હાઈ સ્કોરીંગ મેચથી પ્રેક્ષકોના પૈસા વસુલ, બફારા-ઉકળાટમાં અનેક દર્શકો અકળાયા

Updated: Sep 27th, 2023
ખંઢેરીમાં રમાયો 4657નો આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 39 ફોર, 9 સિક્સર ફટકારી: પ્રથમ દાવમાં ઈસ્ટ સાઈડનું મેદાન ખાલી રહ્યું, : સૌથી વધુ ક્રિકેટ રસીયા વેસ્ટમાં
રાજકોટ, : રાજકોટના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 4657મો આંતરરાષ્ટ્રીય મેચ ખેલાયો હતો.જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લેતા કાંગારૂઓએ મેદાન ઉપર ફટકાબાજી કરતા દર્શકોના પૈસા વસુલ થઈ ગયા હતા.અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે પ્રેક્ષકોએ મેચનો રોમાંચ માણ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મેચ દરમિયાન 39 ચોક્કા અને 9 છગ્ગા લગાવી પ્રેક્ષકોને ખુશ કરી દિધા હતા. ઓસ્ટ્રેલિયાની ઓપનર જોડીએ જમાવટ કરી દિધી હતી વોર્નર અને માર્શે ચોતરફ ચોક્કા-છગ્ગાની લ્હાણી કરતા ક્રિકેટ ચાહકોના પૈસા વસુલ થઈ ગયા હતા.વોર્નરે 5 સિકસર, 6 ચોક્કા, માર્શે 4 સિક્સર, 13 ચોક્કા, સ્મિથે 8 ચોક્કા અને એક સિક્સર ફટકારતા હાઈસ્કોર ખડકાયો હતો. ઓસ્ટ્રલિયાની ટીમે 352 રનનો જુમલો કરતા ભારતીય ખેલાડીઓએ પણ ે વળતો જવાબ આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 5 ફોર, 6 સિક્સર ફટકારી હતી તેમજ કોહલીએ પણ 5 ફોર અને 1 સિક્સર લગાવી પ્રેક્ષકોને ખુશ કરી દિધા હતા. ભારતીય ટીમે 33 ઓવરમાં 13 ચોક્કા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.
11 વાગ્યાથી મેચના દર્શકોને એન્ટ્રી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું પરતું તમામ 7 ગેઈટ ઉપર દર્શકોને બાઉન્સરો દ્રારા તપાસી મેદાનમાં પ્રવેહ અપાતા કલાકો નિકળી ગયા હતા તેના કારણે મેદાનમાં પ્રવેશ માટે ક્રિકેટ ચાહકોની લાંબી લાઈનો લાગી હતી.
બીજી તરફ રાજકોટમાં ખેલાતા અંતિમ વન-ડેમાં ભારતીય ટીમ માટેનો મેચ ઔપચારીક જેવો હોવાથી સ્ટડિયમમાં પ્રેક્ષકોની ભીડ પણ ઓછી જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાના દાવ દરમિયાન ઈસ્ટ સાઈડમાં ઘણી બધી ખુરશી ખાલી રહી હતી. જ્યારે વેસ્ટ સાઈડમાં ક્રિકેટ ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. મેચ શરૂ થયા બાદ ધીમેધીમે સ્ટેડિયમ ફુલ થઈ ગયું હતું.