અકોટાની જમીનના વિવાદમાં સગા ભાઇની બે બહેનો સામે છેતરપિંડીની ફરિયાદ

હક્ક કમીના લખાણો કર્યો હોવાછતાંય શુભંગમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વેચાણ અંગેના કરાર કર્યા
Updated: Oct 15th, 2023
વડોદરા,અકોટામાં આવેલી સ્વપાર્જીત મિલકત અંગે બે બહેનોએ એમ.ઓ.યુ. કરી હક્ક કમી કર્યો હોવાછતાંય અન્યની સાથે વેચાણ અંગેના કરાર કરી ૨૦ લાખ રૃપિયા લઇ લીધા હતા. જે અંગે ભાઇની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રેસકોર્સ સર્કલ પાસે અરૃણદીપ કોમ્પલેક્સમાં રહેતા ધવલભાઇ દિલીપકુમાર પટેલ રિઅલ એસ્ટેટનો ધંધો કરે છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અકોટામાં મારી સ્વપાર્જીત મિલકત છે. જેમાં મે તથા રાજલબેન પટેલ તેમજ ગોપાલીબેન પટેલે એમ.ઓ.યુ. કરાર પણ કર્યો હતો. તેમજ અમારી પત્ની અમી પટેલ તથા બનેવી કિરણકુમાર પટેલ સાથે તેઓની નીકળતી રકમ વ્યાજ સાથે પરત કરવાનો એમ.ઓ.યુ. કરાર પણ કર્યો હતો. આ બધા કરાર તા. ૧૦ – ૦૭ – ૨૦૧૮ ના રોજ કર્યા હતા. અમે બાકી નીકળતી રકમના ચેક રાજલબેનન ચેક આપ્યા હતા. તેની પાવતી રાજલબેને અમને આપી હતી. ત્યારબાદ મિલકત અંગેના હક્ક કમીના લખાણો તથા અન્ય કરાર સબ રજિસ્ટ્રાર રૃબરૃ કર્યા હતા. અમારી બંને બહેનો એમ.ઓ.યુ.ની શરતોનું પાલન કરતી નહતી. તેથી ગોપાલીબેનને પણ અમે આપેલા પોસ્ટ ડેટેડ ચેકો સામે હક્ક કમીના લખાણો ૮૦ લાખ લીધા પછી બંધ કરી દીધા હતા.
આ અગાઉ વર્ષ ૨૦૧૫ માં અકોટાની ઉપરોક્ત મિલકત અંગે નોટરી રૃબરૃ તેમજ વર્ષ ૨૦૧૮ માં સબ રજિસ્ટ્રાર સમક્ષ કરી આપેલા હક્ક કમીના લખાણો તેઓએ વારસાઇના હક્કો અમારા લાભમાં જતા કર્યા હતા. તેની જાણકારી હોવાછતાંય બદઇરાદાથી કૂટલેખન કરી શુભંગય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વેચાણ અંગેના એમ.ઓ.યુ. જુલાઇ – ૨૦૨૧ માં કરી આપી ૧૦ – ૧૦ લાખ લઇ લીધા હતા. પોતે હક્ક કમી કર્યો હોવાછતાંય સરકારી રેકોર્ડ્સની પ્રક્રિયાનો દુરૃપયોગ કરી પોતે માલિક હોવા અંગે ખોટી રજૂઆત કરી પોતે માલિક હોવા અંગેનો દાવો કરતા આવ્યા છે.
ઉપરોક્ત ફરિયાદ અંગે ગોત્રી પોલીસે (૧) કિરણ ઠાકોરભાઇ પટેલ ( ૨) રાજલ કિરણભાઇ પટેલ (૩) રીકીન કિરણભાઇ પટેલ ( ત્રણેય રહે. નિર્મલ નિવાસ, અગસ્ત ક્રાંતિ માર્ગ, ગોવાલીયા ટેક, મુંબઇ ) તથા (૪) ગોપાલી પ્રતિકભાઇ પટેલ ( રહે. રૃવાં હાઇટ્સ, રળિયાત નગર, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાસે) ની વિરૃદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.