તરસાલીમાં વૃદ્ધ માસીની હત્યા મિલકતના મુદ્દે કરી હોવાનું પ્રાથમિક તારણ

Updated: Oct 17th, 2023
Image Source: Freepik
હત્યામાં વપરાયેલું ચાકુ, ગુના વખતના આરોપીઓના કપડા કબજે કરવાની કામગીરી શરૂ
વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
કરોડો રૂપિયાની પ્રોપર્ટી અંગે થયેલા મન દુઃખના કારણે તરસાલીની અમીન ખડકીમાં વૃદ્ધ માસીની થયેલી કરપીણ હત્યાના બનાવમાં સંડોવાયેલા ભાણેજ આરોપી સહિતના બંને આરોપીની પોલીસે કરેલી ધરપકડ બાદ હવે પુરાવા એકત્ર કરવાની કામગીરી મકરપુરા પોલીસ એ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તરસાલીની અમીન ખડકીમાં રવિવારે મોડી રાત્રે કૌટુંબીકભાઈ સાથે મળીને ભાણેજે વૃદ્ધ માસીની હત્યા કરી હોવાના બનેલા બનાવ સંદર્ભે મકરપુરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને સઘન પૂછપરછ શરૂ કરી હતી.
મોડી રાત સુધી મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર જે એન પરમાર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બંને આરોપીઓની પૂછપરછ અને હત્યાની મોડસ ઓપરેન્ડી અંગે વિવિધ પાસાઓની તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં એક તબક્કે ભાણેજ આરોપી નયનને પોલીસ સાથે રમત રમવાની શરૂ કરી હતી અને પોતે ગરબા રમવા ગયો હતો એવી વાત ઉપજાવી હતી પરંતુ મોબાઈલ લોકેશન ના આધારે ભાંડો ફૂટી જતા આરોપી નયન ભાંગી પડ્યો હતો અને સાચી બાબત જણાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે મૃતક સુલોચનાબેન ની પ્રોપર્ટીની હાલ માલિકી હતી તપાસ દરમિયાન ડીસીપી ને એવું જાણવા મળ્યું હતું કે સુલોચના બેને પ્રોપર્ટી દત્તક પુત્ર સંજયને આપી દીધી હતી જેમાંથી ભાણેજ નયનને મન દુઃખ થયું હતું પરિણામે હત્યાની દુઃખદ ઘટના બની હતી.
આજે વહેલી સવારથી મકરપુરા જે.એન. પરમાર સ્ટાફ સાથે બંને આરોપીઓને જાપ્તા હેઠળ લઈને સઘન તપાસ માટે ઘટના સ્થળે લઈ ગયા હતા. બંને આરોપીઓ એ હત્યા સમયે પહેરેલા કપડાં કબજે કરવાના બાકી છે તથા ઘટના સ્થળેથી મૃતક વૃધ્ધાના લોહીની સાફ-સફાઈ કેવી રીતે કરી એ પણ તપાસ કરવાની બાકી છે આ ઉપરાંત હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે કરવાનું બાકી છે.
વૃદ્ધા પાસે કોઈ રોકડ હતી કે કેમ અને આ રોકડ બંને આરોપીઓએ લૂંટી છે કે કેમ એ અંગે પણ તપાસ કરવાની છે. આ ઉપરાંત મૃતકના શરીર પરના દર દાગીનાની પણ બંને આરોપીઓએ લૂંટ ચલાવી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી બંને આરોપીઓ વિરુદ્ધ સજ્જડ પુરાવા એકત્ર કરવાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરી દીધી છે.