web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

ખેડૂતો અને ખેલૈયા પર ચિંતાના વાદળો, વિસાવદર અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર

0


સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે કમોસમી માવઠાં વરસ્યા

કેશોદ પંથકના અજાબમાં અઢી, શેરગઢમાં દોઢ ઈંચ, બગસરા, જેતપુર, લોધિકા પંથકમાં ઝાપટાંઃ આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહી

દેશના અનેક રાજ્યોમાં ચોમાસુ મોસમ પૂરી થયા બાદ વરસાદની કમોસમ,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું, હજુ તા.૧૭ના લો પ્રેસરની શક્યતા 

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સપ્તાહ પહેલા ચોમાસાની મોસમ પૂરી થયા બાદ આજે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ વરસાદની કમોસમમાં  સતત બીજા દિવસે છૂટાછવાયા સ્થળે હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે જુનાગઢમાં ધોધમાર સવા બે ઈંચ વરસાદ બાદ આજે વિસાવદરમાં અઢી ઈંચ (૬૩ મિ.મિ.) વરસાદથી ભરચોમાસા જેવો માહૌલ સર્જાયો હતો તો કેશોદના શેરગઢ ગામે આશરે દોઢ ઈંચ વરસાદ અને અજાબ ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. અને રાજકોટ,ગોંડલ સહિત ઠેરઠેર ધોધમાર ઝાપટાં  વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. 

રાજકોટમાં ગઈકાલે સાંજથી મોડી રાત્રિ સુધી ઝરમર અને ઝાપટાં રૂપે વરસેલા વરસાદથી માર્ગો પર ઠેરઠેર પાણી  ભરાયા બાદ આજે પણ રાત્રિના વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને નવરાત્રિ આયોજકોમાં ચિંતા પ્રસરી હતી.વિરાણી ચોક, મહિલા કોલેજ, કાલાવડ રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિ.રોડ સહિત વિસ્તારમાં આજે રાત્રે ધોધમાર વરસાદથી પ્રિનવરાત્રિ સેલીબ્રેશન માટે બનીઠનીને ગયેલા ખેલયાઓ ગત રાત્રિના તો દાંડિયારાસમાં તૈયાર થઈને ગયેલા ખેલૈયાઓએ પણ પલળવું પડયું હતું. તો ગોંડલમાં આજે સતત બીજા દિવસે ધોધમાર ઝાપટાં વરસ્યા હતા.આજે સવાર સુધીમાં રાજકોટ જિલ્લાના લોધિકા, જેતપુરમાં પણ વરસાદના જોરદાર ઝાપટાં વરસ્યા હતા અને ૪ મિમિ.વરસાદ નોંધાયો છે. જેતપુર બાયપાસ પર આજે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ગઈકાલે બે ઈંચ વરસાદ બાદ આજે જામજોધપુર તાલુકા તથા ધ્રોલ પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો અને ખૈલૈયાઓમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. ધ્રાફા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરુ થયો હતો અને નદીમાં નવા નીર આવ્યા હતા. 

બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજ સુદીમાં લુંધીયા, શાપર, કાગદડી, સમઢીયાલા સહિત ગામોમાં વરસાદના અહેવાલ છે. ખેતરોમાં કરેલા મગફળી અને કપાસના પાથરાં પલળતા નુક્સાનની ફરિયાદો પણ ખેડૂતોમાં ઉઠી છે. 

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં નૈઋત્યના ચોમાસાએ તો વિદાય લીધી છે પરંતુ, હવે કમોસમ જામી છે અને પશ્ચિમ-ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આવતીકાલે  પ્રથમ નોરતે પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. 

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW