વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરોને સમય મર્યાદાની 100થી 875 દિવસની લાહણીની ઓડિટ રિપોર્ટમાં ગંભીર નોંધ

Updated: Oct 17th, 2023
Image Source: Twitter
વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેન્ડર પ્રક્રિયામાં વિકાસના કામોમાં ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હોય છે પરંતુ કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશન વચ્ચેના સંકલન ના અભાવને કારણે એટલું જ નહીં કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ કોન્ટ્રાક્ટરની તરફેણ કરીને પણ સમય મર્યાદા વધારતા હોવાને કારણે વિકાસના કામોમાં વિલંબ થતો રહે છે જેની પ્રથમ વખત ઓડિટ રિપોર્ટમાં ગંભીર નોંધ લેવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ચીફ ઓડિટર એચ.એમ રાવે તાજેતરમાં સ્થાયી સમિતિમાં રજૂ કરેલા વાર્ષિક ઓડિટ રિપોર્ટ માં રૂપિયા એક કરોડથી વધુ રકમના કોન્ટ્રાક્ટ વેલ્યુના કામમાં જે નક્કી કરેલી સમય મર્યાદા હતી તેનાથી વધુ સમય કોન્ટ્રાક્ટરને સ્ટોપેજ આપવામાં આવ્યા હોય તેવા 36 પ્રોજેક્ટ ની ગંભીર નોંધ લીધી છે.
ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, કેટલા કિસ્સાઓમાં તો તહેવારોને કારણે પણ લાંબા સમય સુધી સમય મર્યાદા વધારવામાં આવી છે જેને કારણે પણ અનેક કિસ્સાઓમાં પ્રોજેક્ટ વિલમ્બ માં પડ્યા છે એટલું જ નહીં 100 દિવસથી લઈને 875 દિવસ સુધી ની સમય મર્યાદા કોઈને કોઈ બહાના હેઠળ લંબાવવામાં આવી છે.
કેટલાક કિસ્સામાં કોર્પોરેશનની ખોટી રીતે આપેલી સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી રૂપિયા 26.11 લાખ નો દંડ ઓડિટ વિભાગે કર્યો હોવાનું પણ જણાવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે બિલ્ડીંગ પ્રોજેક્ટના આઠ પ્રોજેક્ટમાં 100 થી 217 દિવસ સુધી નીશ પ્રોજેક્ટની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. ડ્રેનેજ પ્રોજેક્ટના ચાર પ્રોજેક્ટમાં 66 દિવસથી લઈને 579 દિવસ સુધી એ સમય મર્યાદા વધારી છે.
એ જ પ્રમાણે પાણી પુરવઠા વિભાગમાં સાત પ્રોજેક્ટમાં 165 દિવસથી લઈને 687 દિવસ સુધી જ્યારે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના બે પ્રોજેક્ટમાં 418 અને 875 દિવસ સુધી પ્રોજેક્ટ લંબાવવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત રોડ પ્રોજેક્ટના 10 કામોમાં 162 દિવસથી લઈને 781 દિવસ સુધી ની સમય મર્યાદા લંબાવવામાં આવી છે જ્યારે વીજ પ્રોજેક્ટના બે કામમાં 204 અને 652 દિવસ સુધી ની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે.