વડોદરા : પોલિટેકનિકમાં નિયત હાજરી નહીં હોવા છતાં માનીતા વિદ્યાર્થીઓની માત્ર 65 ટકા હાજરી હોવા છતાં પરીક્ષા માટે મંજૂરી આપ્યાના આક્ષેપ

Updated: Nov 3rd, 2023
વડોદરા,તા.3 નવેમ્બર 2023,શુક્રવાર
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતપોતાના પ્રશ્નો બાબતે જુદી જુદી ફેકલ્ટીઓ અવારનવાર વિવાદમાં આવે છે. જુદી જુદી ફેકલ્ટીઓમાં નજીવા પ્રશ્નો બાબતે વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર અને આંદોલનનો માર્ગ અપનાવતા હોય છે. આવી જ રીતે મ.સ.યુનિ.માં વિદ્યાર્થીઓને પોતપોતાની ફેકલ્ટીના ક્લાસમાં 80 ટકા હાજરી પરીક્ષા માટે ફરજિયાત છે છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ હાજરી ઓછી હોવા છતાં તંત્ર સાથે ટસલમાં ઉતરીને યુની. સત્તાધીશો સમક્ષ પોતાની મનમાની કરાવવા પર ઉતરી આવ્યાના આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં હાલ પોલિટેકનિક કોલેજ ખાતે કેટલાક માનીતા વિદ્યાર્થીઓને 65 ટકા હાજરી હોવા છતાં પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આવા જ અન્ય કેટલાક વિદ્યાર્થીઓને બારોબાર એટીકેટી આપી દીધી હોવાના આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એને સિવાયના કેટલાક વિદ્યાર્થી નેતાઓ સહિત કાર્યકરોએ પોલિટેકનિક કોલેજ ગજાવી મૂકી હતી જેમાં “સરમુખત્યારશાહી નહીં ચલેગી હાય.. મેનેજમેન્ટ હાય.. હાય..” તથા વિદ્યાર્થીઓને “ન્યાય આપો” જેવા સૂત્રોચાર NSUI દ્વારા કરવામાં આવ્યા હતા.
એનએસયુઆઇ નેતાઓનો આક્ષેપ છે કે કેટલાક માનિતા વિદ્યાર્થીઓને 65 ટકા હાજરી હોવા છતાં પરીક્ષાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે યુનિનો કાયદો છે કે વિદ્યાર્થીઓની હાજરી 80 ટકા જરૂરી છે. ભારે સુત્રો ચાર બાદ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ સહિત અન્ય વિદ્યાર્થીઓ પોલિટેકનિકના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.