વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસના ગરબાના પાસ લેવા માટે લોકોનો હોબાળો : 14 વર્ષથી નાના બાળકો પર પ્રતિબંધ વિવાદ

0

Updated: Oct 13th, 2023

વડોદરા,તા.13 ઓક્ટોબર 2023,શુક્રવાર

મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાઇ રહેલ હેરિટેજ ગરબા મહોત્સવમાં આજે પાસ આપવાની લઈને વિવાદ સર્જાયો હતો. જેમાં ગરબાના આયોજકોએ આજે બપોરે 12 વાગ્યાથી પાસ ઇસ્યુ થશે તેવો મેસેજ ઇન્સ્ટાગ્રામ પર છોડી દીધો હોવાની બાબતથી અજાણ અનેક ખેલૈયાઓ અહીં પાસ લેવા આવ્યા હતા. જેઓનો કલાકોનો સમય વેડફાયો હોવાથી તેઓએ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકો સામે નારાજગી વ્યક્ત કરી હતી.

શ્રી મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને વોર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે હેરીટેજ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ હવે ગણતરીના દિવસો બાકી હોઇ મોટી સંખ્યામાં સવારે સાત વાગ્યાથી ખેલૈયાઓ અહીં ગરબાના પાસ લેવા આવ્યા હતા. ત્યારે અહીં પાસ ઈશ્યૂ કરનાર કોઈ વ્યક્તિ ઉપલબ્ધ ન હતું. કલાકો સુધી ખેલૈયાઓ અહીં રાહ જોઈ ઉભા રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં પહોંચ્યા બાદ તેઓએ પૂછપરછ કરતા ગરબાના આયોજકોએ જણાવ્યું હતું કે, આજે પાસ બપોરે 12 વાગ્યાથી આપવાના છે અને તેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર મૂકી દેવામાં આવી છે. તેથી ખેલૈયાઓ અકળાયા હતા અને જણાવ્યું હતું કે, ગરબાના પાસ ઈશ્યૂ કરવા બાબતે જો કોઈ સૂચના આપવી હોય તો ગરબા આયોજકોએ વોટ્સએપ પર અથવા એસએમએસ દ્વારા તેની જાણકારી કરવી જોઈતી હતી. ગરબા રમનાર દરેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવતા હોય તે પણ જરૂરી નથી. આજે અહીં આવેલા પૈકી કેટલાક બહારગામથી આવ્યા છે, તો કેટલાક પોતાની ઓફિસમાં રજા લઈ અહીં પહોંચ્યા છે. ત્યારે હવે ગરબા આયોજકોએ યોગ્ય કોમ્યુનિકેશન ન જળવતા અસંખ્ય ખેલૈયાઓનો સમય બગડ્યો છે. આ પૈકી કેટલાકે રિફંડની પણ માંગણી કરી હતી. તો કેટલાકે જણાવ્યું હતું કે, અહીં પાસ લેવા માટે અમે કલાકોથી ઉભા છે પરંતુ પંખો કે અન્ય કોઈ વ્યવસ્થા નથી જેથી ગરમીમાં શેકાવવું પડે છે.

ગરબાના આયોજનમાં ખામી અંગે ધારાસભ્યનો આક્રોશ

વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાનાર નવરાત્રી મહોત્સવમાં 14 વર્ષથી નીચેની કિશોર કિશોરીઓને ગરબા રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને કારણે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ આયોજનમાં ખામી અંગે આક્રોશ વ્યક્ત કરી પગલા ભરવાની ચીમકી ઉચ્ચારી છે

મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને વોર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાઇ રહેલ ગરબામાં 14 વર્ષથી ઓછી વયના ખેલૈયાઓના ગરબા રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે હવે જે વાલીઓએ પોતાના 14 વર્ષથી નાના બાળકો સાથે ગરબા રમવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેવા વાલીઓએ પણ હવે ગરબા રમવાનું સ્થળ બદલવું પડે તેવી નોબત ઊભી થઈ છે. જેના કારણે અનેક વાલીઓએ છેલ્લી ઘડીએ હવે ક્યાં પાસ મેળવવા? તેની ચિંતા વર્તાઈ રહી છે. 

ગરબા આયોજકો દ્વારા 14 વર્ષથી ઓછી ઉંમરના ખેલૈયાઓના ગરબા રમવા પર પ્રતિબંધ હોવાની જાણકારી ગત રોજ જાહેર કરવામાં આવી હતી. હવે રવિવારથી તો ગરબા શરૂ થવાના છે ત્યારે નાના બાળકો સાથે વાલીઓએ ગરબા રમવાના પાસ કઢાવ્યા છે તો છેલ્લી ઘડીએ હવે વાલીઓ ક્યાં રમવા જશે?તેમજ બાળકો સાથે જો વાલીઓ પણ રિફંડ માગે છે તો તેઓને પણ રિફંડના પૈસા પરત મળશે કે કેમ? તે અંગે ચોક્કસ સ્પષ્ટતા થવી જરૂરી છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW