અલીણાથી મહેમદાવાદ રોડ પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો ત્રાહીમામ

Updated: Sep 24th, 2023
– રોડ ધોવાઇ ગયો છતાંય મરામત ન કરાતા આક્રોશ
– તૂટેલા રોડના કારણે વાહન અકસ્માતનો ભય, સત્વરે મરામત કરવા માંગ
નડિયાદ : મહુધા મહેમદાવાદ રોડ તથા મહુધાથી અલીણા રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેથી અવર જવર કરતા વાહન ચાલકો ને ખુબ અગવડતા વેઠવી પડે છે. આ બિસ્માર રોડનું સમારકામ કરવા લાગણી વ્યાપી છે.
અમદાવાદ થી ડાકોર ખાતે હજારો લોકો વાહન લઈને રણછોડજી મંદિરના દર્શન કરવા જતા હોય છે. તથા બાઈક રિક્ષા જેવા વાહન ચાલકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે. જયારે જયારે રોડ ઉપર ખાડા પડે છે ત્યારે માત્ર મેટલ નાખી ખાડા પુરવામાં આવે છે.
ત્યારે વાહન ખાડામાં પડતા મેટલ બહાર નીકળી જતા હોઇ આ જગ્યાએ મોટા ખાડા પડી જાય છે. આમ મહેમદાવાદ થી અલીણા સુધી ૩૦ કી.મી.ના રોડ પર ઠેર ઠેર થીગડા અને ખાડાનુ સામ્રાજય જોવા મળે છે જેથી ડાકોર જતાં દર્શનાર્થીઓ તેમજ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
ત્યારે મહેમદાવાદ અલીણા રોડનું સમારકામ વહેલી તકે કરવા માગણી ઉઠવા પામી છે.