વડોદરા કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ : રૂ.532 કરોડની જમીન વેચવા કાઢી

Updated: Oct 18th, 2023
– વધુ ભાવના ટેન્ડરો આવવાથી પ્રોજેક્ટમાં કોર્પોરેશનના હિસ્સાની રકમ કરતા વધુ રકમ ચૂકવવાને કારણે આર્થિક પરિસ્થિતિ ગંભીર થઈ
વડોદરા,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આર્થિક પરિસ્થિતિ છેલ્લા કેટલાક વર્ષથી ડામાડોળ થઈ છે તેની પાછળ વધુ ભાવના ટેન્ડરોને કારણે પ્રોજેક્ટમાં નક્કી થયેલો કોર્પોરેશનના ફાળા કરતા વધુ ફાળો આપવો પડે છે તેવે સમયે કોર્પોરેશનએ હવે જમીનના પ્લોટો વેચવાનો વારો આવ્યો છે જે અંગેની સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં રૂપિયા 532.46 કરોડની કિંમતના સાત પ્લોટ વેચાણ માટેની પ્રક્રિયા કરવાની મંજૂરી માંગી છે.
સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્ત માં જણાવ્યું છે કે વડોદરા કોર્પોરેશનને ટીપી એક્ટ હેઠળ પ્રાપ્ત થયેલા વિવિધ પ્લોટો વેચાણથી આપવા માટે જમીનની મિનિમમ અપસેટ વેલ્યુ નક્કી કરવા સરકારના શહેરી વિકાસ સત્તા મંડળોના રેગ્યુલેશન 2002 ના પરિપત્ર મુજબ વેલ્યુએશન કમિટીની રચના કર્યા બાદ તેની બેઠક વુંડા ખાતે મળી હતી જેમાં વડોદરા કોર્પોરેશન હસ્તકના સાત પ્લોટ નું વેલ્યુએશન નક્કી કરવામાં આવ્યું હતું હરણી વિસ્તારના પાંચ અને સમા વિસ્તારના બે પ્લોટ જેમાં ચાર વાણિજ્ય હેતુ માટેના બે હોસ્પિટલ અને એક વસવાટ માટેના પ્લોટોનો સમાવેશ થાય છે જેનું વેલ્યુએશન કરવામાં આવ્યું છે.
દરખાસ્તમાં સાત પ્લોટ સરકારી અર્ધ સરકારી તેમજ લોકલ ઓથોરિટીને જાહેર હરાજી સિવાય સીધી ફાળવણી કરવા અને બિનજરૂરી સમય વ્યતિત થાય નહીં તે કારણોસર સારા સારનો વિચાર કરી જાહેર હરાજીમાં મિનિમમ અપસેટ વેલ્યુ ની સામે બોલવામાં આવેલી મહત્તમ બોલીને ગ્રાહ્ય રાખી ફાળવણી કરવા તેમજ અન્ય જરૂરી કાર્યવાહી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા દરખાસ્ત માં જણાવ્યું છે.
વેચાણ માટે બજારમાં મૂકવામાં આવ્યા છે તેનું કુલ 47,807 ચોરસ મીટર ક્ષેત્રફળ થાય છે અને કમિટી દ્વારા નક્કી કરેલી કિંમત પ્રમાણે સાત પ્લોટના રૂ. 532.46 કરોડ થવા જાય છે.