ડુંગળીની રામાયણ: ભાવનગર યાર્ડમાં ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં પ્રદર્શન, 48 કલાકમાં કોઈ નિર્ણય આવે તેવી શક્યતા

0

આગામી 48 કલાકમાં કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસબંધી હટાવે તેવી શકયતા

સાંસદના PAએ બાહેંધરી આપતા હાલ પૂરતું આંદોલન મુલતવી રખાયું

Updated: Dec 18th, 2023

ભાવનગર, સોમવાર

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં થોડા દિવસો પૂરતી માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ પણ રહી હતી. જોકે ડુંગળીની સેલ્ફ લાઈફ ઓછી હોય અને તેના કારણે ખેતરમાંથી આવેલો ડુંગળીનો પાક બગડી જવાની ભીતિ વચ્ચે ડુંગળીની હરરાજી પૂર્વવત થઈ હતી. પરંતુ ખેડૂતોનું પ્રદર્શન શરુ જ હતું. આ મામલે મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોના વિરોધ બાદ આજે ભાવનગર માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ભાવનગર યાર્ડમાં નિકાસબંધીના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેથી ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે પ્રદર્શન થયું જેનાથી થોડા સમય પૂરતી ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની હરરાજી પ્રભાવિત થઈ હતી. જોકે માર્કેટ યાર્ડના સેક્રેટરી અને સાંસદના PAની સમજાવટ અને બાહેંધરી બાદ મામલો થાળે પડ્યો હતો.

ભાવનગર યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા

મહુવા માર્કેટ યાર્ડ બાદ આજે સવારે 11 વાગ્યાના અરસામાં ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીની હરરાજી સમયે ખેડૂત આગેવાન ભરતસિંહ તથા અન્ય ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવાના નિર્ણયનો વિરોધ આવ્યો હતો. જેનાથી યાર્ડમાં ડુંગળીની હરરાજી 1 કલાક પૂરતી પ્રભાવિત થઈ હતી. ભાવનગર યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ જતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

સાંસદના PAએ આગામી 48 કલાકમાં કોઈ નિર્ણય આવશે તેવી બાહેંધરી આપી હતી

ખેડૂત આગેવાનોની માંગ હતી કે, સરકાર ડુંગળીની નિકાસબંધી હટાવે અથવા સરકાર ખેડૂતો પાસેથી ડુંગળીને રૂ.50 કિલોના ભાવેથી તથા કપાસ અને મગફળી રૂ.2500 પ્રતિ 20 કિલોના ભાવે ખરીદે. ભાવનગર માર્કેટ યાર્ડમાં આજે સવારે ભારે સૂત્રોચાર વચ્ચે પ્રદર્શન જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને વિરોધની પરિસ્થિતિ વચ્ચે ડુંગળીની હરરાજી પ્રભાવિત થઈ હતી. આશરે ત્રણથી ચાર કલાક ચાલેલા પ્રદર્શન જોતા યાર્ડના સેક્રેટરી અને ભાવનગરના સાંસદના PAએ રૂબરૂ ખેડૂતો સામે હાજર થવું પડ્યું હતું. જેમાં બારદાન કપાત મુદ્દે 2015ના નિયમનું પાલન થશે અને તેનું પાલન નહિ કરનાર વેપારીનું લાયસન્સ રદ થશે તેવી સેક્રેટરીની બાહેંધરી આપી હતી.

આગામી 48 કલાકમાં કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસબંધી હટાવે તેવી શક્યતા

ભાવનગરના સાંસદના PA ભૂપત બારૈયાએ ખેડૂતોને જણાવ્યું હતું કે, ‘ડુંગળીનો પ્રશ્ન સરકારમાં વિચારણામાં છે. જે 24 થી 48 કલાકમાં પતિ જશે અને ખેડૂતો તરફી નિર્ણય આવી જશે. સરકારના પ્રતિનિધિ તરફથી મળેલી બાહેંધરી બાદ હાલ 48 કલાક પૂરતું આંદોલન મુલતવી રખાયું છે. ત્યારે ડુંગળીની નિકાસબંધીના નિર્ણય મુદ્દે આગામી સમયમાં સરકાર તરફથી શું નિર્ણય આવે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

‘ડુંગળીની નિકાસ હટાવો, કાં ખેડૂતોને ફાંસી આપો’, સુત્રોચ્ચાર સાથે ખેડૂતોએ કર્યો વિરોધ

મહુવા માર્કેટ યાર્ડમાં ગઈકાલે ડુંગળીની હરરાજી શરુ થઈ હતી. તેની વચ્ચે આજે ખેડુત એકતા સંઘના ભરતસિંહ તથા અન્ય ખેડુતો દ્વારા ડુંગળીની નિકાસ હટાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડુતોએ ગળામાં ફાંસીનો ફંદો પહેરી ડુંગળીની નિકાસ હટાવો, કાં ખેડૂતોને ફાંસી આપો જેવા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, એક ડુંગળીની નિકાસ બંધ કરવાના નિર્ણયથી મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને દરરોજની ૩.૫૦ કરોડના નુકસાન જાય છે. જો નિકાસબંધીનો નિર્ણય હટાવવામાં નહી આવે તો ખેડુતોને મોટું નુકસાન જવાની શક્યતા છે. આજે મહુવા માર્કેટ યાર્ડમાં ખેડુતોના વિરોધ પ્રદર્શન થયું હતુ. પરિસ્થિતિને જોતા મહુવા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત હતો અને બાદમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા ૨૦ ખેડૂતોની અટકાયત કરી હતી. આ દરમિયાન ખેડુત આગેવાને ભાવનગરમાં પણ વિરોધ પ્રદર્શન થશે તેમ પણ જણાવ્યું હતું. ત્યારબાદ આજે ખેડૂતોએ ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW