સુખપુર ગામના બસ સ્ટોપમાં ટ્રેકટર ઘુસી ગયું; મહિલાનું મોત, બાળક ઘાયલ

Updated: Oct 28th, 2023
સોમનાથ-જેતપુર હાઈવે પર વિચિત્ર અકસ્માત
સાવરકુંડલાનાં ચરખડીયા રોડ પર ફોન આવતા સાઈડમાં ઉભેલા બાઈક ચાલક આધેડને કચડીને કાર ચાલક નાસી છૂટયો, પોલીસ દ્વારા શોધખોળ
ગડુ, અમરેલી: ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં આજે બે વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિનો ભોગ લેવાયો હતો. જેમાં એક સ્થળે બસ સ્ટોપમાં ટ્રેકટર ઘુસી જતાં મહિલાનું મોત થયું હતું અને બાળકને ઈજા પહોંચી હતી. બીજા બનાવમાં ફોનમાં વાત કરતા આધેડને કચડીને કારચાલક નાસી છૂટયો હતો.
પ્રથમ બનાવમાં સોમનાથ-જેતપુર નેશનલ હાઈવે પર શાંતિપરા પાટીયા પાસે આવેલા સુખપુર ગામનાં બસ સ્ટોપમાં છેલ્લા કેટલાક સમયથી રાજુલા તરફનો શ્રમિક પરિવાર રહેવા લાગ્યો હતો. આ દરમિયાન ગત મધરાત્રે સાડા ત્રણેક વાગ્યાનાં અરસામાં શ્રમિક પરિવાર ત્યાં સુતો હતો ત્યારે એકાએક બેકાબુ બનીને ઘસી આવેલું ડબલ ટ્રોલી અને આગળ લોડર જોડેલું વિચિત્ર ટ્રેકટર ધડાકાભેર અથડાયું હતું.
આ અકસ્માતમાં બસ સ્ટોપમાં સુતેલી એક શ્રમિક મહિલાને ગંભીર ઈજા થતાં મોન નિપજયંે હતું અને બાજુમાં સુતેલા બાળકને પગમાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડીને ચોરવાડ પોલીસને જાણ કરાઈ હતી. જેથી ચોરવાડ પોલીસ દોડી આવી હતી, પણ પ્રભાસપાટણ પોલીસની હદ હોવાથી ત્યાં તપાસ સોંપી દેવામાં આવી હતી. જોકે મોડી સાંજ સુધી પોલીસને મૃતક મહિલા કે ઈજાગ્રસ્ત બાળકનાં નામ-ઠામ મળી શકયા નહોતા.
બીજા બનાવમાં સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામના બદકૂભાઈ કનુભાઈ લાલુ (ઉ.વ.૪૭) મોટર સાયકલ લઈને ચરખડીયાથી સાવરકુંડલા આવતા હતા, તે દરમ્યાન કોઈકનો ફોન આવતા રોડની સાઈડમાં ઉભા રહ્યા હતા. જે દરમ્યાન માકૂતી સુઝુકી રીટઝ કાર રજી. નં. જીજે-૦૧-કેકયુ-૭૯૦૭ના ચાલકે પુરઝડપે આવીને બદકૂભાઈ લાલુ મોટરસાયકલ લઈને ઉભા હતા, તેની સાથે ભટકાડી દેતા ગંભીર ઈજા થવાથી તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત થયું હતું. જયારે કાર ચાલક અકસ્માત કરી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ સાવરકુંડલા પોલીસમાં થતા કાર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.