Sardar Patel Jayanti : સૌરાષ્ટ્રના 222 રજવાડાનાં વિલીનીકરણનો રોમાંચક ઈતિહાસ

0

જ્યારે સરદાર પટેલે જામનગરના રાજવીની રાજપ્રમુખ તરીકે શપથવિધિ કરાવી

રાજકોટમાં આઝાદી પૂર્વેનાં ઐતિહાસિક સત્યાગ્રહની ઘટનાઓ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રસંગોને સાંકળી વિરલ પ્રદર્શની

Updated: Oct 31st, 2023

31મી ઓકટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી. દેશના નાયબ વડાપ્રધાન  એવા સરદાર સાહેબનો આઝાદીની ચળવળ દરમિયાન મહત્વનો ફાળો રહ્યો છે. એ સમયે સૌરાષ્ટ્રનાં 222 રજવાડાઓને ભેગા કરી સૌરાષ્ટ્ર રાજયની સ્થાપના કરવામાં પણ સરદાર પટેલની ભૂમિકા ચાવીરૂપ રહી છે. 15 ઓગષ્ટ 1947નાં આઝાદી મળ્યા બાદ તા.22.1.1949માં રાજકોટમાં સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજય રચવા માટે કરારપત્ર ઉપર સહી કરવામાં આવી હતી. આ રાજયનાં સૌ પ્રથમ રાજપ્રમુખ જામનગરનાં મહારાજ દિગ્વિજયસિંહજી હતાં અને પ્રથમ મુખ્યપ્રધાન ઉછરંગરાય ઢેબરની નિમણુંક કરવામાં આવી હતી. નવા રાજયની શપથવિધિના સમારોહમાં રાજપ્રમુખ તરીકે જામનગરનાં મહારાજા દિગ્વિજયસિંહજીને શપથ સરદાર વલ્લભભાઈ પટેલે લેવડાવ્યા હતાં.

સરદાર સાહેબનાં જીવન આધારીત દુર્લભ સંસ્મરણો

રાજકોટમાં કિશાનપરા ચોકમાં આવેલા સરદાર સ્મારક ભવનમાં સરદાર સાહેબનાં જીવન આધારીત દુર્લભ સંસ્મરણોની 225થી વધુ ફોટામાં વિશાળ પ્રદર્શની જે સાચવવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર રાજયની સ્થાપના સમયની તસવીરોમાં સરદાર પટેલ અનેક સ્થળે જોવા મળે છે. સૌરાષ્ટ્ર સ્ટેટની રચના થયા બાદ તેનું પ્રથમ સચિવાલય જૂનાગઢ હાઉસ (સરકીટ હાઉસ)માં શરૂ કરાયું હતું. ત્યાં નાના ઓરડામાં પ્રધાનો અને મોટા ઓરડામાં સચિવોનાં કાર્યાલયો શરૂ થયા હતાં. કેટલીક ઓફિસો જૂદા જૂદા રાજયનાં ઉતારામાં શરૂ કરાઈ હતી. પછીથી સચિવાલય સિવિલ હોસ્પિટલનાં નવા બંધાયેલા સમયમાં શરૂ કરાયું હતું. સૌરાષ્ટ્ર રાજયની સ્વતંત્ર હાઈકોર્ટ રાજકોટમાં શરૂ થઈ હતી. સૌરાષ્ટ્રની બંધારણસભા અહી આજે અરવિંદ મણિયાર હોલ તરીકે ઓળખાતા એ સમયનાં કોનોટ હોલમાં શરૂ થઈ હતી. સૌરાષ્ટ્રમાં જાહેર સેવા પંચ પણ રાજકોટમાં જ મુખ્ય કચેરી ધરાવતુ હતું. સૌરાષ્ટ્ર રાજયનાં વિવિધ વિભાગો રાજકોટમાં કાર્યરત હતાં. સૌરાષ્ટ્ર સ્ટેટની રચના થઈ ત્યારે મધ્ય સૌરાષ્ટ્ર તરીકે જે જિલ્લો ઓળખાતો હતો તેમાં રાજકોટ, પડધરી, ગોડલ, મોરબી, વાંકાનેરનો સમાવેશ કરી રાજકોટ જિલ્લા તરીકેનું નામાભિધાન કરાયું હતું.

સરદાર સાહેબના પત્રોના અનેક વોલ્યુમ અહી પુસ્તકસ્વરૂપે સચવાયા છે

રાજાશાહી સમયકાળ દરમિયાન સ્વતંત્રતાની લડતમાં સરદાર સાહેબની જે ભૂમિકા રહી છે તેમાં જૂનાગઢમાં આરઝી હકૂમત, લીંબડી સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ, સોમનાથ મંદિર પુનઃનિર્માણ કાર્ય સહિતની અનેક બાબતોનો સમાવેશ થાય છે. આ ઐતિહાસિક પ્રસંગોને સાંકળતી તસવીરો અહીનાં સરદાર સમારક ભવનમાં જોવા મળે છે. રાજાશાહી સમયકાળની ગૌરવવંતી ક્ષણો અને સત્યાગ્રહના વિવિધ પ્રસંગોને સાંકળતી પ્રદર્શની સાથે સરદાર સાહેબના પત્રોના અનેક વોલ્યુમ અહી પુસ્તકસ્વરૂપે સચવાયા છે. 

સૌરાષ્ટ્ર રાજયની સ્વતંત્ર રચના થયા બાદ રાજપ્રમુખ તરીકે જામનગરનાં મહારાજ દિગ્વિજયસિંહજીને સરદાર વલ્લભભાઈ પટેલે શપથ લેવડાવ્યા હતાં તે પ્રસંગની સાક્ષીરૂપ તસવીર.

સરદાર પટલનાં જીવન આધારિત વધુ એક નજરાણું

આ ભવનને ડિજિટલ ટેકનોલોજી સાથે આધુનિક બનાવવાનું આયોજન દર્શાવતા ભવનના ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદી જણાવે છે કે આગામી દિવસો સરદાર સાહેબની ડોક્યુમેન્ટરી અથવા તો લાઈટ એન્ડ સાઉન્ડ શો અહી લોકોને જોવા મળે તેવું આયોજન વિચારવામાં આવ્યું છે, જે કામ નિર્વિઘ્ને પુરૂ થશે તો રાજકોટ શહેરની જનતાને સરદાર પટેલનાં જીવન આધારિત વધુ એક નજરાણું જોવા મળશે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW