સુરત અને નવસારીના સાંસદે ચોમાસુ સત્ર પુરું થયા બાદ સત્રનો રિપોર્ટ રજુ કર્યો

Updated: Aug 17th, 2023
– વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2047ના ભારતની પરિકલ્પના કરી આયોજન કરી રહ્યાં છે : દર્શના જરદોશ
– પ્રધાનમંત્રી દ્વારા કાયદામાં સુધારો કરાતા હવે સામાન્ય માનવી પણ પોતાના ઘરે તથા કામની જગ્યાએ તિરંગો લહેરાવી રહ્યાં છે :સી.આર.પાટીલ
સુરત,તા.17 ઓગસ્ટ 2023,ગુરૂવાર
ચોમાસુ સંસદીય સત્ર સમાપ્તિ અને “મેરી મિટ્ટી મેરા દેશ” ના ઉપક્રમે નવસારી-સુરત લોકસભાના સાંસદ દ્વારા સંસદીય કામગીરીની માહિતી આપવામાં આવી હતી. સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2047ના ભારતની પરિકલ્પના કરી આયોજન કરી રહ્યાં છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે કહ્યું હતું, પ્રધાનમંત્રી દ્વારા કાયદામાં સુધારો કરાતા હવે સામાન્ય માનવી પણ પોતાના ઘરે તથા કામની જગ્યાએ તિરંગો લહેરાવી રહ્યાં છે..
સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે સંસદની માહિતી આપતાં કહ્યું હતું, 27 રાજ્યોમાં 508 સ્ટેશનનો વિકાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે જગ્યાએ ભાજપનું રાજ નથી તે વિસ્તારના પણ રેલ્વે સ્ટેશનનો વિકાસ આધુનિક રીતે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મણિપુરમાં બનેલી હદયદ્રાવક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ વિશે પૂર્ણ માહિતી સદનમાં ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આપવામાં આવી હતી અને પ્રધાનમંત્રી દ્વારા પણ તે વિશે વાત કરવામાં આવી હતી છતાં પણ વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા માત્ર અને માત્ર નકારાત્મક વાતો જ કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ગૃહમંત્રી દ્વારા ખરડો લાવી બ્રિટિશ રાજ્યના કાયદાઓ સુધારવામાં આવ્યા તેનો તથા વિશ્વકર્મા યોજનામાં 30 લાખ કારીગર પરિવારોને લાભ થશે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે કહ્યું હતું, દેશની આઝાદી ના 75 વર્ષની ઉજવણી નિમિતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનનો પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તથા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા કાયદામાં સુધારો કરાતા હવે સામાન્ય માનવી પણ પોતાના ઘરે તથા કામની જગ્યાએ તિરંગો લહેરાવી શકશે. “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ અંતર્ગત હર ઘરની માટી અને ચપટી ચોખા લેવામાં આવશે અને દરેક ગામમાં 31 ઓક્ટોબર સુધી આ માટી અને ચોખા વડે અમૃત વનનો કાર્યક્રમ યોજવામાં આવશે.