02/03/2024

રાજીવ મોદી કેસ : અદાલતમાં પોલીસ કાર્યવાહીનો બચાવ કરતાં સરકારે બલ્ગેરિયન યુવતીની પોલ ખોલી

0

કેડિલાના રાજીવ મોદી વિરૂધ્ધ આક્ષેપ કરનાર યુવતી જ ખુદ શંકાના દાયરામાં

બલ્ગેરીયન યુવતીના જાતીય સતામણીના કેસમાં સરકારનો ઘટ્સ્ફોટ

Updated: Dec 9th, 2023

અમદાવાદ, શનિવાર

અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રિટ અરજીની સુનાવણીમાં ગઈકાલે રાજય સરકાર તરફથી બહુ ચોંકાવનારો ઘટસ્ફોટ અદાલત સમક્ષ કરવામાં આવ્યો હતો કે, અરજદાર યુવતીએ રૂ.24 લાખ લઇ પ્રતિવાદી સાથે સમાધાન કર્યું હતું. પોલીસે ખુદ પીડિતાના પાંચથી સાત વખત નિવેદન નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી કરી  છે ત્યારે પોલીસ વિરૂધ્ધના આક્ષેપો બેબુનિયાદ અને વાહિયાત છે. સરકારે ખુદ અરજદાર યુવતી અને તેના વલણ સામે જ બહુ ગંભીર પ્રશ્નાર્થ અને શંકા ઉઠાવતાં કેસમાં નવો જ વળાંક આવ્યો છે. હાઇકોર્ટે અરજદારપક્ષને સમગ્ર કેસની ક્રોનોલોજી(ઘટનાઓની ક્રમાનુસાર તવારિખ) રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તા.૧૫મી ડિસેમ્બર પર મુકરર કરી હતી. 

અગાઉ નોકરી બાબતની તકરારમાં યુવતીએ રૂ.24 લાખ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે લીધા હતા અને તેણીએ ખુદ સ્વહસ્તાક્ષરમાં સમાધાન અંગે સોગંદનામું કર્યું હતુ

બલ્ગેરિયન યુવતી તરફથી કરાયેલી રિટ અરજીનો આજે વિરોધ કરતાં રાજય સરકાર તરફથી બહુ જ મહત્ત્વની દલીલો કરાઇ હતી, જેમાં ખુદ પબ્લીક પ્રોસીકયુટર મીતેશ અમીન જાતે આ કેસમા દલીલો કરવા આવ્યા હતા. તેમણે કોર્ટનું કેટલીક સાચી હકીકતો પરત્વે ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, અરજદાર યુવતીએ સૌપ્રથમ તા.9મી એપ્રિલ શહેર પોલીસ કમિશનરને પ્રતિવાદી સાથેની નોકરી બાબતની તકરાર અને બાકી નીકળતા પૈસા અંગે રજૂઆત કરી હતી, પરંતુ તેમાં પ્રતિવાદી વિરૂધ્ધ જાતીય સતામણી કે દુષ્કર્મ સહિતના કોઇ આક્ષેપો કરાયા ન હતા. એ પછી યુવતીને પ્રતિવાદી તરફથી તેની નોકરીના પગાર અને બાકી પૈસાની તકરાર અનુસંધાનમાં રૂ.૨૪ લાખ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે ચૂકવાયા હતા. જે અંગે ખુદ અરજદાર યુવતીએ પોલીસ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતુ અને સમાધાનની વાત તેણીના સ્વહસ્તાક્ષરમાં લખી તેમાં સહી કરી હતી. હવે પૈસા લઇ લીધા બાદ પાછળથી આ પ્રકારના આક્ષેપો ખાસ કરીને પોલીસ પર મૂકાયેલા આરોપ શંકા જન્માવે છે. સરકારપક્ષ તરફથી જણાવાયું કે, પ્રસ્તુત કેસમાં યુવતીની રિટ અરજી ટકી શકે તેમ જ નથી કારણ કે, નીચલી કોર્ટે તેની ફરિયાદ દાખલ કરવા અંગેની અરજી નામંજૂર કરી છે, તેની સામે તેણીએ વાસ્તવમાં કાયદાકીય જોગવાઇ મુજબ, રિવીઝન અરજી કરવી પડે પરંતુ તેમ કર્યુ નથી. એક વખત નીચલી કોર્ટે કોગ્નીઝન્સ લઇને ફરિયાદસરકારે વધુમાં જણાવ્યું કે, યુવતીએ પોલીસ કમિશનરને રજૂઆત કરી તેમાં પોલીસ કમિશનરે મહિલા પોલીસને તપાસ કરવા કહ્યું હતું અને મહિલા પોલીસે યુવતીના એકથી વધુ વખત નિવેદનો પણ નોંધ્યા હતા. બાદમાં યુવતીએ ૨૪ લાખ લઇ લીધા પછી હવે તેને કઇ કરવુ નથી એમ કહી પોતાના હસ્તાક્ષરમાં જ સહી કરી હતી અને હવે પાછળથી જાતીય સતામણીના આક્ષેપો કરતી અરજી કરી સમગ્ર વિવાદ ઉભો કર્યો છે. જો કે, તેમાં પણ પોલીસે તેની રીતે યુવતીના નિવેદન નોંધવા સહિતના મુદ્દે જરૂરી સાથ સહકાર આપી યોગ્ય તપાસ કરી જ છે. જો કે, નીચલી કોર્ટે તેણીની ફરિયાદ દાખલ કરવાની અરજી રદ કરી દેતાં હવે તેમાં કંઇ થઇ શકે નહી. અરજદારની હાલની અરજી ટકી શકે નહી, તેણે રિવીઝન અરજી કરવી પડે. 

ડિજિટલ પુરાવાની તપાસ થાય તો સત્ય બહાર આવશે

અરજદાર યુવતીના વકીલ તરફથી એવી દલીલ રજૂ કરાઇ હતી કે, તેણીએ અગાઉ નીચલી કોર્ટમાં અરજી કરી ત્યારે અગાઉના વકીલની ખોટી સલાહના કારણ કેસમાં 202ની ઇન્કવાયરી માંગી હતી પરંતુ તેઓ અપીઅર થયા બાદ કેસમાં 156(3) હેઠળ તપાસની માંગ કરી ફરિયાદ દાખલ કરવા અરજ કરાઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં મહિલા પોલીસ મથકમાં સીસીટીવી ફુટેજીસ સહિતના ડિજિટલ પુરાવાના સાચવી રખાય તે જરૂરી છે અને તેની તપાસ થાય તો કેસમાં સત્ય હકીકત સામે આવે તેમ છે. પ્રતિવાદી રાજીવ મોદી દ્વારા માત્ર તેણીને જ જાતીય સતામણીનો ભોગ નથી બનાવી પરંતુ તેના જેવી ઘણી છોકરીઓ તેના શિકારનો ભોગ બની છે ત્યારે હાઇકોર્ટે આ કેસમાં દરમ્યાનગીરી કરવી જોઇએ. 

એક તબક્કે પબ્લીક પ્રોસીકયુટરે અરજદારના વકીલને પડકાર ફેંકયો

અરજદાર યુવતીના વકીલ તરફથી સંબંધિત તારીખના મહિલા પોલીસ મથકના ડિજિટલ પુરાવા જાળવવા માંગ કરી હતી અને સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાનો આધાર લઇ વારંવાર દાવો કરાતો હતો પરંતુ પબ્લીક પ્રોસીકયુટરે અરજદારના વકીલના દાવાનું જોરદાર ખંડન કરતાં ભરચક કોર્ટમાં પડકાર ફેંકયો હતો કે, સુપ્રીમકોર્ટનો આવો કોઇ ચુકાદો હોય તો અમને પણ આપો અને હાઇકોર્ટને પણ બતાવો. કે સુપ્રીમકોર્ટે કયાંય એવું કીધુ હોય કે, કોઇ પોલીસમાં અરજી કરી એટલે અરજીની તપાસ કે કાર્યવાહીનું પોલીસ તરત જ રેકોર્ડીંગ શરૂ કરી દે અને તેને સાચવી પણ રાખે તો બતાવો. સુપ્રીમકોર્ટનો આવો કોઇ ચુકાદો કે કયાંય એક લાઇન પણ હોય તો હાઇકોર્ટ સમક્ષ બતાવો તો અમે પણ સાચવી રાખીએ આ ચુકાદો. પબ્લીક પ્રોસીકયુટર અને અરજદારપક્ષ વચ્ચેની થોડીવાર માટેની ચકમક કોર્ટરૂમમાં નોંધનીય બની રહી હતી. Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW