વડોદરામાં કાર વેચવા માટે લઈ બારોબાર સગેવગે કરી દેતા એજન્ટ સામે ફરિયાદ

Updated: Oct 20th, 2023
– ગાડી લે વેચનું કામ કરતા એજન્ટ દ્વારા કાર વેચાણ માટે લઈને બારોબાર સગેવગે કરી દીધી હોવાથી કાર માલિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
વડોદરા,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર
વાઘોડિયા રોડ પુનમ કોમ્પલેક્ષ પાસે અંબાલાલ પાર્ક સોસાયટીમાં રહેતો આકાશ જેન્તીભાઈ રાણા કુરિયરમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી પાસે એક કાર હતી જેના પર એચડીએફસી બેન્કની લોન ચાલુ છે નવેમ્બર 2022માં મારે પૈસાની જરૂરિયાત હોય મારી કાર વેચવી હતી. જેથી મેં મારા મિત્ર વિજય તડવીને વાત કરતા તેણે મને મકરપુરા ગજાનંદ કોમ્પલેક્ષમાં આવેલ શિવ ઓટો લિંકના નામથી ગાડી લે વેચનું કામ કરતા દિનેશ કિશનભાઇ સોલંકી રહેવાસી શ્રીજી નગર સોસાયટી અલવા નાકા માંજલપુરની વિગત આપી હતી. જેથી મેં મારી કાર દિનેશ સોલંકીને વેચવા માટે આપી હતી. મારી ગાડી મહિનામાં વેચાઈ જશે તેઓ ભરોસો દિનેશભાઈએ મને આપ્યો હતો, ત્યારબાદ હું વારંવાર દિનેશ સોલંકીને સંપર્ક કરતા ગાડી વેચાય ન હોવાનું જણાવ્યું હતું. જેથી મેં મારી ગાડી પરત આપી દેવાનું કહેતા દિનેશ સોલંકી ગલ્લા તલ્લા કરતો હતો. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે મારી ગાડી મારી જાણ બહાર અન્ય કોઈ વ્યક્તિને ગીરવે આપી દીધી છે.