24/04/2024

મહાજનનો મહાજંગ : 71.45 ટકા મતદાન, પ્રમુખપદે ગોરસિયા વિજયી

0

Updated: Mar 24th, 2024

– સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન બાદ મત ગણતરી

– પૂર્વ મેયર-પૂર્વ પ્રમુખ મેહુલ વડોદરિયાનો પરાજય : શહેરના મોટા ઉદ્યોગપતિઓ સહિત 736 મતદારોએ કર્યું મતદાન : મોડે સુધી ચાલેલી મેનેજિંગ કમિટીના 30 સભ્યો માટે મત ગણતરી  

ભાવનગર :  સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ૨૦૨૪-૨૬ના હોદ્દેદારોની વરણી માટે યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક ૭૧.૪૫ ટકા મતદાન નોંધાયું હતું. શહેરના મોટા ઉદ્યોગપતિઓ સહિત ૭૩૬ મતદારોએ મતદાન કર્યું હતું. મતદાન સંપન્ન થયા બાદ મત ગણતરી યોજાઈ હતી. જેમાં પ્રમુખપદ માટે રસાકસીભર્યા જંગમાં વર્તમાન ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાનો વિજય થયો હતો. જ્યારે પૂર્વ મેયર અને પૂર્વ ચેમ્બર પ્રમુખ મેહુલભાઈ વડોદરિયાનો પરાજય થયો હતો. મેનેજિંગ કમિટીના ૩૦ સભ્યો માટે મોડે સુધી મત ગણતરી ચાલી હતી. 

મહાજનના આ મહાજંગ માટે સૌરાષ્ટ્ર ચેમ્બરના હોલમાં આજે સવારે ૯ વાગ્યાના ટકારે મતદાનનો પ્રારંભ થયો હતો. સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધીના મતદાનના સમયમાં મતદારોનો સતત પ્રવાહ વહેતો રહ્યો હતો. પરંતુ સવારે ૧૦.૩૦થી ૧૧.૩૦ વાગ્યાના એક કલાક દરમિયાન તથા ઢળતી બપોરે ૪.૩૦થી ૫ કલાક વચ્ચેના સમયગાળામાં મતદારોનો પ્રવાહ વધુ રહ્યો હતો. ચેમ્બરમાં નોંધાયેલા કુલ ૧,૦૩૦ મતદારોમાંથી ૭૩૬ મતદારોએ મતદાન કરતા ૭૧.૪૫ ટકા રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું હતું. મતદાન સંપન્ન થયા બાદ મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ચેમ્બરના વર્તમાન ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાનો વિજય થયો હતો. જ્યારે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયાનો પરાજય થયો હતો.  

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપપ્રમુખપદ માટે અગાઉ જ તેજસભાઈ શેઠ બિનહરિફ થઈ ચૂક્યા છે. જ્યારે મેનેજિંગ કમિટીના ૩૦ સભ્યોની સામે ૩૨ ઉમેદવાર હોવાથી મત ગણતરી મોડે સુધી ચાલી હતી. જોકે, મેનેજિંગ કમિટી માટે ફોર્મ ભરનાર ૨ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચ્યાનું પછીથી જાહેર કર્યું હતું. પરંતુ ત્યારે ઉમેદવારી પરત ખેંચવાની સમયમર્યાદા ઓલરેડી વીતી ગઈ હોવાથી તેઓના નામ તો મત પત્રકમાં રહ્યા જ હતા. આથી ૩૨ ઉમેદવારના નામનું બેલેટ પેપર હતું. અને મતદારોએ ૧ મત પ્રમુખપદના ઉમેદવારને ૩૦ મત મેનેજિંગ કમિટીના સભ્યોને આપવાના હોવાથી કુલ ૩૧ મત આપવાના હતા.       

ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત બેંક અધિકારી એલ.સી. બોરડે સેવા આપી હતી. 

ઈ.સ.1990 પછી ચેમ્બરની ત્રણેક વખત જ ચૂંટણી થઈ છે

સૌરાષ્ટ્ર ચેમ્બરમાં ચૂંટણીની નોબત આવી હોય એવું ઈ.સ. ૧૯૯૦ પછી ત્રણેક વખત જ બન્યું હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું હતું. જાણવા મળ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૪માં છેલ્લે જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે ૬૦થી ૬૫ ટકા જેવું મતદાન રહ્યું હતું. જ્યારે આજે ૭૧.૪૫ ટકા જેવું નવીનતમ કીર્તિમાન સ્થાપિત કરતું મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીનું નોંધપાત્ર પાસું એ હતું કે, આજે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ મતદાન માટે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW