જામનગરમાં મોબાઇલ ફોનની ચોરીનો સિલસિલો યથાવત: શહેરમાંથી વધુ બે મોબાઈલ ફોન ચોરાયા

Updated: Oct 28th, 2023
image: Freepik
– તળાવની પાળે ફરવા આવેલા અમરેલીના એક યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો
– જામનગરના સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે એક એપાર્ટમેન્ટના ચોકીદારના મોબાઈલ ફોનની ઉઠાંતરી
જામનગર,તા.29 ઓક્ટોબર 2023,શનિવાર
જામનગર શહેરમાં મોબાઇલ ફોનની ચોરીની ફરિયાદ નો સિલસિલો યથાવત રહ્યો છે, અને વધુ બે મોબાઇલ ફોન ચોરાયા છે. અમરેલી થી જામનગર ફરવા આવેલા એક યુવાનનો તળાવની પાળેથી મોબાઇલ ફોન ચોરી થઈ ગયો છે, જ્યારે સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે આવેલા એક એપાર્ટમેન્ટના ચોકીદાર નાહવા માટે જતાં પાછળથી તેનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી ગયાનું પોલીસમાં જાહેર થયું છે.
મૂળ અમરેલી જિલ્લાના લાઠી ગામના વતની ઇશાકભાઈ બસીરભાઈ સિદી બાદશાહ જામનગર આવ્યા હતા, અને લાખોટા તળાવના એક નંબરના ગેઇટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન ગીરદીનો લાભ લઈ કોઈ ગઠીયો તેમના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસમાં નોંધાવાઇ છે.
આ ઉપરાંત સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે આવેલા શ્રી હરિ વલ્લભ ટાવર બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે નોકરી કરતા મહેશભાઈ હીરાભાઈ સોમાણી કે જેઓ પોતાનો મોબાઈલ ફોન બહાર રાખીને નાહવા માટે ગયા હતા, જે દરમિયાન પાછળથી તેનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.