ચાર સ્થળોએ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉછેરી ગાઢ જંગલ ઊભું કરાશે

Updated: Nov 11th, 2023
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી
વાવોલ,સરગાસણ અને કુડાસણમાં ચાર પ્લોટ સંસ્થાઓને ત્રણ વર્ષ માટે આપવામાં આવ્યા : આઠ ફૂટ ઊંચા રોપા ઉછેરાશે
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરને ફરી હરિયાળું બનાવવા માટે
કોર્પોરેશન દ્વારા મથામણ કરવામાં આવી રહી છે પરંતુ હવે તેમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો
સહારો લેવો પડયો છે. કોર્પોરેશન વિસ્તારમાં ચાર જેટલા પ્લોટમાં ગાઢ જંગલ ઊભું કરવા
માટે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવનાર છે અને આ માટે વાવોલ, કુડાસણ અને
સરગાસણમાં સંસ્થાઓને ચાર પ્લોટ ત્રણ વર્ષ માટે ફાળવવાનો નિર્ણય સ્થાયી સમિતિમાં
લેવામાં આવ્યો હતો.
એક સમયે સમગ્ર એશિયામાં ગાંધીનગર શહેરની ગણના ગ્રીન સિટી
તરીકે થતી હતી પરંતુ સમય જતાની સાથે વિકાસ કામોમાં વૃક્ષો કાપવાને કારણે શહેરનું
ગ્રીન કવચ ઘટતું રહ્યું છે. આ સ્થિતિમાં ગાંધીનગરમાં વિવિધ તંત્ર શહેરને ગ્રીન
સીટી તરીકેનો બિરુદ પાછું અપાવવા માટે મથી રહ્યા છે અને શહેરમાં વધુને વધુ વૃક્ષો
ઉછેરાઈ તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ
શહેરમાં મિશન મિલિયન ટ્રી હેઠળ વૃક્ષારોપણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે
ત્યારે મિયાવાકી પદ્ધતિથી કોર્પોરેશન વિસ્તારમાં ચાર જેટલા પ્લોટમાં જંગલ કવચ ઊભું
કરવા માટેની દરખાસ્તને આજે સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. જે
સંદર્ભે ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, વાવોલના બે અને કુડાસણ- સરગાસણ ખાતેના ૧-૧ ખુલ્લા પ્લોટને
વૃક્ષો રોપવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંસ્થાઓ
આ ખુલ્લા પ્લોટમાં મીયાવાકી પદ્ધતિથી વૃક્ષો રોપશે. માત્ર વૃક્ષો રોપવા પુરતા નહીં
પણ વૃક્ષો ઉછરે ત્યાં સુધી તેની કાળજી રાખવાની શરતે આ પ્લોટ આપવામાં આવ્યા છે.
સંસ્થાઓ દ્વારા ત્રણ વર્ષ સુધી અહીં રોપવામાં આવેલા રોપાની કાળજી લઇને વૃક્ષ બને
ત્યાં સુધીની તમામ માવજત કરવાની રહેશે. મહાનગરપાલિકા દ્વારા આ માટે કોઇ વળતર કે
રકમ આપવાની રહેશે નહીં જેથી કોઇપણ પ્રકારનો નાણાકીય બોજો આવશે નહીં. આ સંસ્થાઓને
માત્ર ત્રણ વર્ષ માટે અને વૃક્ષ ઉછેરવાના એકમાત્ર હેતુથી આ પ્લોટનો કબજો સોંપવામાં
આવ્યો છે.જે સ્વૈચ્છિક સંસ્થાઓને આ પ્લોટ સોંપવામાં આવ્યા છે તેમને ૮થી ૯ ફૂટ ઉંચા
રોપા લાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સંસ્થાઓ ત્રણ વર્ષ સુધી રોપાની કાળજી
લેશે જેથી થોડા મોટા રોપા હોય તો ત્રણ વર્ષ દરમિયાન તેઓ વૃક્ષ બની જાય અને તે પછી
કાળજી લેવાની જરૃરિયાત ન રહે તે માટે મોટા રોપા ઉછેરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો
છે.