સમગ્ર ગુજરાતમાં આજથી 31 ઓક્ટોબર સુધી વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થીમ હેઠળ કાર્યક્રમો યોજાશે

અમદાવાદઃ (Vibrant District Program) ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ગાંધી જયંતીથી લઇને સરદાર પટેલ જયંતી સુધી, એટલે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. (Vibrant Gujarat)રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને 04 મહાનગરો એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ કુલ 37 જગ્યાઓએ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થીમ હેઠળ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. (Gandhi Jayanti) જેમાં મંત્રીઓ સહિત જિલ્લા કક્ષાએ સ્થાનિક પદાધિકારીઓ, ઉદ્યોગ ગૃહો, એસોસિએશન અને નામાંકિત મહાનુભાવો પણ જોડાશે.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમોનું અમલીકરણ કરાશે
તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે 2-3 દિવસ સુધી એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે, જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP), સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (FPOs), મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરેને પણ આ કાર્યક્રમોમાં સાંકળવામાં આવશે. આ એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરાયેલી પ્રોડક્ટ્સને અગ્રતા આપવામાં આવશે.
માર્કેટ લિંકેજ માટે સેમિનાર/વર્કશોપનું આયોજન
આ કાર્યક્રમો માટે કેપેસિટી બિલ્ડીંગ, ઉદ્યોગ સાહસિકતા, એક્સપોર્ટ પ્રમોશન, માર્કેટ લિંકેજ માટે સેમિનાર/વર્કશોપનું આયોજન વગેરે માટે જિલ્લા વહીવટી તંત્રો દ્વારા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોરેન ટ્રેડ (IIFT), ઇન્વેસ્ટ ઇન્ડિયા, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (NID), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT), અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) જેવી સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે બે દાયકાઓ પૂર્ણ કર્યા
આ ઉપરાંત, ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ હેઠળ લોન મેળાઓનું પણ આયોજન કરવામાં આવશે. લોન મેળાઓના આયોજન માટે જિલ્લા લીડ બેંક મેનેજર દ્વારા સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC), નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD), સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) સાથે સંકલન કરવામાં આવશે. વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે બે દાયકાઓ પૂર્ણ કર્યા છે, અને જાન્યુઆરી 2024માં તેની 10 આવૃત્તિ આયોજિત થવા જઇ રહી છે.