જામનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા ટેક્સનો બાકી વેરો વસૂલવા માટે મોબાઇલ ટેક્સ વેન ફેરવીને કડક કાર્યવાહી

Updated: Nov 3rd, 2023
– શહેરમાં મોબાઇલ ટેક્સ વેન ફેરવીને કાર્યવાહી: વેરો નહિ ભરનારાની મિલકત પણ સીલ કરાશે
જામનગર,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા આજથી બાકીદારો પાસેથી મિલકત વેરો વસૂલવા માટેની કડક ઝુંબેશ હાથ ધરવાના ભાગરૂપે જુદી જુદી ટીમો બનાવી છે, અને અલગ અલગ ટુકડીઓ દ્વારા વેરા વસુલાલની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત બાકી વેરો વસૂલવા માટે લોકોને ધક્કા ખાવા ન પડે, તે માટે મોબાઈલ ટેક્સ વેન ને પણ દોડાવવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં વસવાટ કરતા નાગરિકોને મહાનગરપાલિકાની કચેરી સુધી ધક્કા ખાવા ન પડે તે માટે ઓનલાઈન ઉપરાંત મોબાઇલ ટેક્સ વેન પણ દોડાવવામાં આવી રહી છે. અને લોકોના દ્વારે પહોંચી જઈ મહાનગરપાલિકાની ટીમ બાકી રહેતો વેરો વસૂલ કરવા માટે કવાયત કરી રહી છે.
કેટલાક બાકીદારો કે જેઓ લાંબા સમયથીવેરો ભરતા નથી તેમની પણ અલગથી યાદી તૈયાર કરવામાં આવી છે, અને આવા મિલકત ધારકો જો વેરો ન ભરે તો તેઓની મિલકતને સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.