વડોદરામાં કાલે બેઠા ગરબા સ્પર્ધાનું આયોજન

Updated: Oct 28th, 2023
– 17 ટુકડી વચ્ચે સ્પર્ધા થશે
વડોદરા,તા.28 ઓક્ટોબર 2023,શનિવાર
અખિલ ભારતીય નાગર પરિષદની વડોદરા શાખા દ્વારા તારીખ 29 ના રોજ બેઠા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. આ ગરબા સ્પર્ધામાં 17 ટુકડી ભાગ લેવાની છે. જે વડોદરા ઉપરાંત અમદાવાદ, ભાવનગર, ભરૂચ વગેરે શહેરમાંથી આવવાની છે. આ પરિષદ દ્વારા સતત ત્રીજા વર્ષે બેઠા સ્પર્ધાનું આયોજન કરાયું છે. નાગર સમુદાય દ્વારા વર્ષોથી પરંપરા અનુસાર બેઠા ગરબા કરવામાં આવે છે. બેઠા ગરબામાં માતાજીની આરાધના ઘરે બેસીને તાળી વગાડીને કરવામાં આવે છે. ગરબા સ્પર્ધામાં બાર વર્ષથી ઉપરના સાત થી નવ નાગર મહિલા અથવા પુરુષ ભાગ લે છે. જેણે માતાજીનો ગરબો 10 મિનિટમાં પૂર્ણ કરવાનો હોય છે. બેઠા બેઠા ગરબા ગાવા દરમિયાન માંડવડી, ફરતો ગરબો અને દીવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે, અને વધુમાં વધુ ત્રણ વાદક હોય છે. જે હાર્મોનિયમ, તબલા અને મંજીરા વગાડે છે. જ્યારે સ્પર્ધાના નિરીક્ષકો સંગીત અને ગરબાના જાણકાર હોય તેને રાખવામાં આવે છે. આ કોમન સ્પર્ધામાં ટુકડીનું ડ્રેસીંગ, તાલ, સુર અને તાળીના લયને ધ્યાનમાં રાખીને વિજેતા ટુકડી નક્કી કરવામાં આવે છે. સ્પર્ધા બપોરે 3:00 વાગે સમા સાવલી રોડ સ્થિત ઊર્મિ સ્કૂલ ખાતે રાખવામાં આવી છે, તેમ પરિષદ દ્વારા જણાવાયું છે.