વડોદરામાં ફાયર NOCની મુદત ત્રણ વર્ષ અને રીન્યુઅલ ફાયર NOCની મુદત બે વર્ષ રહેશે

Updated: Oct 2nd, 2023
image : Freepik
– 11 જાન્યુઆરી 2022 પછી ઈશ્યુ થયેલ એનઓસીની મુદતમાં ફેરફાર
વડોદરા,તા.2 ઓક્ટોબર 2023,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર બ્રિગેડ દ્વારા તારીખ 11-1-2022 પછીથી ઇસ્યુ થયેલ તમામ નવા ફાયર સેફટી સર્ટિફિકેટ (એનઓસી)ની વેલીડીટી ત્રણ વર્ષ અને રિન્યુઅલ ફાયર સેફટી સર્ટિફિકેટ (એનઓસી) ની વેલીડીટી બે વર્ષ રહેશે. આ અગાઉ ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક નિયમો 2014 (સુધારો) નિયમો 2021 અંગે તારીખ 22-1-2021 ના બહાર પાડેલા જાહેરનામા બાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિએ ગઈ તારીખ 5 સપ્ટેમ્બરે ઠરાવ પસાર કર્યા બાદ ફાયર એનઓસીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની હદમાં, હદ બહાર તથા વુડાની હદ વિસ્તારમાં ફાયર એનઓસી આપવાની કામગીરી કરવામાં આવે છે. તેમાં હોટલ, હોસ્પિટલ, સ્કૂલ, ખાનગી કોલેજ, લો રાઈઝ ઇન્સ્ટિટયૂટની નવી એનઓસી લેવાનો દર દસ હજાર રૂપિયા છે. કોર્પોરેશનની હદમાં બહુમાળી ટેસ્ટીંગ માટેની એક ટ્રીપમાં 18 થી 29 મીટર સુધી (30 વર્ષ)એક લાખ, 30 થી 49 મીટર સુધી બે લાખ અને 50 મીટર સુધી પાંચ લાખ દર લેવાય છે. પેટ્રોલ પંપ, ગેસ ગોડાઉન વગેરેની તેમજ કોર્પોરેશનની હદમાં બહુમાળી બિલ્ડીંગના દર વર્ષે કરવામાં આવતા રિન્યુઅલ ટેસ્ટિંગ માટે એક ટ્રીપના ફાયર ફાઈટિંગના ટાવર દીઠ રિન્યુઅલ એનઓસીનો દર ત્રણ હજાર રૂપિયા છે. વુડા વિસ્તારમાં વાર્ષિક રીન્યુઅલ ફી ઇન્સ્પેક્શન ફી પંદર હજાર અને રિન્યુઅલ ફી ત્રણ હજાર લેવામાં આવે છે.