OFFBEAT : ગુજરાતમાં પોલીસનો ડર માત્ર લોકોને, નેતાપુત્રો બેફામ, ખેલ સહાયકોની ભરતીમાં સરકારને આંખે પાણી

ગુજરાતના રાજકારણ, શહેરો અને ગામડાઓની ક્રાઇમની ઘટનાઓ, પંચાયતથી લઇને વિધાનસભા સુધીની ખાસ માહિતી, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નોની વાચા, કૌભાંડ અને કૌભાંડીઓનો પર્દાફાશ, રાજનેતા અને સરકારી બાબુઓના અંદરની વાત…. આવી તમામ મોટી ખબરો દર સોમવારે ‘ઑફબિટ’માં વાંચો.
1. ગુજરાતમાં પોલીસનો ડર માત્ર લોકોને, નેતાપુત્રો બેફામ
156ની તાકાત સાથે સત્તામાં આવેલા ભાજપના શાસનમાં લોકોની પરેશાની વધી રહી છે. પોલીસનો ડર જતો રહ્યો હોય તેમ ખુલ્લેઆમ ગેરકાયદે પ્રવૃત્તિઓ થઇ રહી છે. તાજેતરમાં ભાજપના એક નેતા અને સુરતના કોર્પોરેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ એ લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોર પર ફાયરીંગ કર્યું હતું. જો કે મિસ ફાયર થતાં દુર્ઘટના અટકી ગઇ છે. આ અગાઉ સત્તાના નશામાં ભાજપના નેતા કુસુમ પંડયાનો પુત્ર હર્ષિલ જામનગરમાં બેફામ બન્યો હતો. તેણે જામનગરમાં વેપારીને માર મારી ધમકી આપી હતી. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પણ વેપારીને માર માર્યો હતો. શું ગુજરાતની પોલીસ ભાજપના નેતાઓના ખિસ્સામાં છે તેવો સવાલ થઇ રહ્યો છે. કાયદો હાથમાં લઇ રહેલા નેતાપુત્રો સામે સરકાર, સંગઠન અને પોલીસ ચૂપ છે.
2. ગૃહમાં નિખિલ ભટ્ટનું ચોથું એક્સટેન્શન ઘોંચમાં
ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખીલ ભટ્ટનું ચોથું એક્સટેન્શન ઘોંચમાં પડયું છે. તેમનું છેલ્લું એક્સટેન્શન જુલાઇ મહિનામાં પૂર્ણ થયા બાદ તેમની ખાલી પડેલી જગ્યાનો વધારાનો હવાલો કોઇને સોંપવામાં આવ્યો નથી, પરિણામે આ જગ્યાની કામગીરી ઠપ્પ થઇ ચૂકી છે. ઉપરની વગ લગાડીને તેમણે એક્સટેન્શન મેળવવાના ખૂબ પ્રયાસ કરી જોયાં છે છતાં ફાઇલ પર સહી થતી નથી. ગૃહ વિભાગમાં આ જગ્યા ખૂબ સેન્સેટીવ માનવામાં આવે છે, કેમ કે રાજ્યમાં આઇપીએસ અધિકારીની બદલીઓ કે પ્રમોશનના ઓર્ડરમાં તેમનું નામ હોય છે. આ હોદ્દામાં અપીલના કેસો પણ ચાલે છે. નિખિલ ભટ્ટ પોતાનો કમાન્ડ રાખવા મથામણ કરી રહ્યા છે પણ સરકારે કોઈ જ નિર્ણય કર્યો નથી.
3. દારૂબંધીનો કાયદોઃ ભાજપ નેતાને ગોળ, બીજાને ખોળ
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો પણ વિચિત્ર છે. એકને ગોળ આપે છે તો બીજાને થોળ આપે છે. ભાજપના નેતા દારૂમાં પકડાય તો તેમને પળવારમાં જામીન મળે છે અને કોંગ્રેસના નેતા આવા જ પરાક્રમમાં પકડાય તો તેમને રિમાન્ડ પર લેવાય છે. સુરતના બારડોલીના ભાજપના નેતા કૌશલ પટેલ દારૂ પીને રોફ જમાવતા હતા. પાણીપુરીની રેકડી ચલાવતી મહિલાને જાહેરમાં ધમકી આપતા હતા. પોલીસે તેમની ધરપકડ કરી અને તુરત જ તેઓ જામીન પર છૂટી ગયા. બીજા કિસ્સામાં કોંગ્રેસના આણંદના આંકલાવના શહેર પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારના ધરમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિમાન્ડ પર લઇને તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી. ભ્રષ્ટાચારમાં રત રહેનારી ગુજરાત પોલીસના આ બેવડા વલણે લોકોમાં નારાજગી અને જાતભાતની ચર્ચાઓ ઊભી કરી છે.
4. ટેક્સ કમિશનરેટ પહેલીવાર IRS ઓફિસરોના હાથમાં
ગુજરાત સરકારના નાણાં વિભાગની મહત્વની કડી એવી સ્ટેટ કોમર્શિયલ ટેક્સ કમિશનરની કચેરીમાં પહેલીવાર રાજ્યના કોઇ આઇએએસ અધિકારી જોવા મળતા નથી. ભારત સરકારમાંથી પ્રતિનિયુક્તિથી આવેલા ભારતીય રેવન્યૂ સર્વિસ (આઇઆરએસ) ના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ગયા ફેબુ્રઆરી મહિનામાં ગુજરાત કેડરના સનદી અધિકારી મિલિંદ તોરવણેને ખસેડીને આઇઆરએસ અધિકારી સમીર વકીલને ચીફ બનાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, થોડાં સમય પહેલાં અન્ય બે અધિકારીઓને ટેક્સ કમિશનરેટની કચેરીમાં નિમણૂક આપવામાં આવી છે તે પણ આઇઆરએસ કેડરના અધિકારીઓ છે. સચિવાલયના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિયુક્તિ મુદ્દે રાજ્યના સનદી અધિકારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. કેટલાક અધિકારીઓ ઇચ્છે છે કે રાજ્ય સરકારે ટેક્સ કમિશનરેટમાં ગુજરાત કેડરના આઇએએસ અધિકારીને મૂકવા જોઇએ. જો કે હાઇકમાન્ડનો નિર્ણય હોવાથી રાજ્ય સરકાર આ નિયુક્તિમાં કોઇપણ જાતનો ચંચુપાત કરી શકે તેમ નથી.
5. અમદાવાદ અને સુરતના કૂતરાં વધુ હડકાયાં છે
ગુજરાતમાં કુતરાં કરડવાની ઘટના હવે તો અદાલતના આંગણે આવી ચૂકી છે. છેલ્લા એક વર્ષમાં રખડતાં કુતરાંનો એટલો બધો આતંક વઘ્યો છે કે સામાન્ય નાગરિકો ત્રાહિમામ પોકારી ગયાં છે. કુતરાં કરડવાના સૌથી વધુ કિસ્સા અમદાવાદ અને સુરતમાં જોવા મળ્યાં છે. એનો મતલબ એ થયો કે આ બન્ને શહેરોમાં કુતરાંનો વસતી વિસ્ફોટ થયો છે. ૨૦૨૨-૨૩ના વર્ષમાં અમદાવાદ શહેરમાં 60630 અને સુરતમાં 20609 લોકોને કુતરાં કરડયાં છે. આ બન્ને શહેરો સાથે જામનગરમાં 11326, વડોદરામાં 7166, જૂનાગઢમાં 6108, ગાંધીનગરમાં 5222, રાજકોટમાં 3962 અને ભાવનગરમાં માત્ર 76 ઘટનાઓ બની છે. રાજ્યના આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો પૈકી ભાવનગરના કુતરાં શાંત લાગી રહ્યાં છે, કેમ કે આ શહેરમાં કુતરાં કરડવાની કેસ ખૂબ ઓછાં છે. રાજ્યના 33 જિલ્લા પૈકી સૌથી વધુ 27605 કેસ આણંદ અને 24333 કેસ ખેડામાં જોવા મળ્યાં છે. આ તો સરકારી આંકડા છે પરંતુ હકીકતમાં કેટલા લોકોને કુતરાં કરડતાં હશે તેનો સાચો આંકડો ક્યાં પહોંચ્યો હશે તે કહેવું મુશ્કેલ છે.
6. ખેલ સહાયકોની ભરતીમાં આંખે પાણી આવી રહ્યાં છે
ગુજરાતની સ્કૂલોમાં ખેલ સહાયકની ભરતી કરવામાં આવી રહી છે પરંતુ ત્રણ ત્રણ વખત પરીક્ષા પાછી ઠેલવામાં આવી રહી છે. આવું થવાનું કારણ એ છે કે ભરતી માટેના જે નિયમોમાં ઉમેદવારો ફીટ બેસતા નથી. બીજી તરફ ઉમેદવારો ઓછો રસ બતાવી રહ્યાં છે. રાજ્યની 5075 સ્કૂલોમાં ભરતી કરવા માટે પહેલાં જાહેરાત બહાર પાડી હતી પરંતુ પુરતા ઉમેદવારો નહીં મળતાં પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. ત્યારબાદ લાયકાતમાં યૌગિક આર્ટની ડીગ્રીનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને ઉમેદવારોની વયમર્યાદા 35 થી વધારીને 37 વર્ષની કરવામાં આવી હતી તેમ છતાં પુરતા ઉમેદવારો મળ્યા ન હતા. જાણકારો માને છે કે, કરાર આધારિત જગ્યાઓમાં સરકાર અધધ કામ કરાવતી હોવાથી અને ખાસ તો લાયકાત સિવાયના કામ વધારે કરાવતી હોવાથી ઉમેદવારો હવે આવી જગ્યાઓમાં ઉમેદવારી કરવાનું ટાળી રહ્યા છે.
7. ફ્લોપ ”ક્વિન” ને રાજનીતિમાં કોની કૃપાદ્રષ્ટિ જોઇએ છે?
રાજકારણમાં આવીને ચૂંટણી લડવા તૈયાર થયેલી બોલીવુડની”ક્વિન” કંગના રનૌતને કોની કૃપાદ્રષ્ટિ જોઇએ છે તે સમજી શકાય તેવું છે, કેમ કે મહારાષ્ટ્રમાં જ્યારે અઘાડી સરકાર શાસનમાં હતી ત્યારે છૂપી રીતે ભાજપના નેતાઓએ તેણીને સરકાર વિરૂદ્ધના ભાષણો કરવાનું કહ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રમાં અત્યારે ભાજપ પ્રેરિત સરકારનું શાસન છે. આ સરકારની કાર્યપદ્ધતિ અંગે કંગનાનું મૌન ઘણાં બઘાં સંકેત આપી જાય છે. આ અભિનેત્રીના દિમાગમાં નેતા બનવાના લહુ ફુટી રહ્યાં છે તેથી તેણે તાજેતરમાં દ્વારકામાં કહી દીધું કે ‘ભગવાન શ્રીકૃષ્ણની કૃપાદ્રષ્ટિ હશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ.’ આ ફ્લોપ ક્વિન કંગનાની રાજનીતિમાં એન્ટ્રી કેવી હશે અને કોના દ્વારા થશે તેના પર મદાર છે.
8. દિલ્હી સ્ટાઈલના ગેંગ રેપથી પોલીસ આઘાતમાં
અમદાવાદના શીલજમાં બનેલી ગેંગરેપ અને લૂંટની ઘટનાએ પોલીસને ચોંકાવી દીધી છે. આ ઘટનામાં સીક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પાંચ પરપ્રાંતિય યુવકે ફ્લેટમાં ઘૂસી જઈને યુવતી પર ગેંગરેપ કર્યો હતો અને પછી 40000 રૂપિયાની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમી આપતાં બનાસકાંઠા એલસીબીએ પાંચેયને પાલનપુર પાસેથી ઝડપી લીધા પણ પોલીસને લાગે છે કે, ગુજરાતમાં આવી દિલ્હી સ્ટાઈલની ઘટના બને એ ખતરનાક સંકેત છે. ગુજરાતની ગણના સ્ત્રીઓ માટે સૌથી સલામત રાજ્ય તરીકે થાય છે પણ આ ઘટના આ છાપ સામે સવાલ ઉભી કરનારી છે. પોલીસને લાગે છે કે, આવી ઘટના ફરી ના બને એટલા માટે પોલીસ અને પ્રજા બંનેએ સતર્ક થવાની જરૂર છે.
9. બોલો, એક બસ સ્ટેન્ડનું છ વાર ભૂમિપૂજન !
એક જ બસ સ્ટેન્ડનું પાંચ વાર ભૂમિપૂજન કરાય ને છતાં તેનું બાંધકામ પૂરું જ ના થાય એવું ક્યાંય જોયું છે ? ગુજરાતના જૈન તીર્થધામ શંખેશ્વરમાં એવું જ બન્યું છે. હમણાં શંખેશ્વર બસ સ્ટેન્ડનું રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ભૂમિપૂજન કર્યું. આ સાથે ૨૦૦૪થી અત્યાર સુધીમાં શંખેશ્વર બસ સ્ટેન્ડનું છઠ્ઠી વારભૂમિપૂજન અને ખાત મુહુર્ત થયું છે. ૨૦૦૪માં નગરપાલિકાએ દબાણ હટાવવાની ઝુંબેશમાં બસ સ્ટેન્ડ પણ તોડી પાડયું પછી તરત યાત્રાધામ વિકાસ મંત્રી જયનારાયણ વ્યાસે નવા બસ સ્ટેન્ડનું ભૂમિપૂજન કર્યું હતું. એ પછી સાંસદ મહેશ કનોડિયા, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ચાણસ્માના ધારાસભ્ય દિલીપ ઠાકોર, ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ ભૂમિપજન કર્યું હતું. પાંચ વારનાં ભૂમિપૂજન પછી પણ બસ સ્ટેન્ડ તો ના જ બન્યું. હવે સંઘવીના નસીબમાં જશ છે કે નહીં એ જોઈએ.
10. ગુજરાતમાં મતદારો વધવાના બદલે ઘટયા કેમ ?
ચૂંટણી પંચની યાદી પ્રમાણે, ગુજરાતમાં એક વર્ષમાં 3.30 લાખ મતદારો ઘટયા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે રાજ્યમાં 4.91 કરોડ મતદારો હતા જે ઘટીને 4.88 કરોડ થઈ ગયા છે. આ પૈકી ૯૨ હજાર સુરતમાં જ્યારે અમદાવાદમાં 64000 મતદારો ઓછા થયા છે. આ ઘટાડાનું કારણ શું? અધિકારીઓનું કહેવું છે કે, ગુજરાતમાં ધંધા-રોજગાર કરતા ભ્રષ્ટાચાર વઘ્યો છે. યુપી અને બિહારના મજૂરોએ વતનની વાટ પકડી છે અને યુપીમાં તેમને વધારે સારી રોજગારી મળી રહી છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ અને પ્લેસમેન્ટમાં પણ કોઈ નક્કર નીતિઓ ન હોવાથી ગુજરાતમાંથી વિદેશ સ્થાયી થવાનું પ્રમાણ વધારે છે તેથી પણ મતદારો ઘટયા છે.