રાજસ્થાની ટોળકીનું માત્ર 6 કલાકના સમયગાળામાં રૂા.2.71 કરોડનું ફ્રોડ

0

Updated: Sep 24th, 2023


સાયબર ફ્રોડમાં રાજકોટની મહિલા કારખાનેદારના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ

ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરનારા સહિત કુલ ૪ આરોપીઓની ધરપકડ, બે દિવસના રીમાન્ડ

રાજકોટ: રાજકોટમાં રહેતા અને લોઠડામાં અગરબત્તીનું કારખાનું ધરાવતા કૃપાલીબેન ચોથાણીના બેન્ક ખાતાનો ઉપયોગ કરી રાજસ્થાની સાયબર ફ્રોડ ટોળકીએ માત્ર ૬ કલાકના સમયગાળા દરમિયાન જુદા-જુદા રાજ્યોના ૩૩ જણાને શીશામાં ઉતારી ૨.૭૧ કરોડનું કૌભાંડ આચર્યાનું બહાર આવ્યું છે. જો સાયબર ફ્રોડ કરતી માત્ર એક ટોળકી  ૬ કલાકના સમયગાળામાં આટલી માતબર રકમનું કૌભાંડ આચરતી હોય તો દેશભરમાં કાર્યરત ટોળકીઓ દરરોજ કેટલા કરોડોનું ફ્રોડ કરતી હશે તેની કલ્પના કરવી પણ હવે મુશ્કેલ બની ગઇ છે. આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી ૪ આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતના વધુ બે આરોપીઓની સંડોવણી ખુલી છે. 

સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે કૃપાલીબેનના કારખાનાના એકાઉન્ટનું કામ અશ્વિન બટુક હીરપરા (ઉ.વ. ૩૩) જોતો હતો. જેણે કૃપાલીબેનને કોઇપણ રીતે મનાવી લઇ તેના કારખાનાના નામનું બીજુ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ બેન્ક એકાઉન્ટની કીટ, નેટ બેન્કીંંગના યુઝર નેમ, પાસવર્ડ વગેરે મેળવી તેણે પોતાની પાસે રાખી લીધા બાદ આખરે તેને રાજસ્થાની સાયબર ફ્રોડ કરતી ટોળકીને અન્ય વચેટીયાઓની મારફત વાપરવા આપી દીધું હતું.

ત્યારબાદ રાજસ્થાની સાયબર ફ્રોડ ટોળકીએ ગઇ તા.૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ વાગ્યાથી લઇ સાંજે ૪ વાગ્યા સુધી એમ માત્ર ૬ કલાકના સમયગાળા દરમિયાન દેશભરમાં એકંદરે ૩૩ જણાને જુદી જુદી રીતે શિકાર બનાવી કૃપાલીબેનના બેન્ક એકાઉન્ટમાં રૂા.૨.૭૧ કરોડ જેવી રકમ જમા કરાવડાવી હતી. જે અંગે જાણ થયાં બાદ ગઇકાલે કૃપાલીબેને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીપી વિશાલ રબારી અને પીઆઇ એ.જે. મકવાણાએ રાજકોટના આરોપી અશ્વિન ઉપરાંત લોન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં અરજણ ઉર્ફે અજય વિઠ્ઠલ આસોદરીયા (ઉ.વ. ૪૨), અમરેલીના ભાર્ગવ રાજુભાઇ જોશી (ઉ.વ.૩૩) અને ખંભાળીયાના વિજય ગઢવીની ધરપકડ કરી હતી. 

આ તમામ આરોપીઓની પૂછપરછ કરતાં સાયબર ક્રાઇમ પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદી કૃપાલીબેનના કારખાનાના એકાઉન્ટનું કામ સંભાળતા અશ્વિને કૃપાલીબેનને વિશ્વાસમાં લઇ તેના કારખાનાનું બીજુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. બીજો આરોપી અરજણ ઉર્ફે અજય તેના સંપર્કમાં હતો. ત્રીજા આરોપી ભાર્ગવે મિત્ર અરજણ ઉર્ફે અજયને કોઇ બેન્ક એકાઉન્ટ હોય તો વાપરવા માટે આપવા કહ્યું હતું. જેથી અરજણે આ વાત અશ્વિનને કરી હતી. જેણે પોતાના ક્લાયન્ટ કૃપાલીબેનનું બેન્ક એકાઉન્ટ આપી દીધું હતું. વિજય સહિતના અન્ય વચેટીયાઓની મદદથી આ બેન્ક એકાઉન્ટ રાજસ્થાની સાયબર ફ્રોડ કરતી ટોળકી પાસે પહોંચ્યું હતું. જેણે ગઇ તા.૧ સપ્ટેમ્બરના રોજ માત્ર ૬ કલાકના સમયગાળા દરમિયાન ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક સહિતના રાજ્યોના ૩૩ જણાને શિકાર બનાવી કૌભાંડની રકમ રૂા. ૨.૭૧ કરોડ કૃપાલીબેનના ખાતામાં જમા કરાવડાવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ સુત્રોના જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં મુખ્ય સુત્રધાર અશ્વિનને આ માટે પાંચ ટકા કમીશન મળ્યાની માહિતી મળી છે. ખરેખર તેને કેટલી રકમ મળી છે તે અંગે તપાસ કરવામાં આવશે. ગુજરાતના બે આરોપીઓની પણ સંડોવણી ખુલી છે. આ બન્ને આરોપીઓ ઝડપાયા પછી રાજસ્થાનની કંઇ ગેંગને બેન્ક એકાઉન્ટ વાપરવા માટે અપાયું હતું તેની માહિતી ખુલશે. 

ઉલ્લેખનીય છે કે સાયબર ફ્રોડ કરતી ટોળકીઓ ત્રાહીત વ્યકિતના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી કૌભાંડ આચરે છે. બદલામાં બેન્ક એકાઉન્ટ ધારકને અમુક રકમ ચુકવે છે. આ કિસ્સામાં પણ રાજસ્થાની ટોળકીએ જુદા જુદા સોશ્યલ મીડિયા પ્લેટ ફોર્મ મારફત શિકારનો સંપર્ક કરી કોઇ વીડિયો, પેઇઝને ફોલો અને લાઇક કરી પૈસા કમાવવાની લાલચ આપી, જુદા જુદા ટાસ્ક આપી છેતર્યા હતા. ગુજરાતમાં રાજસ્થાની ટોળકીએ ૩ જણા સાથે રૂા.૨૦ લાખની અને બાકીના રાજ્યોમાં રૂા.૨.૫૧ કરોડની ઠગાઇ કર્યાનું બહાર આવ્યું છે. સમગ્ર દેશમાંથી ભોગ બનેલા ૩૩ અરજદારોની અરજીઓ પણ સાયબર ક્રાઇમ પોલીસે મેળવી લીધી છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW