અમરેલીમાં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો, રાજ્યમાં 24 કલાકમાં પાંચ મોત

છેલ્લા 24 કલાકમાં હાર્ટ અટેકથી સુરતમાં ત્રણ તો ભાવનગર અને વડોદરામા એકનું મોત થયું છે
Updated: Nov 3rd, 2023
અમદાવાદઃ (Gujarat)ગુજરાતમાં હાર્ટ એટેકને લઈને લોકોમાં ભય પ્રસર્યો છે. યુવાન અને આધેડ બાદ હવે નાના બાળકો પણ હાર્ટ એટેક આવતાં મોતને ભેટી રહ્યાં છે. રાજ્યમાં હવે રોજ બે ત્રણ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. (Heart Attack)ગઈકાલે અંકલેશ્વરમાં 10 વર્ષની એક બાળકીનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે આજે અમરેલીમાં એક વિદ્યાર્થીનીનું હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું છે.(Five death in 24 hour) વિદ્યાર્થીની સ્કૂલમાં પેપર લખતાં લખતાં અચાનક ઢળી પડી હતી.
નવમા ભણતી એક વિદ્યાર્થીની સ્કૂલમાં ઢળી પડી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીની શાંતાબા ગજેરા સ્કૂલમાં નવમા ભણતી એક વિદ્યાર્થીની સ્કૂલમાં પરીક્ષાનું પેપર લખી રહી હતી. તે પેપર લખતાં અચાનક ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તારણમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મોતનું સ્પષ્ટ કારણ પીએમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.
છેલ્લા 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એેટેકથી મોત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ અટેકથી સુરતમાં ત્રણ તો ભાવનગર અને વડોદરામા એકનું મોત થયું છે.સુરતના કતારગામ વિસ્તારમાં શેર બજારનું કામ કરતા 48 વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક આવતા તેઓ બાથરૂમમાં ઢળી પડ્યાં હતા. તે ઉપરાંત ટેલરિંગનું કામ કરતા વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો.ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું હાર્ટ અટેક થી મોત થયું છે.વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા 46 વર્ષિય અમિત પ્રવીણચંદ્ર દેસાઈનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.