પૂર્વ ચેરમેન નિલેશ પટેલે આપેલી 40 લાખ રૂપિયાના વ્યવહારની ચબરખી જાહેર કરી

0

Updated: Sep 24th, 2023

– મહુધા એપીએમસીના ચબરખીકાંડને લઈને ચકચાર

– ચબરખીમાં દર્શાવેલી વિગતોએ સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારની પોલ ખોલી

નડિયાદ : ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ચબરખી કાંડને લઈને ચકચાર મચી છે. પૂર્વ ચેરમેન નિલેશ પટેલે આપેલી ૪૦ લાખ રૂપિયાના વ્યવહારની ચબરખી જાહેર થયા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચબરખીમાં કલેકટર થી લઈને અનેક સરકારી અધિકારીઓ સાથે થયેલા વ્યવહારનો હિસાબ છે. સરકારી ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરતી આ ચિઠ્ઠી જાહેર થતાંની સાથે જ ભારે હોબાળો મચી ગયો છે.

મહુધા તાલુકા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના વર્તમાન પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવનાર હોવાની ચર્ચાને પગલે મહુધા પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્તમાન ચેરમેન દ્વારા ૪૦ લાખ રૂપિયાની માંગણીના કરવામાં આવેલા ઘટસ્ફોટથી પૂર્વ ચેરમેનના કથિત વહીવટો સામે સવાલો ઊભા થયા છે. 

મહુધા એ.પી.એમ.સી.ના વર્તમાન ચેરમેન અને પૂર્વ મહુધા તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ ચંદ્રકાન્ત પટેલ વિરૂઘ્ધ અવિશ્વાસ દરખાસ્તને લઈને સોમવારે બેઠક યોજવાની છે. સભ્યો દ્વારા વર્તમાન ચેરમેન સામે કોઈને પણ અસંતોષ હોવાનો દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ અવિશ્વાસ દરખાસ્તમાં સહીઓ કરવામાં આવી છે.

મહુધા ખેતીવાડી બજાર સમિતિમાં ૧૦ વર્ષ સુધી એકહથ્થુ શાસન સાંભળનાર પૂર્વ ચેરમેન નિલેશ પટેલ દ્વારા આ દરખાસ્ત લાવવામાં આવી હોવાની ચર્ચા છે. જેમાં મૂળ કારણ મહુધા એ.પી.એમ.સી.માં અનામત ખાતે નાણાંનું બેલન્સ ન હોવાનું અને કથિત ૪૦ લાખની ઉઘરાણી કરનાર નિલેશ ચંદુભાઈ પટેલે અનામતની કોઈ પાવતી રજુ કરી નથી કે જેમાં મહુધા એપીએમસીમાં કથિત દર્શાવેલા નાગરિકોની રકમ હોય. તેવા સંજોગોમાં વર્તમાન ચેરમેન દ્વારા અનામત ખાતેની પાવતી માંગવામાં આવતા અવિશ્વાસની દરખાસ્તનો પ્લોટ ઘડાયો હોવાની ચર્ચા છે.

મહુધામાં ચર્ચાતી વાતો મુજબ નિલેશ પટેલ દ્વારા મહુધા બજાર સમિતિના પ્રારંભથી અનેક ગરબડો અને વહીવટોમાં લાલિયાવાડી કરવામાં આવે છે. એ.પી.એમ.સી.ની મિલકતો અને તેના બાંધકામમાં પણ ભારે બેદરકારી અને ઈરાદાપૂર્વકની ભૂલો કરવામાં આવી હોવાના પણ કથિત આક્ષેપ થયા છે. નિલેશ પટેલ દ્વારા આપવામાં આવેલી ચબરખીમાં એપીએમસીની ગ્રાન્ટ અને તેની વ્યવસ્થા માટે સરકારના ઉચ્ચ અધિકારીઓ અને કેટલાક વિભાગોમાં નાણાકીય ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. જેમાં જિલ્લાના બાંધકામ, રાજ્ય સરકારના અધિકારીઓને લાંચ આપવામાં આવી હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે. વર્તમાન ચેરમેન ચંદ્રકાન્ત પટેલના જણાવ્યા અનુસાર, પૂર્વ ચેરમેન નિલેશ પટેલ ૧૪૦ રૂપિયા માત્રનું બેલન્સ આપી સત્તામાંથી દૂર થયાં હતા. આજે એપીએમસી માં ૧૪ લાખનું બેલન્સ અને કર્મચારીઓના પગારો અને આવકો દર્શાવવામાં આવી રહી છે.

વર્તમાન ચેરમેન ચંદ્રકાન્ત પટેલે સમગ્ર ચબરખીકાંડનો ખુલાસો કર્યો 

મહુધા એપીએમસી ના પૂર્વ ચેરમેન નિલેશ પટેલે આપેલી એક ચબરખીને જાહેર કરતા વર્તમાન ચેરમેન દ્વારા સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે. ચંદ્રકાન્ત પટેલે ચબરખીને બદલે અનામતની પાવતી આપી હોત તો એપીએમસી ૪૦ લાખ આપવા માટે વિચારી શકે. પરંતુ સંદિગ્ધ હિસાબો સાથે કેટલાક સરકારી અધિકારીઓના ભ્રસ્ટાચારની પોલ ખુલે તેવી સ્થિતિમાં રૂ. ૪૦ લાખના હિસાબની હકીકતો માટે તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. જેથી અન્ય સંસ્થામાં પણ આવી ગેરરીતિઓને અટકાવી શકાય. આ સમગ્ર મામલે વર્તમાન ચેરમેનનો સંપર્ક સાધતાં તેઓએ આ મામલે સોમવારે બેઠક યોજવાની હોવાનું તેમજ ચબરખીવાળી વાત પણ સાચી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW