29/02/2024

કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, બલ્ગેરિયાની યુવતીએ ગુનો દાખલ કરવા હાઈકોર્ટમાં કરી હતી અરજી

0

Cadila CMD Rajiv Modi Case : અંતે અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ હવે હાઈકોર્ટના આદેશ બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. માર્ચ 2023માં બનેલી ઘટના મામલે રાજીવ મોદી સામે ફરિયાદ કરાઈ છે. સોલા પોલીસે IPCની કલમ 376, 354 અને 506(2) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, છારોડી કેડિલા ફાર્મ હાઉસમાં 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી શારીરિક દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રાજીવ મોદી સામે કેસ દાખલ કરવા મહિલાએ 27 પુરાવા સાથે કરી હતી પિટિશન

મહત્વનું છે કે, કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુધારે ચુકાદો આપતા જસ્ટીસે ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યા હતા. જે પોલીસ અધિકારી સામે આક્ષેપ કર્યા તે અંગે તપાસ કરવા આદેશ અપાયા હતા.

શું છે સમગ્ર મામલો ?

રાજીવ મોદીનાં અશ્લીલ કરતૂતનો હું એકલી જ નહીં અન્ય પાંચ યુવતીઓ પણ ભોગ બની છે : બલ્ગેરિયન યુવતી

બલ્ગેરિયાની મહિલાએ બટલર કમ પર્સનલ આસિસ્ટન્ટની નોકરી દરમિયાન કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર (સીએમડી) રાજીવ મોદીએ કરેલી છેડતી, અભદ્ર વ્યવહાર અને શારીરિક અડપલાંની કથિત ફરિયાદ બાદથી જ ચકચાર મચી ગયો છે. મહિલાએ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમક્ષ કરેલા કેસમાં ન્યાય ન મળતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલી પિટિશનમાં ફેબ્રુઆરી અને માર્ચ 2023 વચ્ચે મોદીએ મહિલા સાથે કરેલા અભદ્ર વ્યવહારની વિગતોનું વર્ણન અને પછીથી પોલીસની કામગીરી અંગેના આક્ષેપો પણ એટલા જ ચોંકાવનારા છે. હાઈકોર્ટ સમક્ષ દાખલ પિટિશનમાં મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે, કેડિલા ફાર્માસ્યુટિકલ સીએમડી રાજીવ મોદીનો ભોગ અન્ય પાંચ જેટલી યુવતીઓ પણ બની છે પણ તે કોઈ કારણોસર મૌન છે. રાજીવ મોદીની કરતૂત અંગે કેડિલા ફાર્માસ્યુટિકલમાં અન્ય સ્ટાફના લોકોને પણ માહિતી છે. પિટિશનમાં મહિલાએ આક્ષેપ મુક્યો છે કે, ફોરેનર્સ રીજીયોનલ રજીસ્ટ્રેશન ઓફીસ (એફઆરઆરઓ)ના એક અધિકારીએ પણ રાજીવ મોદીની મહિલાઓ સાથેની અશ્લીલ હરકતો અંગે સ્વીકાર કર્યો છે જેનું કોલ રેકોર્ડીંગ પણ પોતાની પાસે છે. 

કેડિલાના મેનેજરે આ બલ્ગેરિયન યુવતીને નોકરીએ રાખી હતી

અમદાવાદમાં નોકરી માટે કેડિલાના મેનેજર જ્હોનસન મેથ્યુએ આ બલ્ગેરિયન યુવતીને કંપનીના કામ માટે નોકરીએ રાખી હતી. ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે નોકરીએ રાખ્યા પછી કોઇપણ કારણ વગર તેને બટલર પર્સનલ આસિસ્ટન્ટ બનાવવામાં આવી હતી. આ નવા હોદ્દા અનુસાર રાજીવ મોદી સાથે મહિલાએ પ્રવાસ કરવાનો હતો અને જાન્યુઆરીમાં નોકરીએ રહ્યા પછી ફેબ્રુઆરીના પ્રથમ જ પ્રવાસમાં રાજીવ મોદીએ મહિલાને ‘શરમાળ હોવાનું અને તેને મુક્ત કરવી પડશે’ એવી કોમેન્ટ પાસ કરી હતી. ચાર્ટર્ડ પ્લેનમાં પ્રવાસ કરતા જમ્મુની ફ્લાઈટમાં રાજીવ મોદી અન્ય ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે રૂમમાં એકાંતમાં હોવાનું મહિલા નોંધે છે. 

રાજીવ મોદી યુવતીને અભદ્ર ચેનચાળા કરતા હોવાનો આરોપ

આ ઘટનાઓ પછી મહિલા તરફ રાજીવ મોદી વિવિધ અભદ્ર ચેનચાળાની ઘટનાઓ શરુ થયા છે. તમિલનાડુની એક ટી એસ્ટેટની મુલાકાત વખતે નિર્વસ્ત્ર હાલતમાં બેઠેલા રાજીવ મોદી મહિલાને બોલાવે છે, આ ઉપરાંત અન્ય વખતો વખતની ઘટનાઓમાં અશ્લીલ, શારિરીક છેડછાડ કરાતી હતી એવા આક્ષેપ મહિલાએ તારીખ, સ્થળ અને એ સમયે પ્રવાસમાં મોદી સાથે જોડાયેલી અન્ય મહિલાઓ અને કર્મચારીઓના નામ ઉલ્લેખ સાથે કરેલા છે. મહિલાનો એવો પણ આક્ષેપ છે કેટલાક દિવસ મારે રોજ રાજીવ મોદીને ઊંઘમાંથી ઉઠાડવાના પછી એની સામે પોતાનું શર્ટ કાઢવા જેવું પણ બળજબરીથી કરાવવામાં આવતું હતું. વિદેશી મહિલા હોવાથી અને રહેવા માટે આપેલી જગ્યાએથી બહાર નહી નીકળવા દેવાની કડક સૂચનાના કારણે પોતે સહન કરી રહી હોવાનું મહિલા જણાવે છે. રાજીવ મોદી યુવતીને હગ કરતા, તેમનો હાથ છાતીના ભાગે ફેરવતા હતા.

ફરિયાદ પાછી ખેંચવાના કાગળ ઉપર સહિઓ કરાવી લીધી

મહિલાએ એવો આક્ષેપ મુક્યો છે કે મેનેજર મેથ્યુએ બળજબરી પૂર્વક અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદીની કરતૂતની તપાસ માટે કરેલી ફરિયાદ પાછી ખેંચવાના કાગળ ઉપર સહિઓ કરાવી લીધી છે અને આ અંગે મહિલા પોલીસ અધિકારીઓ પણ વાકેફ છે અને તેમણે પણ ફરિયાદ ખેંચી લેવા માટે સમજાવટ કરી હતી. આ માટે કોર્ટ સમક્ષ મહિલાએ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરી છે. વિદેશી મહિલાનો એવો પણ દાવો છે કે પોતે મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલા કેસની સુનાવણી પુરુષ જજ દ્વારા કરવામાં આવી હતી જેમાં અયોગ્ય રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, હાજર લોકોએ તેના વિડીયો રેકર્ડ કરી મહિલાની અસ્મિતાને વધારે નુકસાન પહોંચાડ્યું છે. 

મહિલાએ પોતાની પિટિશન સાથે 27 જેટલા પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ કર્યા

હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરતા પહેલા ભોગ બનનાર મહિલાએ રાષ્ટ્રીય મહિલા આયોગ, અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી સામે એફઆઈઆર દાખલ થાય એ માટે અનેક પ્રયત્ન કર્યા છે. આ માટે મહિલાએ પોતાની પીટીશન સાથે 27 જેટલા પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ કર્યા છે. અરજદાર યુવતી દ્વારા કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી વિરુદ્ધ આઇપીસીની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી.

રાજીવ મોદીએ પત્ની મોનિકાને 200 કરોડ ચૂકવીને છૂટાછેડા લેવા પડેલા

30 ઓક્ટોબર 2018ના રોજ ફેમિલી કોર્ટ દ્વારા કેડિલાના ચેરમેન રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા ગરવારેને પરસ્પર સહમતી અને સમજૂતીથી છૂટાછેડા આપવામાં આવ્યા હતા. આ છૂટાછેડા માટે રાજીવ મોદી દ્વારા સેટલમેન્ટ માટે તેમની પત્નીને કાયમી ભરણપોષણ હેઠળ 200 કરોડ ચુકવવામાં આવ્યા હતા. તે સમયે રાજીવ મોદીએ ત્યારે કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, તેઓ છેલ્લાં છ વર્ષથી લગ્ન જીવનના કોઈ હક ભોગવી રહ્યા નથી. તેમના અને તેમની પત્નીના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. કોર્ટે તેના આધારે છૂટાછેડા આપ્યા હતા. આ ઉપરાંત તેમના 17 વર્ષના પુત્રની કસ્ટડી પણ રાજીવ મોદીને સોંપવામાં આવી હતી. 

પત્નીએ રાજીવ સામે વ્યાભિચારનો અને મારપીટનો આરોપ મૂક્યો હતો

સૂત્રોના મતે ઓગસ્ટ 2018માં રાજીવ મોદી અને મોનિકા વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. અમદાવાદમાં રહેતા રાજીવ મોદીએ તે સમયે પોતાની પત્ની ઉપર હાથ ઉપાડયો હતો. આ મુદ્દે મોનિકા મોદી દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ મુદ્દે સીધી ફરિયાદ નોંધવાના બદલે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના મતે તે સમયે મોનિકા મોદી દ્વારા રાજીવ સામે વ્યાભિચાર કરવાનો અને તેની સાથે મારપીટ કરવાનો તથા ગળું દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. રાજીવ મોદી અને મોનિકા મોદી તરફથી સિનિયર વકિલો પણ ટીમ સાથે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. મોડી રાતે આ મુદ્દે સમાધાન થયું હતું. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW