ગુજરાતમાં દિવાળીના દિવસોમાં ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડી અનુભવાશે, ડિસેમ્બરમાં ઠંડી વધશે

ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે
Updated: Nov 6th, 2023
અમદાવાદઃ (Gujarat) ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન થવામાં છે. આગામી શનિવારથી દિવાળીના તહેવારો વખતે જ ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે.(Cold wave) હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ૧૧ નવેમ્બરથી લઘુતમ તાપમાનનો પારો ૧૮ ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.નવેમ્બર મહિનાના અંત સુધીમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી સુધી જઇ શકે છે.નવેમ્બરમાં અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી લઘુતમ તાપમાનનો પારો કમસેકમ એકવાર ૧૫ ડિગ્રીથી નીચે ગયો છે. ૧૧ નવેમ્બર ૨૦૧૨ના અમદાવાદમાં ૧૧.૩ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી
હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે તથા વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. હાલમાં રાત્રે 20 ડિગ્રી, જ્યારે કે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહિ અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી વધશે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડીનું વાતાવરણ રહેશે.
નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે ત્યાર બાદ ગુજરાતમાં ઠંડી શરુ થશે જેથી આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે.