web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

ગુજરાતી બાળસાહિત્યમાં ઉમદા પ્રદાન કરનાર હરીશ નાયકનું ૯૭ વર્ષની વયે અવસાન

0

ગુજરાતી બાળસાહિત્યમાં ઉમદા પ્રદાન કરનાર હરીશભાઈ નાયકનું આજે 97 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેઓ ગુજરાત સમાચારના બાળસામયિક ઝગમગના તંત્રી હતા. તેમને બાળકો પ્રત્યે સૌથી વધુ પ્રેમ હતો અને સૌથી વધુ બાળ પુસ્તકોની રચના કરી હતી. તેમણે એક જ વર્ષમાં પાંચ લાખથી વધુ બાળકોને વાર્તા કહેવાનો વિક્રમ સર્જવા ઉપરાંત 500થી વધુ પુસ્તકોનું લેખન કરવાનો શ્રેય પણ તેમના શીરે છે. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં બાળવાર્તા લખતા હતા. તેમણે 75માં જન્મદિવસ પર એક સાથે 75 પુસ્તકનું પ્રકાશન કર્યું હતું. 80માં જન્મદિવસે 80 માતૃકથાઓ આપી અને 90માં વર્ષે 1001 વાર્તાઓ એટલે કે હરિશયન નાઈટ્સ નામે 101 વાર્તાને 10 ગ્રંથમાં રજૂ કર્યો હતો.

હરીશ દાદા એટલે બાળ વાર્તાઓમાં બહુ મોટું નામ

જે વ્યક્તિ ઉંમરના નવ દાયકા વટાવી ચૂકી હોય છતાં પણ જેમની આંખમાં બાળમસ્તી તરવરતી હોય, વર્તનમાં ભોળપણ છલકાતું હોય, ઊઠતા-બેસતા તેમનું મન બાળકોમાં જ પરોવાયેલું હોય, જેનો સૂર્યોદય અને સૂર્યાસ્ત બાળકો જ હોય તેવું વ્યક્તિત્વ એટલે હરીશ નાયક. હરીશ દાદા એટલે બાળ વાર્તાઓમાં બહુ મોટું નામ. જેમણે બાળવાર્તા કહેવાની પરંપરાનો આરંભ કર્યો. 17 વર્ષની ઉંમરથી વાર્તા કહેવાનું શરૂ કર્યું હતું અને 21 વર્ષે પુસ્તકો લખતા થયાં હતા. તેઓ શરૂઆતમાં લખેલા પુસ્તકો અંગે કહેતા હતા કે, ‘મેં ‘કચ્ચું બચ્ચું’, ‘બુદ્ધિ કોન, બાપની’ અને ‘ટાઢનું ઝાડ’ લખ્યા. મને લોકોનો સારો એવો રિસ્પોન્સ મળવા લાગ્યો. બાળવાર્તા કહેતો અને બાળકો ખુશ થઇ જતાં તેમના ચહેરા પર આનંદ જોઇને મને એમાં વધુને વધુ રસ પડતો ગયો, પરિણામે હું ઇન્ટરમાં સાત વખત નાપાસ થયો, કારણ કે મને ભણવામાં કોઇ રસ જ રહ્યો નહોતો. હું તો વાર્તાઓમાં ડૂબવા લાગ્યો હતો અને તેને જ મારું કર્મ બનાવી નાંખ્યું.’

ગુજરાત સમાચાર શરૂ થયું ત્યારથી હરીશદાદા કાર્યરત

ગુજરાત સમાચાર શરૂ થયું ત્યારથી હરીશદાદા કાર્યરત હતા. તેમણે ગુજરાત સમાચાર ઉપરાંત સાંજે બહાર પડતા લોક સમાચારમાં પણ કાર્ય કર્યું. 1952માં જ્યારે ઝગમગ, સિનેમા, શ્રી રંગ અને સ્ત્રી જેવી પૂર્તિનો શરૂ થઈ એમાં પણ પોતાનું પ્રદાન આપ્યું. ગુજરાત સમાચારના અધિષ્ઠાપક તંત્રી સ્વ.શાંતિલાલ શાહ વિશે વાત કરતાં તેઓ કહેતા હતા કે, ‘આજે શાંતિલાલ શેઠ આપણી વચ્ચે નથી પરંતુ તેમની સાથેના કેટલાંક સંસ્મરણો ભૂલાતા ન હતા. તેઓ શેઠ હોવા છતાં હંમેશા અમને પરિવારના સભ્યોનો દરજ્જો આપતા અને બહુ ઉદાર હતા. તેમને સ્ટાફના સભ્યો પર પણ અપાર વિશ્વાસ હતો. અમારું લખાણ ક્યારેય વાંચતા નહીં. હા, છપાઇ ગયા પછી અચૂક વાંચતાં. અમારા સજેશનને તેઓ હંમેશા આવકારતા અને તેને અમલમાં લેવાનું જોખમ પણ ખેડતાં, તેમનું વ્યક્તિત્વ અનોખું હતું.

ઝગમગ સાથે જોડાયેલા હરીશભાઈ નાયકના સંસ્મરણો

‘1952માં બાળકો માટે કોઇ સાહિત્ય બહાર પડતું નહોતું. સૌથી પહેલાં ગુજરાત સમાચાર દ્વારા ઝગમગની શરૂઆત કરવામાં આવી અને એ બાળકોમાં જ નહીં મોટેરાઓમાં પણ લોકપ્રિય થઇ. ત્યારથી આજ સુધી ઝગમગમાં લખતા રહ્યા…

અમેરિકામાં વાર્તાદાદા તરીકે જાણીતા બન્યા

હરીશભાઇએ માત્ર ગુજરાતમાં જ બાળકોને વાર્તાઓ નથી સંભળાવી, જીવનનાં પાછલાં કેટલાંક વર્ષો તેમણે અમેરિકામાં ગાળ્યા હતા અને ત્યાં પણ પ્રવૃત્તમય રહેલા ગુજરાતી પરિવારોનાં બાળકોને વાર્તાઓ સંભળાવવા પહોંચી જતા હતા અને ત્યારથી જ એમનું નામ હરીશદાદાને બદલે વાર્તાદાદા પડી ગયું હતું.

સન્માન

  • નેશનલ કોન્ફરન્સ ઓન ચાઈલ્ડ એજ્યુકેશન, દિલ્હી દ્વારા 40 વર્ષથી વધુ લેખન સાતત્ય, 25 વર્ષથી વધુ વાર્તાકથન સાતત્ય બાદ લોન્ગ એન્ડ્યુરન્સ એવોર્ડ
  • ગિજુભાઈ બધેકા સુવર્ણ ચંદ્રકથી 1990માં સન્માન
  • 1992-93માં એનસીઈઆરટી દિલ્હી ઈનામ એનાયત
  • 2017માં દિલ્હી કેન્દ્રીય એકાદમી એવોર્ડ

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW