વડોદરામાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીનો પ્રશ્ન હલ કરવા રૂ.1.69 કરોડનો ખર્ચ કરશે

Updated: Oct 31st, 2023
વડોદરા,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર
વડોદરાનો વિસ્તાર વ્યાપ ચારેય દિશામાં વધવા માંડ્યો છે ત્યારે શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં વૈકુંઠ સોસાયટી થી પરિવાર ચાર રસ્તા સુધી વરસાદી પાણીની કાયમી સમસ્યાના ઉકેલના ભાગરૂપે નવી વરસાદી ગટર લાઈન નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે નિયત ભાવ રૂ.1.99 કરોડથી વધુનો ખર્ચ નક્કી કરાયો હતો પરંતુ આવેલા ટેંડરો મુજબ 15.35 ટકા ઓછા ભાવનું આવેલું ટેન્ડર મંજૂરી અંગે આગામી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ ઝોન વિસ્તારના વિકસિત વૈકુંઠ સોસાયટીથી પરિવાર ચાર રસ્તા સુધી ચોમાસાની ઋતુમાં ઘેર ઘેર વરસાદી પાણી ભરાયા કરે છે જેથી આ વિસ્તારમાં નવી વરસાદી ગટર લાઈન નાખવા અંગે રૂપિયા 1,99,85,838 નો ખર્ચ અંદાજ આવ્યો હતો આ અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મેં ભાવીન એન્ટરપ્રાઇઝનું ટેન્ડર નિયત ભાવથી 15.35 ટકા ઓછા ભાવનું રૂપિયા 1,69,18,300 નું આવ્યું હતું. આ ટેન્ડર મંજૂર કરવા અંગે આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરાશે.