વડોદરામાં પોલીસના જાહેરનામાનો ભંગ કરનાર બે કાફે સંચાલકની અટકાયત

Updated: Oct 19th, 2023
image : Freepik
વડોદરા,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા એમ્પરર અને સાઈનાથ એવન્યુના કોમ્પ્લેક્સની બે દુકાનમાં ચાલતા કાફેમાં સયાજીગંજ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું જેમાં બંને કાફેમાં સીસીટીવી યોગ્ય રીતે લગાવેલા ન હોય પોલીસના જાહેરનામાનો ભંગ થતો હતો. જેથી બંને સંચાલકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા તથા કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જગ્યાઓએ એકાંતમા બેસી કોઇ જોઇ ન શકે તેવી બંધ જગ્યા કેબીન બનાવવા ઉપર પ્રતિબંધ તથા સી.સી.ટી.વી કેમેરા લગાવવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરેલું છે. તેમ છતાં કેટલાક સંચાલકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે.જેના અંતર્ગત બુધવારે સયાજીગંજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા મસાજ સ્પા તથા કાફેમાં સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.દરમિયાન ફતેગંજ વિસ્તારમાં આવેલ એમ્પરર બીલ્ડીંગના બેઝમેંટમા દુકાન નંબર એસબી-5મા હાઈ ડવે કાફે તથા સાંઇનાથ એવન્યુ બીલ્ડીંગના નંબર એસબી-1માં સિક્રેટ કાફેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના કાફેમાં યોગ્ય રીતે સી.સી.ટી.વી કેમેરા લગાવેલ ન હતા. બન્ને કાફેના સંચાલક રાહુલ નાનજીભાઇ પરમાર (ઉ વ 23 રહે મ.નં-5 અમનનગર ટી.પી.13 પાણીની ટાંકી પાસે, છાણી જકાતનાકા) અને ભરત કાવાભાઇ ભરવાડ (ઉ વ 24 રહે- ભરવાડ વાસ, નવયુગ સ્કુલ પાસે ફતેગંજ વડોદરા)ની અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામા આવી હતી.