28 લાખના દારૂના કેસમાં પકડાયેલા કુખ્યાત બુટલેગર સહિત ચાર ને પાસા

Updated: Nov 11th, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 11 નવેમ્બર 2023 શનિવાર
લક્ષ્મીપુરા વિસ્તારમાં 28 લાખનો દારૂ પકડાવાના કેસમાં ધરપકડ કરાયેલા નામચીન કાલુ ટોપી સહિત ચાર આરોપીઓને પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે.
ગોત્રી થી સેવાસી જતી કેનાલ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ના કટીંગ વખતે દરોડો પાડી રૂ.સાડા સાત લાખના દારૂ ના જથ્થા સાથે પીકઅપ વાન, બે કાર રીક્ષા અને સ્કૂટર સહિત 28 લાખના મુદ્દામાલ સાથે ચાર જણાને ઝડપી પાડ્યા હતા જ્યારે લીકર કિંગ ગણાતા લાલુ સિંધી સહિત 8 ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે આ કેસમાં પકડેલાઓમાં વારસિયાના નામીચા ગુનેગાર કાલુ ટોપી સુંદર દાસ ટેલવાણી (વલ્લભ ઓર્ચીડ, અર્થ આઇકોન પાછળ, ન્યુ વીઆઇપી રોડ), શૈલેષ અંબાલાલ ઠાકોર (કૃષ્ણ દર્શન સોસાયટી, સુભાનપુરા), હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઈ અગ્રવાલ (ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ,ગોરવા) અને મુકેશ બ્રીજલાલ ઉદાસી (સંત કવર કોલોની, વારસિયા) નો સમાવેશ થાય છે.
પોલીસે ચારેય આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ, મહેસાણા, પાલનપુર અને જુનાગઢ જેલમાં મોકલી આપ્યા છે.