02/03/2024

ઓરેવા કંપનીએ વળતર ચૂકવ્યું એટલે તેની જવાબદારી પૂરી થઇ જતી નથી, મોરબી ઝુલતા પુલ કેસમાં HCની ટકોર

0

અમદાવાદ, શનિવાર

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં ગઈકાલે રાજય સરકાર દ્વારા એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. બીજીબાજુ, કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે  ઓરેવા કંપનીને પણ ફટકાર  લગાવતાં જણાવ્યું હતું કે, ઓરેવા કંપનીએ પીડિતોને વળતર ચૂકવ્યું એટલે તેની જવાબદારી કંઇ પૂરી થઇ જતી નથી. ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલના વકીલને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે એટલે સુધી સાફ શબ્દોમાં સુણાવ્યું હતુ કે, સીટના રિપોર્ટ (કે જેમાં ઓરેવા કંપની, તેના સંચાલક અને મેનેજમેન્ટની આ દુર્ઘટના પાછળ જવાબદારી સ્પષ્ટપણે ઠરાવાઇ છે) બાદ તમે જે રજૂઆત કરો છો તે શું શકો…?? તમે શું કર્યું છે, તેનો પણ તમને અંદાજ છે ખરો..?? અસરગ્રસ્તોને તમે મદદરૂપ થઇ શકો એટલે તમને સાંભળવાનો મોકા આપ્યો છે, બાકી તમે આ કોર્ટમાં ઉભા પણ રહી શકો નહી. આમ, કહી હાઇકોર્ટે એક રીતે ઓરેવા કંપનીને સંકેત આપી દીધો હતો કે, તેણે વળતર ચૂકવ્યું એટલે તેની ગુનાહિત બેદરકારી કે જવાબદારીમાંથી મુકિત મળી જતી નથી. 

જયસુખ પટેલને હાઇકોર્ટે સાફ સુણાવ્યું કે, તમને સાંભળવાનો મોકો આપ્યો છે, બાકી તમે આ કોર્ટમાં ઉભા પણ રહી શકો નહી. તમે શું કર્યું છે તેનો અંદાજ છે..??

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની સુનાવણી દરમ્યાન ઓરેવા કંપની તરફથી બચાવ કરાયો હતો કે, તેઓ હજુ પણ પીડિતો અને અસરગ્રસ્તો માટે જે કંઇ કરવાનું હશે તે કરવા તૈયાર છે પરંતુ જયારે પણ તેઓ પીડિતોનો એપ્રોચ કરે છે ત્યારે તેઓ તેમના પરત્વે નારાજગી અને અવગણનાનો વ્યવહાર કરે છે, જેથી હાઇકોર્ટે તેમને સંભળાવ્યુ કે, તેઓ તેમ કરે તે સ્વાભાવિક છે કારણ કે, તેમણે જે આઘાત અને પીડા સહન કરી છે તે ભૂલાય નહી તેવી છે તેથી તેમનું એવું વલણ સ્વાભાવિક કહેવાય. તમે ખાલી વળતર ચૂકવી દીધુ એટલે તમારી જવાબદારી પૂરી થઇ જતી નથી. અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને તેમને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતની જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરશે તે બાબતે આથક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેશે તેમ પણ હાઇકોર્ટે જણાવ્યું હતું. હાઇકોર્ટે રાજય સરકાર પાસેથી એ મુદ્દે પણ જવાબ માંગ્યો છે કે, પ્રસ્તુત કેસમાં અસરગ્રસ્તોને થયેલી માનસિક અસર મામલે તબીબી સારવાર અંગે રાજય સરકાર શું કરી રહી છે. જયસુખ પટેલ તરફથી કોર્ટ સમક્ષ એવો પણ બચાવ કરાયો કે, તેઓ જાન્યુઆરી મહિનાથી જેલમાં છે અને તેમની જામીન અરજીની સુનાવણી હજુ થતી નથી, જેથી હાઇકોર્ટે તેમને સાફ શબ્દોમાં સુણાવ્યું કે, તે અમારો વિષય નથી, તમે જે તે કોર્ટમાં રજૂઆત કરો. સીટના રિપોર્ટ પછી તમે હાલ જે રજૂઆત કરી રહ્યા છો, તે શું કરી શકો..? તમે શું કર્યું છે તેનો અંદાજ છે પણ તમને છે ખરો..? આમ કહી હાઇકોર્ટે સાનમાં ઘણુબધુ જયસુખ પટલેના વકીલને કહી દીધુ હતું. હાઇકોર્ટે સરકાર દ્વારા રજૂ થયેલો એકશન ટેકન રિપોર્ટ પણ રેકર્ડ પર લીધો હતો. 

વ્યકિતનું જીવન કે ઐતિહાસિક ધરોહર ખોવા હવે યોગ્ય નહી કહેવાય : હાઇકોર્ટ

સરકારે પોતાના રિપોર્ટમાં રાજયના તમામ બ્રિજોના નીરીક્ષણ સહિતની વાત જણાવી લગભગ તમામ બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાનો દાવો કરાયો ત્યારે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, શું ગોંડલના બંને ઐતિહાસિક બ્રિજની સ્થિતિથી તમે વાકેફ છો..? જેથી સરકારે જણાવ્યું કે, જે બ્રિજો જર્જરિત અને ઉપયોગમાં લઇ શકાય નથી તેવા છે તે બ્રિજને બંધ કરી ેદવાશે. તેથી હાઇકોર્ટે સરકારને બહુ માર્મિક ટકોર કરી હતી કે, કોઇપણ બ્રિજ તોડવાના નથી. આઇકોનીક બ્રિજની જાળવણીની જવાબદારી રાજય સરકારની છે. રાજયમાં તમામ બ્રિજની મરામત કે રીપેરીંગની જવાબદારી નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશનોના બદલે સરકાર પોતે જ ઉઠાવે. વળી, ઐતિહાસિક બ્રિજોની જાળવણીને લઇ માર્ગ અને મકાન વિભાગની ક્ષમતા અંગે સવાલ ઉઠાવતાં હાઇકોર્ટે સરકારને અગત્યનું સૂચન કર્યું હતું કે, ખાનગી વ્યકિતઓને બ્રિજોના રીપેરીંગ કે મરામતનો કરાર આપતી વખતે તેમની ક્ષમતા, નિપુણતા સહિતની બાબતોની ચકાસણીની જવાબદારી રાજય સરકારની છે. ઐતિહાસિક અને પ્રાચીન બ્રિજોની ધરોહર જાળવવા માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો પણ પરામર્શ આવશ્યક હોવાનો મત ખંડપીઠે વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, નિપુણ આર્કિટેક્ટસને જ આ પ્રકારનું કામ સોંપાવું જોઇએ. હાઇકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, વ્યકિતનું જીવન અથવા ઐતિહાસિક ધરોહર બેમાંથી એક પણ ખોવું યોગ્ય નહી લેખાય. હાઇકોર્ટે રાજયભરમાં નગરપાલિકા હદ વિસ્તારના ૧૧૩ જેટલા બ્રિજના રીપેરીંગ કે જાળવણી અંગે સરકારનું શું આયોજન છે તેનો રિપોર્ટ પણ સરકાર પાસેથી માંગ્યો હતો. 

મોરબી ઝુલતા પુલ જેવી દુર્ઘટના ના બને તે માટે સરકારે નીતિ બનાવી

રાજય સરકાર તરફથી રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવાયું કે, સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની 1990ની નીતિ છે તે અન્વયે રાજયના ૧૪૪૧ મોટા બ્રિજોનું વર્ષમાં બે વખત નીરીક્ષણ અને તેને આનુષંગિક પગલાની જોગવાઇ કરાયેલી છે જો કે, આ નીતિમાં  મ્યુનિસિપલ કોર્પોરેશનો કે નગરપાલિકાઓ હેઠળ આવતા બ્રિજોનો સમાવેશ થતો ન હતો. પરંતુ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ સરકારે તા.૬-૩-૨૦૨૩ના ઠરાવથી એક સર્વગ્રાહી નીતિ ઘડી મ્યુનિસિપલ કોર્પોરેશનો કે નગરપાલિકાઓ વિસ્તારના બ્રિજોને પણ તેમાં સમાવિષ્ટ કરી લેવાયા છે અને તેનું વર્ષમાં બે વખત નીરીક્ષણ જરૂરી પગલાંની જોગવાઇ કરી દેવાઇ છે. 

જયસુખ પટેલ સહિત હજુ ચાર આરોપીઓ જેલમાં 

સરકારે તેના રિપોર્ટમાં ઓરેવા કંપની વિરૂધ્ધ કરેલી કાયદેસર કાર્યવાહીની પણ માહિતી રજૂ કરી જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસે કુલ દસ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી છ આરોપીઓ જામીન પર મુકત થયા છે, જયારે હજુ પણ ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, મેનેજર દિપક પારેખ, દેવપ્રકાશ સોલ્યુશનના પ્રોપરાઇટર પ્રકાશ પરમાર અને દેવાંગ પરમાર હજુ પણ જેલમાં છે. તો, સરકારે મોરબી નગરપાલિકાને પણ આ પ્રકરણમાં એપ્રિલ-2023માં સુપરસીડ કરી નાંખી છે. સાથે સાથે નગરપાલિકાના તત્કાલીકન કસૂરવાર ચીફ ઓફિસર સુખદેવસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી તેમની વિરૂધ્ધ ખાતાકીય કાર્યવાહી સહિતના પગલાં લીધા છે. સરકારે પીડિતોને અગાઉ ચાર-ચાર લાખ રૂપિયા અને ફરી બાદમાં બીજા વધારાના ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. તો, ઇજાગ્રસ્તોને પણ રૂ.50 હજારથી લઇ બે લાખ સુધીનું વળતર ચૂકવી આપ્યું છે. જયારે વિધવા બહેનો માટે સરકારે વળતરની સહાય સહિતની મદદ કરી છે.Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW