24/04/2024

ગુજરાતની આ બેઠક પર ‘મકવાણા’ vs ‘મકવાણા’નો જંગ જામશે, ભાજપે પહેલીવાર નવો ચહેરો ઉતાર્યો

0


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જો કે હજુ કેટલીક બેઠક પર બંને પક્ષના ઉમેદવારના નામ બાકી છે ત્યારે અમદાવાદ શહેરની પશ્ચિમ બેઠક પરથી ભાજપે દિનેશ મકવાણા અને કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે.

આ બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી

અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠક 2008ના નવા સીમાંકન બાદ રચાઈ છે અને આ બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી છે જે અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. આ બેઠક પરથી પ્રથમ ચૂંટણી વર્ષ 2009માં યોજાઈ હતી જેમાં ભાજપના ડૉ. કિરીટ સોલંકી વિજેતા બનીને સાંસદ બન્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં અહીં જોરદાર ટક્કર જોવા મળી હતી. ભાજપના ઉમેદવાર ડૉ કિરીટ સોલંકીનો છ લાખથી વધુ મતો મેળવીને વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના રાજુ પરમારને હરાવ્યા હતા. રાજુ પરમારને 3 લાખથી વધુ મતો મળ્યા હતા. 

અમદાવાદ પશ્ચિમ બેઠક પર મકવાણા સામે મકવાણા

આ બેઠક પર છેલ્લી ત્રણેય ચૂંટણીમાં ભાજપના કિરીટ સોલંકીનો વિજય થયો છે.

 કિરીટ સોલંકીએ છેલ્લી ત્રણેય ચૂંટણીમાં કોંગ્રેસના રાજુ પરમાર, ઈશ્વર મકવાણા, શૈલૈષ પરમારને હરાવ્યા છે. 

 આ બેઠક પર બસપા, આપ, અપક્ષ અને નોટામાં પણ સારા એવા પ્રમાણમાં મત પડે છે.

 એટલે કે આ બેઠક પર થોડા મતોનો ઉલટફેર પણ ગમે તે પક્ષની બાજી પલટાવી શકે છે.

આ મતવિસ્તાર એક રાજકીય પાવરહાઉસ

અમદાવાદ પશ્ચિમ બેઠક ગુજરાતમાં લોકસભા મતવિસ્તારમાં એક રાજકીય પાવરહાઉસ છે અને રાજ્યના રાજકારણમાં ખુબ જ જાણીતી બેઠક છે. આ પશ્ચિમ બેઠકનો વિસ્તાર મોટાભાગે પૂર્વ અમદાવાદ આવે છે જેમાં અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, અસારવા અને દાણીલીમડાનો સમાવેશ થાય છે જ્યારે પશ્ચિમ અમદાવાદનું ફક્ત એલિસબ્રિજ વિધાનસભા મતક્ષેત્ર આ બેઠકનો ભાગ છે. આ બેઠક અંતર્ગત વિધાનસભાની બે અનામત બેઠકો આવે છે. સંપૂર્ણ શહેરી વિસ્તારના મતદારો ધરાવતી આ બેઠકમાં ગત ચૂંટણીમાં 60.37 ટકા જેટલું મતદાન થયું હતું. 

અમદાવાદ હંમેસા સમયની સાથે ચાલ્યું

અમદાવાદ હંમેસા સમયની સાથે ચાલ્યું છે. અમદાવાદ જેટલું આધુનિક  અને વિકાસિત છે તેનો ઈતિહાસ એટલો જ મોટો છે. અમદાવાદ ઈતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે. ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે વિકસેલું સાબરમતી આશ્રમ,દાંડી કૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે. દેશના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ છેલ્લા દાયકાથી આઈટી હબ તરીકે પણ ઉભરી આવ્યું છે. 

દિનેશ મકવાણાની રાજકીય સફર

દિનેશ મકવાણા સૌપ્રથમ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. 54 વર્ષીય દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. અગાઉ તેઓ અમદાવાદના 2 વખત પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તો 54 વર્ષીય મકવાણા 5 ટર્મ સુધી કાઉન્સિલર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2009, 2014 અને 2019માં રિપીટ ઉમેદવાર બાદ ભાજપે પ્રથમ વખત ઉમેદવાર બદલાવ્યા છે. આ બેઠક અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી કિરીટ સોલંકી સાંસદ હતા.

ભરત મકવાણા અગાઉ રહી ચૂક્યા છે ધારાસભ્ય

મકવાણા પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. ભરત મકવાણાના માતા શાંતાબેન મકવાણા સોજીત્રાથી ત્રણવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે તેમના પિતા યોગેન્દ્ર મકવાણા ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. શાંતાબેન પણ માધવસિંહ સોલંકીની સરકારમાં બે વાર મંત્રી રહેલા છે. મકવાણા પણ આણંદ જિલ્લાની સોજીત્રા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

અમદાવાદ પશ્ચિમ બેઠકમાં કુલ 17 લાખથી વધુ મતદારો

લોકસભાની અમદાવાદ પશ્ચિમ બેઠકમાંથી વિધાનસભાની બેઠક પ્રમાણે જોવામાં આવે તો અમરાઈવાડીમાંથી સૌથી વધુ 2.87 લાખ જ્યારે દરિયાપુરમાંથી સૌથી ઓછા 2.05 લાખ મતદારો છે. આ સિવાય અમદાવાદ પશ્ચિમમાંથી 8.82 લાખ પુરુષ 8.28 લાખ મહિલા અને 69 ટ્રાન્સજેન્ડર્સ એમ કુલ 17.11 લાખ મતદારો છે. જેની સરખામણીએ 2019ની લોકસભા ચૂંટણી વખતે 8.51 લાખ પુરુષ 7.91 લાખ મહિલા અને ૨૫ ટ્રાન્સજેન્ડર્સ એમ કુલ 16.43 લાખ મતદારો હતા.

અમદાવાદમાં ધર્મ-જાતિનું ગણિત

અમદાવાદ પશ્ચિમ બેઠક પર જો જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર પટ્ટણી, ઠાકોર, વણિક, પ્રજાપતિ સમાજનું પ્રભુત્વ જોવા મળે છે તો ક્ષત્રિય-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત દલિત સમાજ અને મુસ્લિમ સમાજના 12 ટકા મતદારો છે. 

ધર્મ

ટકાવારી

હિંદુ

83.00%

મુસ્લિમ

13.08%

જૈન

2.50%

ખ્રિસ્તી

0.72%

 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW