોઠવાય છે અને તેમનો વથોડો આખા શહેરમાં ફરે છે. ઘેરૈયાઓ પોતાની મર્દાનગી અને શક્તિ પ્રદર્શિત કરતા વિવિધ ખેલ અને કરતબ કરતા હોય છે.Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW