વાપીના 40 શેડમાં કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ

Updated: Oct 17th, 2023
– લાશ્કરોએ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો : આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન
વાપી, તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર
વાપી જીઆઈડીસીના 40 શેડ એરિયામાં આવેલી કંપનીમાં આજે મંગળવારે અચાનક આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. ધડાકા સાથે આગ વધુ તિવ્ર બનતા આજુબાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. લાશ્કરોએ ભિષણ આગને બેથી ત્રણ કલાકની મહેનત બાદ કાબુમાં લીધી હતી. આગને કાબુમાં લેતી વેળા એક કામદાર સામાન્ય દાઝયો હતો.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી જીઆઈડીસીના 40 શેડમાં કલરનું ઉત્પાદન કરતી અનુપ પેઈન્ટસ નામક કંપની આવેલી છે. આજે મંગળવારે બપોરે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. જ્વલંતશીલ પદાર્થને કારણે આગ ધડાકા સાથે વધુ તિવ્ર બનતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા બચાવ થયો હતો. તો આજુબાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓનો જીવ ટાળવે ચોંટી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી જઈ સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરી દીધો હતો. આગ લાગતા શરૂઆતમાં કર્મચારીઓ આગ હોલવતી વેળા એક કર્મચારી સામાન્ય દાઝી ગયો હતો.
ઘટનાની જાણ થતાં વાપી પાલિકા, નોટીફાઈડ સહિતના ફાયર ફાઈટરના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશ્કરોએ ભિષણ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. આગના ધૂમાડા આકાશમાં દુર દુર સુધી પહોંચી જતાં આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ મચી ગયો હતો.કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે અંગે હાલ કોઈ વિગત બહાર આવી નથી. પરંતુ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. એફએસએલ રિપોર્ટ બાદ જ આગનું ચોક્કસ કારણ બહાર આવી શકશે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગને કારણે કંપનીમાં રહેલા પેઈન્ટસ ભરેલા ડ્રમો સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો.