મધ્યપ્રદેશથી પિતા ખેતમજૂરી માટે ધરાર લઇ આવેલા પુત્રનો આપઘાત

Updated: Oct 28th, 2023
ધ્રોલ તાલુકાનાં સોયલ ગામનો કકૂણ બનાવ
રાજુલામાં માનસિક બીમારીથી કંટાળી જઇને મહિલાએ એસીડ પી જિંદગીનો અંત આણ્યો
જામનગર, અમરેલી: ધ્રોળ તાલુકાના સોયલ ગામમાં રહીને ખેતી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાને તેના પિતા મજૂરી કામ અર્થે વતનમાંથી અહીં ધરાર લઇ આવ્યા હોવાના કારણે મનમાં લાગી આવતાં આપઘાત કરી લીધો હતો. જ્યારે રાજુલામાં માનસિક બિમારીથી કંટાળીને મહિલાએ જિંદગી ટૂંકાવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના સોયલ ગામની સીમમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા સરદાર ગિરમસિંહ માવી નામના ૨૦ વર્ષના શ્રમિક યુવાને આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને પોતાના વતનમાંથી અહીં મજૂરી કામ અર્થે આવવું ગમ્યું ન હતું, તેમ છતાં તેના પિતા અહીં લાવ્યા હોવાથી મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હતું.
બીજા બનાવમાં રાજુલાનાં જુની કડીયાળી રોડ વિસ્તારમાં રહેતી ઉષાબેન નિલેશભાઈ વાલસુર (ઉ.વ.૪૦)ને માનસીક બિમારી હોય, જેની દવા ચાલુ હતી. જે માનસીક બીમારીથી કંટાળી જઇ વ્હેલી સવારના સવા ચારથી સાડા ચાર વાગ્યે પોતાના બાથકૂમમાં પડેલી એસીડની બોટલમાંથી પોતાની મેળે પી લેતા સારવાર દરમ્યાન મોત થયું હતું. આ ઘટના ને લઈને પરીવારમાં શોકનો માહોલ છવાયો હતો.