02/03/2024

‘પહેલ કરી જ છે તો આખા ગુજરાતમાં અમલવારી કરાવો, લઠ્ઠા કરતા સારો દારૂ મળે તો સારું : શંકરસિંહ વાઘેલા

0

Shankersinh Vaghela Liquor Permission : ગુજરાતની વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં દારૂ પીવાની મંજૂરી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લેતા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂની રેલમછેલ થઈ જશે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઈન્ટરનેશનલ ટ્રેડ અને ફાઈનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ આપવાના હેતુથી ‘ડાઈન વિથ વાઈન’ની છૂટ અપાઈ છે. જોકે, લોકો અહીં ચોક્કસ નિયમો હેઠળ હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકાશે. જોકે, હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોને દારૂની બોટલોનું વેચાણ કરી શકશે નહીં. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયનો વિપક્ષ દ્વારા ખુબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શંકરસિંહે કંઈક અલગ જ નિવેદન આપ્યું છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પહેલ કરી છે તો આખા ગુજરાતમાં અમલવારી કરાવો. માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ન આપો. લઠ્ઠા જેવો દારૂ પીવો એના કરતા સારો દારૂ પીવાય. ચોરી છૂપીથી દારૂ પીવો એના કરતા છૂટથી દારૂ પીવો સારો. સસ્તો અને સારો દારૂ મળે તે જરૂરી. દારૂ ન મળતો હોવાના કારણે ડેસ્ટિનેશન મેરેજનો ક્રેઝ વધ્યો છે. કરમસદ, વડનગર, ધોલેરા સર, કચ્છના ધોરડો અને મહાત્મા મંદિરમાં દારૂની છૂટ આપો. આ સાથે શંકરસિંહે મોટો દાવો કરતા કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દારૂની અપાશે. છૂટ આપવી હોય તો આખા ગુજરાતમાં આપો. દારૂબંધીની નીતિના કારણે ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. જોકે હું દારૂ પીતો નથી અને કોઈ પીવે એ મને ગમતું નથી. દારૂબંધીની નીતિ દંભી છે.

દારૂ પીવાની છૂટ આપી એમાં આભ નથી ફાટી પડવાનું, આમાં તો વેપારને વેગ મળશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, સરકારના નિર્ણયને હું આવકારું છું. આંતરરાજ્ય અને ઈન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે, તેમની જરૂરિયાતો સચવાય તે પણ જરૂરી છે. એટલે આપણા વેપારને વેગ મળે અને વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે અને સગવડતા સચવાય તે માટે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો તે યોગ્ય છે. દારૂ પીવાની છૂટ આપી એમાં આભ નથી ફાટી પડવાનું, આમાં તો વેપારને વેગ મળશે.

ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ : શક્તિસિંહ ગોહિલ

ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના નિર્ણય અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હું વ્યથિત છું. દારુબંધીના કારણે જ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. દારૂબંધીના કારણે રાત્રે બે-ત્રણ વાગ્યે દીકરી એકલી ઘરે જઈ શકે છે. બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગ નાખે છે. કામદાર અવળા રસ્તે નહીં જાય અને આઉટપુટ સારું મળશે તેવા હેતુથી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપે છે. કોંગ્રેસ સરકારમાં સૌથી વધારે સાચું મૂડી રોકાણ આવ્યું તો ગુજરાત હતું. 1992નો સમય ક્યારેય ન ભૂલી શકાય છે. એશિયાની સૌથી બે કંપનીઓ જામનગરમાં આવી. આખો ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો. 

વધુમાં શક્તિસિંહે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં જે શહેરનું નામ મહાત્મા ગાંધી સાથે જોડાયેલું છે ત્યાં દારૂની છૂટ, ત્યાં રેસિડેન્સિયલ એરિયા પણ છે. કોઈ દારૂ પીને પકડાશે અને કહેશ કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છે એટલે છૂટ. રાજ્યમાં પોલીસ દ્વારા ચાલતી હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ. રાજ્યના યુવાનોની બુદ્ધિમતતા અને કૌશલ્યના કારણે તેઓ ઈંગ્લેન્ડ, આફ્રિકા અને અમેરિકા જેવા દેશોમાં ત્યાંના યુવાનો કરતા સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. ત્યાં હોટેલ અને કંપનીઓના માલિક બને છે. આ યુવાનને તમે દારુના રવાડે ચડાવીને છૂટ આપીને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. મારી આ વાત યોગ્ય લાગતી હોય તો રાજ્ય સરકાર પોતાનો નિર્ણય મૂલતવી રાખે.

આબુના બદલે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા મળશેઃ ગેનીબેન ઠાકોર

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી તે નિંદનિય છે. કોઇપણ માણસ ક્રાઈમ કરશે, કોઈને નુકસાન કરશે, દારુ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતમાં એક જ વાત આવશે કે અમે ગિફ્ટી સિટીમાં દારૂ પીધો છે. ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યમાં જવું પડતું હતું જેના બદલે ગુજરાતમાં જ વ્યવસ્થા મળશે. દારૂ મામલે સરકારનો આ નિર્ણય યોગ્ય નહીં.Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW