29/02/2024

રખડતા ઢોર પકડવામાં કોઈ એજન્સીને રસ નથી, મનપાએ છઠ્ઠીવાર ટેન્ડર બહાર પાડયું

0

Updated: Jan 18th, 2024

– ચાલુ જાન્યુઆરી માસમાં મનપાએ 210 રખડતા ઢોર પકડયા

– મનપાના ત્રણ ડબ્બામાં આશરે 2500 ઢોર છતા કેટલાક વિસ્તારમાં ત્રાસ યથાવત, ઢોર પકડવાની કામગીરી ધીમી 

ભાવનગર : ચોમાસાની ઋતુમાં ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતો હોય છે તેથી મનપા દ્વારા રખડતા ઢોર પકડવાનો ખાનગી કોન્ટ્રાકટ આપી કામગીરી કરાવવામાં આવતી હોય છે પરંતુ ગત સપ્ટેમ્બર માસમાં રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો છે. હાલ રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ છે પરંતુ પહેલાની સરખામણીએ કામગીરી ધીમી પડી ગઈ છે. મનપા દ્વારા હાલ બેલદાર રાખી રખડતા ઢોર પકડવાની કામગીરી કરાવવામાં આવી રહી છે. રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. 

ભાવનગર શહેરમાં આમ તો આખુ વર્ષ રખડતા ઢોરનો ત્રાસ રહેતો હોય છે પરંતુ આ ત્રાસ ચોમાસાની ઋતુમાં ખુબ જ વધી જતો હોય છે તેથી લોકો પરેશાન થઈ જતા હોય છે. ચોમાસાની ઋતુમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટાડવા માટે મનપા દ્વારા ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવતો હોય છે અને આ કોન્ટ્રાકટના તેમજ મનપાના કર્મચારીઓ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાકટ શરૂ હતો ત્યારે રોજ આશરે ૩૦ રખડતા ઢોર પકડી મનપાના ઢોર ડબ્બામાં પુરવામાં આવતા હતા પરંતુ ગત તા. ર૬ સપ્ટેમ્બરે રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો છે. હાલ મનપાના કર્મચારી અને કેટલાક બેલદારો દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોજના આશરે ૧પથી ર૦ રખડતા ઢોર પકડવામાં આવે છે, ચાલુ જાન્યુઆરી માસમાં આશરે ર૧૦ રખડતા ઢોર મનપાના અધિકારીએ દાવો કર્યો છે. હાલ રખડતા ઢોર પકડવાની કામગીરી ધીમી પડી ગઈ છે. 

મહાપાલિકાએ રખડતા ઢોર પકડવા માટેની કામગીરી માટે પાંચ વાર ટેન્ડર બહાર પાડયા હતા પરંતુ કોઈ પાર્ટી આવી નથી. હાલ મહાપાલિકાએ છઠ્ઠીવાર ટેન્ડર બહાર પાડયુ છે ત્યારે ઢોર પકડવા માટેની એજન્સી મળે છે કે નહી ? તેની રાહ જોવી જ રહી.  

મહાપાલિકા પાસે હાલ ૩ ઢોર ડબ્બા છે અને આ ત્રણેય ઢોર ડબ્બામાં રખડતા ઢોર રાખવામાં આવે છે. મનપાના ત્રણેય ઢોર ડબ્બામાં મળી આશરે રપ૦૦ ઢોર છે અને મનપા દ્વારા તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે છતા કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળતો હોય છે ત્યારે મહાપાલિકાએ તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. 

રખડતા ઢોરની અડફેટે લોકોના મોત નિપજતા રોષ 

ભાવનગર શહેર અને જિલ્લામાં ઘણા વર્ષથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અને રખડતા ઢોરની અડફેટે અત્યાર સુધીમાં આશરે ૪રથી વધુ લોકોના મોત નિપજયા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. ગઈકાલે મંગળવારે જ એક વ્યકિતનુ ઢોર સાથે અથડાવાથી મોત નિપજયુ હતું. આ ઉપરાંત ઢોરના કારણે અકસ્માતના બનાવ પણ વારંવાર બનતા હોય છે અને લોકોને નાની-મોટી ઈજા થતી હોય છે તેથી લોકોમાં રોષ જોવા મળતો હોય છે. રખડતા ઢોરના મામલે અનેકવાર લોકોએ રજુઆત કરી છે છતા સરકારી તંત્ર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી. લોકોના મોત થાય છે છતા તંત્ર દ્વારા ખાસ કામગીરી કરવામાં આવતી નથી અને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW