વડોદરા: બાઈક પાડી નાખવાના મુદ્દે માતા પુત્ર પર હુમલો

Updated: Nov 6th, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 06 નવેમ્બર 2023, સોમવાર
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામે દિવાન પરિવારની ભેંસે બાઈક પાડી દેતા બાઈકના માલિકે આ અંગે કહ્યું હતું. તેથી ઉશ્કેરાયેલા દિવાન પરિવારે ઝપાઝપી તેમજ લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગત મુજબ કરજણ તાલુકાના ગંધારા ગામના કુવાવાળા ફળિયામાં રહેતા 34 વર્ષના કલ્પેશ હસમુખ પરમાર દરબારે કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ખેતીનો વ્યવસાય કરે છે. ગતા સવારે 8 વાગ્યે તેઓ પોતાના ઘરે હતા ત્યારે ગામમાં રહેતા જેતુનબેન મકબુલશા દિવાન પોતાની ભેંસો લઈને કલ્પેશના ઘર પાસેથી જઈ રહ્યા હતા. એક ભેંસે કલ્પેશ ની બાઈકને ધક્કો મારી નીચે પાડી દેતા કલ્પેશે જેતુનબેનને આ અંગે કહ્યું હતું. તે બાબતે ઝઘડો થતાં જેતુનબેનની દીકરી મયુદ્દીન, મુસ્કાન અને પતિ મકબુલશા દોડી આવ્યા હતા. અને ઝપાઝપી કરી હતી. જ્યારે છોડાવવા માટે કલ્પેશના માતા ગીતાબેન વચ્ચે પડતા મયુદ્દીને લાકડી વડે ગીતાબેનને માર માર્યો હતો અને ચારેય ભેગા મળી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.