એસ.ટી બસમાં બેસવા જતા 3 મુસાફરના રૃપિયા 80 હજારના મોબાઈલ ચોરાયા

Updated: Oct 15th, 2023
તહેવારો શરૃ થતા જ ડેપોમાં ગઠીયા સક્રિય
અવારનવાર તસ્કરી થવા છતાં મુસાફરોની સુરક્ષા માટે આયોજન હાથ ધરવામાં આવતું નથી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના એસટી ડેપોમાં અવરજવર કરતા મુસાફરો માટે
તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા તેનો ભોગ બનવું પડે છે. તહેવારો
અને વેકેશન તેમજ રજાના દિવસોમાં ગઠિયાઓ સક્રિય થઇ જતા હોય છે અને મુસાફરને નિશાન
બનાવીને રોકડરકમ તેમજ મોબાઈલ અને પાકીટની
ચોરી કરીને પલાયન થઈ જતાં હોય છે. ત્યારે મુસાફરો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે આયોજન હાથ
ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.
રાજ્યના પાટનગરમાં આવેલા એસટી ડેપોમાં રોજના અસંખ્ય મુસાફરો
આવન-જાવન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સીસીટીવી મૂકવામાં આવ્યા છે. પરંતુ
શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તે પ્રકારે અવાર નવાર મુસાફરોને ચોરી તસ્કરીનો
સામનો કરવો પડે છે. સરખેજ,વિજાપુર
અને દાહોદની બસમાં બેસવા જઈ રહેલા મુસાફરને ભોગ બનવું પડયું છે. જે અંગે સેક્ટર- ૭
પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. એક જ દિવસમાં ૩ મુસાફરના રૃપિયા ૮૦,૦૦૦ના મોબાઇલ
ચોરાઈ જતા મુસાફરોમાં પણ ભયનો માહોલ છવાયો
છે. થોડા સમય અગાઉ કીમતી મોબાઇલની ચોરી
કરવામાં આવી હતી. સીસીટીવી હોવા છતાં ગઠિયાઓ કળા કરીને ફરાર થઈ જાય છે મુસાફરોની
સુરક્ષા સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા
છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બસોમાં
મુસાફરી કરવા માટે આવતા મુસાફરોને હાલમાં અસુરક્ષિત રીતે મુસાફરી કરવાની નોબત આવી છે. તંત્ર દ્વારા
મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને
ડેપોમાં દિવસ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત
ગોઠવવામાં આવે તો મુસાફરો પણ
સુરક્ષિત રીતે આવન-જાવન કરી શકે એમ છે.